Home ગુજરાત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારોહ યોજાયો

24
0

૧૪ વિદ્યાશાખાઓના ૪૩૯૫૯  છાત્ર-છાત્રાઓને પદવીઓ, ૧૨૨ વિદ્યાર્થીઓને ૧૪૧ ગોલ્ડ મેડલ એનાયત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:-

   વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે

   ધર્મ એટલે કર્તવ્યપાલન : જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે

   કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગ કરજો

   માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી : શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

રાજકોટ ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮ મો  પદવીદાન સમારોહ યોજાયો હતો.

(જી.એન.એસ),તા.૧૦

રાજકોટ,

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, વિદ્યાધન સર્વશ્રેષ્ઠ છે, શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદાર હોવું જરૂરી છે.

રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે,આજીવન વિદ્યાર્થી બની, પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: ના આપણા સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવા અનુરોધ કર્યો હતો અને શિક્ષણનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણ માટે કરી પરમાર્થી બનવા હિમાયત કરી હતી.

ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે,  દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સંકલ્પબધ્ધ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ૧૧મા ક્રમેથી આગળ વધી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ બન્યો છે.

વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓને ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.

ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગ સાથે મલ્ટીટેલેન્ટેડ બની ઈનોવેશન હાથ ધરી બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પદવી મેળવતા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન પ્રજ્વલિત દીવાની જેમ સદા પ્રકાશિત રાખે તેવી શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, સફળતાપૂર્વક શિક્ષણ પૂરું કર્યા બાદ માતા-પિતાના સ્વપ્નને પરિપૂર્ણ કરે અને સત્ય અને નિષ્ઠાના પાઠ જીવનમાં સદાય સાથે રાખી જિંદગીની પરીક્ષામાં પણ સફળ બને, એ જ સાચા શિક્ષણની પારાશીશી છે. આજરોજ ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ બહેનો હોઈ તેઓની પ્રગતિને હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે બિરદાવી આ બદલાતા સમયની તસવીર હોવાનું શિક્ષણ મંત્રીશ્રી પાનસેરિયાએ  ગૌરવ સાથે જણાવ્યું હતું.

યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૪ વિદ્યાશાખાઓના ૪૩૯૫૯  છાત્ર-છાત્રાઓને પદવી તથા ૧રર વિદ્યાર્થીઓને કુલ ૧૪૧ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં દાતાશ્રીઓ તરફથી કુલ ૬૫ ગોલ્ડ મેડલ્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ૭૬ ગોલ્ડ મેડલ્સ તેમજ દાતાશ્રીઓ તરફથી કુલ ૧૧૦ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ૧ર૪ પુરસ્કાર મળીને ર૩૪ પુરસ્કાર પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્વીને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ અને ૧૧ પુરસ્કાર, બી.વી.ધાણક કોલેજ, બગસરાની વિદ્યાર્થીની કયાડા પરીખાને બી.એ.સંસ્કૃતમાં ૩ ગોલ્ડમેડલ અને ૮ પુરસ્કાર, એલ.ડી. ધાનાણી કોલેજ, અમરેલીના વિદ્યાર્થી બુટાણી રોમલભાઈને એલ.એલ.બી. માં ૩ ગોલ્ડમેડલ અને ૭ પુરસ્કાર એનાયત થયા હતા.

આજે યોજાયેલા પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખા ૧૨૩૪૨, શિક્ષણ વિદ્યાશાખા ૪૩૫૭, વિજ્ઞાન વિદ્યાશાખા ૬૭૧૦, ઈજનેરી વિદ્યાશાખા ૦૪, કાયદા વિદ્યાશાખા ૧૭૭૩, તબીબી વિદ્યાશાખા ૨૦૨૫, વાણિજય વિદ્યાશાખા ૧૩૫૮૪, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૪૬, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૦૯, હોમીયોપેથી વિદ્યાશાખા ૫૭૧, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા ૨૦૪૩, આર્કીટેકચર વિદ્યાશાખા ૮૨, પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા ૧૯, ફાર્મસી વિદ્યાશાખા ૯૪ મળી કુલ ૪૩૫૯૫ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈ.ડી. બનાવી વિદ્યાર્થીઓને વિકાસ માટે વિવિધ ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. પી.એમ. ઉષા યોજના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્વસ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે. યુનિવર્સિટીના ઈન્કયુબેશન સેન્ટર દ્રારા ૮૫થી વધુ સ્ટાર્ટઅપનો પ્રારંભ થયો છે. ડો.દવેએ દીક્ષિત વિદ્યાર્થીઓને સ્વથી સમષ્ટિ સુધી જ્ઞાનને વિકસાવવાની શીખ આપી હતી.

યુનિવર્સિટી ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને એમ.એસ.ચારણ તથા મેજર રામરાજના માર્ગદર્શન હેઠળ પી.ડી.માલવીયા કોલેજના એન.સી.સી. કેડેટ્સ દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહાનુભાવોનું રામ દરબારની પ્રતિકૃતિ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.  આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી, પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવા, અને  શ્રી ચાંદની પરમાર, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યા છે
Next articleપ્રધાનમંત્રીએ આઝમગઢમાં રૂ. 34,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પહેલોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા