Home ગુજરાત ગાંધીનગર વૃક્ષયાત્રા બાદ વૃક્ષ પૂજન કરી 4,500 વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષમંદિર સમાન પ્રતીક્ષા...

વૃક્ષયાત્રા બાદ વૃક્ષ પૂજન કરી 4,500 વૃક્ષોના વાવેતર દ્વારા વૃક્ષમંદિર સમાન પ્રતીક્ષા વનના નિર્માણ માટે સમસ્ત ગ્રામજનો સહભાગી બન્યા

19
0

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં વૃક્ષમંદિર નિર્માણનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સમસ્ત ખાનપુર ગ્રામજનો અને વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે ઉપસ્થિત રહી ગ્રામજનોના આ સામૂહિક વનનિર્માણ કાર્યક્રમના પુરુષાર્થને બિરદાવ્યો હતો.

 જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વૃક્ષ એ ધરતી પરના દેવતા છે. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષ માનવ જાતિના શ્રેષ્ઠ મિત્ર સમાન છે. પર્યાવરણની રક્ષાથી લઈને માનવીની અનેક જરૂરિયાતો વૃક્ષો પૂરી પાડે છે. ગ્લોબલ વોર્મિંગના મહાસંકટના સામના માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ વૃક્ષ ઉછેર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજે ખાનપુર ગામમાં સામૂહિક પુરુષાર્થ દ્વારા 4500 વૃક્ષોના વાવેતરથી વૃક્ષમંદિર એવા પ્રતીક્ષા વનનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અહીં વૃક્ષો વાવનારા પ્રત્યેક દંપતિ વૃક્ષના ઉછેર માટે તેના જતન-સંવર્ધનની પણ કાળજી લે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણે પણ ગામજનોના સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની સૌને પ્રેરણા પૂરી પાડી હતી.

હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, સમસ્ત ખાનપુર ગ્રામજનો અને વિચરતા સમુદાય સમર્થન મંચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના મંદિરથી નિર્માણાધિન પ્રતીક્ષા વન સુધીની વૃક્ષયાત્રા યોજવામાં આવી હતી. જેમાં પ્રત્યેક નાગરિક હાથમાં વૃક્ષ લઇ જોડાયા હતા. ત્યારબાદ ઉપસ્થિત દંપતિઓ દ્વારા વૃક્ષની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ ગ્રામજનોએ પ્રતીક્ષાવનના નિર્માણ માટે સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ માટે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડો. નીતિન સુમંત શાહ દ્વારા રૂ. ૧૨ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું.

આ અવસરે પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, વિચરતા સમુદાય સમર્થન મંચના ટ્રસ્ટી શ્રી મિતલબેન પટેલ, નીતિનભાઈ પટેલ ગામના સરપંચ શ્રી કે. ડી. પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણના આ સમૂહ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગોનું અપગ્રેડેશન-મજબૂતીકરણ થશે
Next articleનતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા