Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની જીવનસફર પર આધારિત કોફી ટેબલ બુક “આજીવન યોદ્ધા”નું વિમોચન કર્યું

19
0

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના લોક-પ્રતિનિધિ અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની જીવનસફર પર આધારિત કોફી ટેબલ બુક “આજીવન યોદ્ધા”નું વિમોચન કર્યું હતું. ગાંધીનગરની માતૃશ્રી જ્યોતિબા મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ સમારોહમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી “આજીવન યોદ્ધા” પુસ્તકને બિરદાવતા જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં માત્ર શ્રી ભીખુસિંહ પરમાર નહિ, પરંતુ તેમના જેવા દેશના કરોડો નાગરીકોની સંઘર્ષ યાત્રાની વાત છે. જીવનના કપરા સમયમાં સ્ટ્રેસ અને ડીપ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરતી આજની યુવા પેઢી માટે આ પુસ્તક ખૂબ જ પ્રેરણાદાયી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજની યુવા પેઢીએ આજીવન યોદ્ધા પુસ્તકમાંથી શીખ લેવી જોઈએ કે, કેટલી પણ ખરાબ અને કપરી પરિસ્થતિ હોવા છતાં, શ્રી ભીખુસિંહે ક્યારેય હાર નથી માની, પીછે હઠ નથી કરી અને આગળ વધવા માટે ક્યારેય શોર્ટ કટ કે ખોટો રસ્તો અપનાવ્યો નથી. કપરી પરિસ્થતિનો સામે હાર માનવાની જગ્યાએ તેમણે દ્રઢ સંકલ્પ સાથે તેનો સામનો કર્યો. પરિણામે આજે તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા જેવા બે મહત્વપૂર્ણ વિભાગનું નેતૃત્વ કરીને રાજ્યના અનેક જરૂરિયાતમંદ નાગરીકો સુધી જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ભાવી પેઢી માટે વિચાર કરીને આજે દેશભરમાં પ્રાકૃતિક કૃષિ માટે મહાઅભિયાનનો આરંભ કર્યો છે, જેમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. આપણે હવે સહિયારા પ્રયાસોથી વધુ એક દ્રઢ સંકલ્પ કરવાનો છે. રસાયણોના આડેધડ ઉપયોગથી જમીનના અને માનવ સ્વાસ્થ્યને બગાડવાની જગ્યાએ ગુજરાતના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેના માટે પ્રયાસો કરવાના છે. કારણ કે, ભાવી પેઢીની આરોગ્ય સલામતી માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે, તેવો મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, શ્રી ભીખુસિંહ પરમારની અરવ્લ્લીથી ગાંધીનગર સુધીની યાત્રા ખૂબ જ લાંબી અને સંઘર્ષપૂર્ણ રહી છે. ખેત મજૂરીથી શરુ થયેલી આ સંઘર્ષયાત્રા ૪૫ વર્ષ બાદ આજે રાજ્યના મંત્રી મંડળ સુધી પહોંચી છે. તેમના જીવનના દરેક સંઘર્ષ અને તેની સામે તેમણે કરેલા પરિશ્રમને વર્ણવતી આ પુસ્તક એક સાફલ્ય ગાથા અને પ્રેરણા છે. શાળાની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓથી લઈને જીવનના સંઘર્ષથી હારીને નાસીપાસ થઇ જતા દરેક નાગરિકોએ ‘આજીવન યોદ્ધા’ પુસ્તક એકવાર અચૂક વાંચવું જોઈએ, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

પોતાની સંઘર્ષ યાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે મુખ્યમંત્રીશ્રી સહિત તેમની આ જીવનસફરમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુસ્તક અંગે સહજભાવે પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ પુસ્તકમાં વણલખાયેલા કેટલાક સંઘર્ષભર્યા કિસ્સાઓ પણ વાગોળ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ લેખક અને પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ તેમજ વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટે પુસ્તકની પ્રસંશા કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત આજીવન યોદ્ધા પુસ્તકના સંપાદક કવિ શ્રી ચંદ્રેશ નારાજે પુસ્તક અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ તેના કેટલાક અંશો વાંચી પોતાની પ્રસંશા વ્યક્ત કરી હતી.

આ સમારોહ દરમિયાન અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રીયંકાબેન ડામોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી વી. ડી. ઝાલા, શ્રી ધવલસિંહ ઝાલા, અમૂલના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળ-ગાંધીનગરના પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ-અરવલ્લીના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ તેમજ ગુરુ ગાદી ડાકોર શ્રી કિરણરામ મહારાજ સહિત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાલુ નોકરીએ ગુલ્લીઓ મારતા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન
Next articleઆજ નું પંચાંગ (11/08/2024)