Home ગુજરાત ગાંધીનગર વરસાદના કારણે રાજ્યમાં પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી પુરજોશમાં

વરસાદના કારણે રાજ્યમાં પ્રભાવિત માર્ગોના મરામતની કામગીરી પુરજોશમાં

15
0

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકો માટે મહત્વનો નિર્ણય કરી વરસાદના વિરામ બાદ તૂટેલા રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવા જિલ્લા કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનરને તાકિદે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં નાના-મોટા રોડ – રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની હાથ ધરાયેલ કામગીરીની મુખ્ય વિગતો :

મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મહેસાણા, ઊંઝા, વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, કડી, બેચરાજી અને જોટાણા તાલુકાઓના ક્ષતિગ્રસ્ત રસ્તાઓ મરામત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લામાં આવા ક્ષતિગ્રસ્ત થયેલા કુલ ૪૭.૯૨ કિ.મી. લંબાઈના નાના-મોટા રોડ-રસ્તાઓ વરસાદ તથા પાણી ભરાવાના કારણે અંશત: ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક, વેટમીક્ષ, કોલ્ડ મીક્ષ પેચ કરી મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,

આ જ રીતે રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગો તેમજ  મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત આજીડેમ ચોકડી, ઢેબર રોડ, વોર્ડનં-૫, સોરઠીયાવાડી સર્કલ, જુના મોરબી રોડ સહિત વિસ્તારોના રસ્તાઓ તૈયાર કરાતા વાહન વ્યવહાર સુચારુરૂપે ચાલી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભાવનગર – રાજકોટ હાઇવેના નાના આટકોટ, બલધોઇ, વિરનગર, દડવા, હમીરપુર વગેરે ગામોની આસપાસ રસ્તામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનથી રસ્તાઓના મરામત સહિતના વિવિધ વિસ્તારના માર્ગ રીપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે જેમાં દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડતાં કુલ ૮ જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ થયા હતા. માર્ગ – મકાન વિભાગની ત્વરિત કામગીરીના પરિણામે  તમામ રસ્તાઓ પુન: શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા  કુલ ૧૫૭.૫ કિ.મીના રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે જેમાંથી ૯૧.૪ કિ.મીના રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બાકી રસ્તાઓની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે

આ ઉપરાંત નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે છેલ્લા બે દિવસથી રાજ્યના ઉદ્યોગ કમિશનરશ્રી અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદિપ સાંગલે સ્થાનિક વહિવટી તંત્ર સાથે સંકલનમાં જિલ્લામાં જ રહીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં વરસાદના પગલે માર્ગો પર થયેલા નુકશાન બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.  રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ નર્મદા જિલ્લાની હદમાં આવેલા આંતરિક રસ્તાઓ સહિત કુલ ૧૪૪૧.૫૩ કિ.મીના માર્ગો પૈકી જિલ્લામાં તાજેતરમાં વરસેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ૪૮.૪૩ કિ.મીના માર્ગોને નુકશાન થયું હતું. રાજપીપલા માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તક નર્મદા જિલ્લામાં કુલ ૩૨૮.૭૨૫ કિ.મીના રસ્તાઓ આવેલા છે. તે પૈકી કુલ ૧૨ રસ્તાઓ પર ૬.૧૩ કિ.મી જેટલા રસ્તાને નુકશાન થયું હતું. તેના દુરસ્તીકરણની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી અત્યારસુધીમાં ૨.૬૮ કિ.મીના રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રસ્તાના દુરસ્તીકરણની આ કામગીરીમાં હાલ ૩ જે.સી.બી, ૨ ટ્રેક્ટર, ૪ ડમ્પર અને ૫૦થી વધુ શ્રમિકો જોડાયેલા છે. 

આ જ રીતે ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જોકે, ભુજ નગરપાલિકા દ્વારા મેટલિંગ, ડામર વર્ક અને પેચવર્ક કરીને તમામ રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે નગરપાલિકાની ટીમ રાત-દિવસ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ભુજ નગરપાલિકાના દ્વારા ઈજનેરશ્રીઓને રિપેરિંગ માટે જવાબદારી સોંપીને મેટલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે. ભુજ શહેરના આઈયાનગર વિસ્તાર, આરટીઓ રિલોકેશન સાઈટ વિસ્તાર, ભુજ જ્યુબિલી સર્કલ, ખેંગારપાર્કથી હમીરસર રોડ, અરિહંતનગર રોડ, સંસ્કારનગરથી મંગલમ રોડ સહિત શહેરના નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાની મરામતની કામગીરી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાલિયામાં આભ ફાટ્યું, 12 ઈંચ વરસાદ
Next articleશ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો