રાજ્યમાં ઝોન વાઇઝ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ ધરાવતી મેડિસીટી નિર્માણ પામતા ટ્રાન્સ્પ્લાન્ટ સેન્ટર પણ કાર્યરત બનશે
(જી.એન.એસ) તા. 26
ગાંધીનગર,
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે. અંગધાનમા મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં વ્હાલા-દવલા કે કોઇપણ પ્રકારની ઓળખાણ કે લાગવગ ચલાવવાની નીતિને અવકાશ નથી.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વેગવંગી બનાવવા અને સમગ્ર પ્રક્રિયાનું મોનટરીંગ અને સંચાલન કરવા વર્ષ – 2019માં SOTTO (સ્ટેટ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. SOTTO દ્વારા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ મેડસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટમાં કિડનીના, 748 અને લીવરના 140 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ કિડનીના 28 અને લીવરના 54 જેટલા દર્દીના મૃત્યુ થયા છે.
ટ્રાન્સપ્લાન્ટ બાદ થયેલ દર્દીઓના મૃત્યુ સંદર્ભે કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા આંતરિક કમિટી બનાવી મૃત્યુના રીવ્યું કર્યા છે.
જેમાં ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ન્યુમોનિયા, સેપ્ટિસેમિયા (શરીરમાં ચેપ ફેલાઇ જવો) , પ્રાઇમરી ગ્રાફ્ટ ડિસફંકશન (મળેલ અંગ યોગ્ય રીતે કામ ન કરે) , ઇન્ફેકશન ફ્રોમ લિવર ડોનર , સ્ટોન ઇન ગોલ બ્લેડર , ટી.બી થવું, કેન્સર એટેક, પોર્ટલ વેઇન થ્રોંબોસીસ, એ.આર.ડી.એસ. (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ), ઈસ્ચેમિયા રીપરફ્યુજન ઇંન્જરી (લોહીના પરિભ્રમણમા ખામી), કાર્ડિયાક એરેસ્ટ અને પુવર મેડિકલ કંડીશન, માલન્યુટ્રીશન, સાક્રોપેનિયા (સ્નાયુઓની તકલિફ) , રિકરન્ટ એક્યૂટ કિડની ઈંજરી જેવા મહત્વના કારણો જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું છે.
આરોગ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે અંગદાનની મુહિમ રાજ્યમાં જનઆંદોલન બની છે. લોકો હવે સ્વયંભુ અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને અન્યોને મદદરૂપ બનવા સંકલ્પબધ્ધ થઇ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા પણ જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં માત્ર રીટ્રાઇવલ કરતી કુલ ૧૧૨ હોસ્પિટલો છે. જે પૈકી ૧૫ સરકારી હોસ્પિટલો છે. તેમજ રાજ્યમાં રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ બંને કરતી કુલ 33 જેટલી હોસ્પિટલ છે.
રાજ્ય સરકાર દ્વારા ઝોન વાઇઝ મેડિસીટી નિર્માણકાર્ય યુધ્ધનાઘોરણે આરંભવવામાં આવ્યું છે. સુરત, વડોદરા, રાજકટો, ભાવનગર અને જામનગર માં કિડની, લીવર, હાર્ટ સહિતની સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ધરાવતી મેડિસીટી નિર્માણ પામતા ઝોન વાઇઝ પણ સરકારી ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
આ ક્ષણે મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોને રાજ્ય સરકારની અંગદાનની મુહિમમા જોડાઇને અંગોના વેઇટીંગ લીસ્ટ ઘટાડવા માટે સહભાગી બનવા આહવાન કર્યું હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.