Home રમત-ગમત Sports વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ રોહિતના ટેસ્ટ સુકાનીપદ વિષે થઇ શકે ચર્ચા

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ રોહિતના ટેસ્ટ સુકાનીપદ વિષે થઇ શકે ચર્ચા

13
0

(GNS),14

ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા માટે આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં બે ટેસ્ટ મેચની શ્રેણીમાં સારો દેખાવ કરવાનું તીવ્ર દબાણ રહેશે. જો ભારત આ શ્રેણીમાં પણ કંગાળ દેખાવનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે તો ભારતીય ક્રિકેટ બોર્ડ આકરા પગલાં લે તેવી શક્યતા છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડના ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 209 રને શરમજનક પરાજય થયો હતો. જેને પગલે ચોતરફથી રોહિત શર્માની કેપ્ટન્સી સામે સવાલો ઉભા થયા હતા.

રોહિત શર્મા પર ખતરો નથી જણાતો પરંતુ કેરેબિયન દેશના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા કેવો દેખાવ કરે છે તેના આધારે રોહિતનું ટેસ્ટ કેપ્ટનનું ભાવિ નિર્ભર રહેશે. જો ભારતીય ટીમ વિન્ડિઝ સામે હારે છે તો રોહિતનું ટેસ્ટ સુકાનીપદ જોખમમાં આવી શકે છે. આ ઉપરાંત કેટલાક અન્ય ખેલાડીઓના દેખાવ ઉપર પણ બોર્ડની નજર રહેશે અને તેમને સમય આવશે ત્યારે અરિસો બતાવવામાં બોર્ડ કોઈ જ કચાસ નહીં છોડે તેમ જણાય છે.

આ બાબતથી વાકેફ સૂત્રનું માનીએ તો જો રોહિત શર્મા કોઈ વ્યક્તિગત કારણથી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટમાં સુકાની તરીકેની જવાબદારી નહીં સ્વીકારે તો જ અન્ય વિકલ્પ વિશે વિચારણા કરાશે. અન્યથા તે વિન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ સુકાની તરીકે યથાવત્ રહી શકે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. બીસીસીઆઈ અને રાષ્ટ્રીય પસંદગીકાર સમિતિ રોહિત પાસેથી બે ટેસ્ટ પૈકી એકમાં મોટી ઈનિંગની અપેક્ષા રાખી રહ્યા છે. જો રોહિત તેમાં નિષ્ફળ જશે તો તેની કપ્તાની જોખમમાં આવી શકે છે.

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ રોહિતની ટેસ્ટમાં સુકાની પદેથી હકાલપટ્ટીની વાતનો છેદ ઉડાડતાં જણાવ્યું કે, રોહિત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલ સુધી રમશે કે કેમ તે ચર્ચાનો વિષય છે. કારણ કે ડબલ્યુટીસી ફાઈનલની ત્રીજી આવૃત્તિ 2025માં યોજાશે અને રોહિત તે સમયે 38 વર્ષનો હશે. જો કે બોર્ડ દ્વારા ભૂતકાળમાં કેટલાક ચોંકાવનારા પગલાં લેવામાં આવ્યા છે જેથી ટીકા ટોચ પર હોય છે ત્યારે નહીં પરંતુ કોઈ અન્ય સમયે જ બોર્ડ કઠોર નિર્ણય જાહેર કરી શકે છે તેમ એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ ભારત ડિસેમ્બર સુધી એકપણ ટેસ્ટ મેચ નહીં રમે. જેથી પસંદગીકારો પાસે નિર્ણય લેવા પૂરતો સમય હશે. આ સમય સુધીમાં પાંચમાં પસંદગીકાર પણ પેનલમાં જોડાશે અને નિર્ણય લેવો સરળ બનશે. રોહિતે 2022માં ભારતીય ટેસ્ટ ટીમના સુકાનીનો ભાર સંભાળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ભારત 10 ટેસ્ટ રમ્યું છે અને રોહિતે કોરોનાને પગલે ઈંગ્લેન્ડ સહિતની ત્રણ ટેસ્ટ ગુમાવી હતી. સાત ટેસ્ટમાં રોહિત શર્માએ 35.45ની એવરેજથી 390 રન કર્યા છે જેમાં એકમાત્ર સદીનો સમાવેશ થાય છે.

આ જ ગાળામાં વિરાટ કોહલીએ 10 ટેસ્ટ રમી હતી અને 17 ઈનિંગ્સમાં 517 રન નોંધાવ્યા હતા જેમાં અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારેલા 186 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. પૂજારા પણ સમીક્ષક ગાળામાં આઠ ટેસ્ટ રમ્યો છે જેમાં 14 ઈનિંગ્સમાં 40.12ની એવરેજથી 482 રન કર્યા હતા. પૂજારાએ નબળી ગણાતી બાંગ્લાદેશની ટીમ સામે 90 અને 102 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આગામી સમયમાં ભારતની ટેસ્ટ ટીમના ટોચના ખેલાડીઓ જે હાલ 35 વર્ષના છે તેમની ઉંમરમાં વધારો થશે અને તેઓ ટોચના ક્રમે રમી શકશે કે કેમ તે અંગે પણ શંકા રહેલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઇસીસી ટુર્નામેન્ટમાં ભારતની નિષ્ફળતા અંગે ચેટ જીપીટી કહ્યું આવું!
Next articleભારત Vs વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જાહેરાત કરવામાં આવી