Home ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

15
0

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું, દેશના સર્વાંગી વિકાસ માટે નાગરિકોને નવ સંકલ્પો આપ્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી:-

– ખોડલધામ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે

– દેશભરમાં નવ વર્ષમાં ૩૦ નવી અદ્યતન કેન્સર હોસ્પિટલ વિકસાવાઈ 

– ગુજરાત ભારતનું મોટું મેડિકલ હબ બન્યું, રાજ્યમાં ગામે-ગામ સીએચસી ખોલાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

“નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામરાજ્ય તરફનું પ્રયાણ”

“વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશમાં આગળ વધતા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું”

રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે બનશે આધુનિક કેન્સર હોસ્પિટલ

(જી.એન.એસ),તા.૨૧

રાજકોટ,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈભાઈ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું. સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હોસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે તેમ જણાવતા પ્રધાનમંત્રી શ્રી ઉમેર્યું હતું કે આ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે.  લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શરૂ કરાયેલ ખોડલધામ ટ્રસ્ટે શિક્ષા, કૃષિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઉદાહરણીય કામગીરી કરીને અનેક લોકોના જીવન બદલવાનું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કેન્સર સહિતની ગંભીર બીમારીઓના ઈલાજમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે ત્યારે દર્દી અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સરકારે છેલ્લા નવ વર્ષોમાં ૩૦ જેટલા કેન્સર હોસ્પિટલ શરૂ કર્યા છે અને ૧૦ નવી કેન્સર હોસ્પિટલ બની રહ્યા છે. કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઇ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે.  દેશના વિકાસ માટે દેશના નાગરિકો સ્વસ્થ અને સશક્ત હોય તે બાબતને અનિવાર્ય ગણાવતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વિચારને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે નાગરિકોને ગંભીર બીમારીના કિસ્સામાં પણ સારવાર માટે નાણાની ચિંતા ના કરવી પડે તે માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે. જેનો લાભ લઈ ૬ કરોડથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર મેળવી છે. સારવાર ઉપરાંત સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે ૧૦,૦૦૦ જેટલા જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા છે, જ્યાં બજારભાવ કરતા ૮૦% ઓછા દરે દવાઓ મળે છે.  આ કેન્દ્રના પરિણામે દર્દીઓના દવા પાછળ થતા ખર્ચમાં રૂ. ૩૦,૦૦૦ કરોડની બચત થવા પામી છે.

છેલ્લા ૨૦ વર્ષોમાં ગુજરાતે સ્વાસ્થ્ય સુવિધાઓ ક્ષેત્રે સાધેલી પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા ૧૧ હતી જે આજે વધીને ૪૦, ફાર્મસી કોલેજની સંખ્યા ૧૩ થી વધીને ૧૦૦, ડિપ્લોમા ફાર્મસી કોલેજની સંખ્યા ૬ થી વધીને ૩૦ થઈ છે. મેડિકલ કોલેજોમાં એમબીબીએસની બેઠકો ૫ ગણી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો ૩ ગણી થઈ છે. ગુજરાત ભારતનું મોટું મેડિકલ હબ બન્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ગામે-ગામ સીએચસી ખોલવામાં આવ્યા છે. આદિવાસી, ગરીબ વિસ્તારો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે ગુજરાતે દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટા સુધારાનું મોડેલ રજૂ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ લોકોને નવ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો, જેમાં જળ સંરક્ષણ અને સંગ્રહ, ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ટ્રાન્જેક્શન વધારવા, પોતાના ગામ-શહેરને સ્વચ્છતામાં અવ્વલ બનાવવા, મેઈડ ઈન ઈન્ડિયા – સ્થાનિક ઉત્પાદનની વસ્તુઓ ખરીદવા, પ્રાકૃતિક ખેતીની અમલવારી, મિલેટ્સનો ઉપયોગ, વ્યસન મુક્તિ તેમજ તંદુરસ્તી સાથે શારીરિક સજ્જતા કેળવવાનો સમાવેશ થાય છે. આ સંકલ્પો દેશના વિકાસ માં  સમાજ શકિત ને વ્યાપક રૂપે જોડવામાં મહત્ત્વ પૂર્ણ બનશે એમ તેમણે ઉમેર્યું હતું. ખોડલધામ કાગવડના સાતમા પાટોત્સવ તથા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવું ભવ્ય આયોજન થતું હોય છે. તેમણે કહ્યું હતું કે, આયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં આવતીકાલે ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેના પૂર્વ દિવસે આદ્યશક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ એવા ખોડલધામમાં આ અનોખા અવસરના સાક્ષી બનવાની તક આપણને મળી છે. ખોડલધામ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખોડલધામે વિવિધ સેવાકીય કાર્યો થકી “જનસેવા એ જ પ્રભુસેવા”નું ધ્યેય સાર્થક કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ  હેઠળની કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં શહેરી, ગ્રામ્ય એમ દરેક વિસ્તારના વિકાસ, દરેક નાગરિકના કલ્યાણની નીતિ અપનાવી છે અને ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. રાજ્યની બે દાયકાની વિકાસ યાત્રાના સારથી એવા નરેન્દ્રભાઈભાઈ મોદીના દિશાનિર્દેશમાં આગળ વધતા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાના વિચારને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામરાજ્ય તરફનું પ્રયાણ છે. તેમણે કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામ આવતીકાલે અયોધ્યા નિજમંદિરમાં બિરાજમાન થવાના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક ક્ષણને વધાવી લેવા આહવાન કર્યું છે, ત્યારે આવતીકાલે દેશમાં વધુ એક દિવાળી જેવો માહોલ હશે. રામના મૂલ્યો, સેવા, સંસ્કારો, શાસન અને ન્યાય સમગ્ર દેશમાં સર્વત્ર વ્યાપે એવી આપણી અભિલાષા છે. આ અભિલાષા પૂર્ણ કરવામાં આદ્ય શક્તિ મા ખોડલ સૌને સદા સહાયરૂપ બને તેવી પ્રાર્થના કરું છું. સભાસ્થળે આગમન પૂર્વે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખોડલધામ નિજ મંદિરમાં મા ખોડલના દર્શન કરી રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી, પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જીવન શૈલી અને વ્યસનથી ફેલાતા કેન્સરના રોગના નિવારણ માટે માટે આજે શુભારંભ થયેલી આરોગ્ય સંસ્થા સ્વસ્થ ભારતના વિકાસમાં નિર્ણાયક સાબિત થશે. સ્થાનિક સ્તરે કેન્સર જેવા રોગની ઉત્તમ સારવાર  કિફાયતી દરે મળી રહે તે માટે ખોડલધામ સંસ્થાનો આ સરાહનીય પ્રયાસ છે. શિક્ષણ-સંસ્કૃતિ-સમાજ-આરોગ્ય વગેરેના વિકાસ માટે કાર્યરત ખોડલધામ સર્વસમાજ માટે આવા પ્રકલ્પો અમલમાં મૂકે છે અને સહુના સહકારથી કામ કરવાની સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થશે એવો મંત્રી શ્રી માંડવીયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખોડલધામ સંસ્થાના સ્થાપક શ્રી નરેશભાઈ પટેલને સમગ્ર પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આજે શુભારંભ થયેલ અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સમાજની સર્વ પ્રકારે સેવા કરવાના સંસ્થાના આશયને પૂર્ણ કરશે. આ તકે મંત્રીશ્રી રાઘવજીભાઈએ સમાજના વિકાસ માટે સદૈવ અગ્રેસર રહેવા ખોડલધામ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક શ્રી નરેશભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાના સાત વર્ષ પુરા થવા નિમિત્તે ખોડલધામના સંકલ્પો રજૂ કર્યા હતા, જે પૈકી સર્વ સમાજ માટે ૪૨ એકરમાં નિર્માણ થનાર કેન્સરના નિદાન અને સારવાર માટેની કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર માટે સાથ-સહકાર આપનાર સૌ કોઈનો આભાર માન્યો હતો અને આ હોસ્પિટલને રાષ્ટ્રની સેવામાં અર્પણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. નોંધનીય છે કે, રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે આશરે ૪૨.૫ એકર જેવી વિશાળ જગ્યામાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ૩૦ મહિનામાં આ હોસ્પિટલ શરૂ કરી દેવાનું આયોજન છે. ખોડલધામના સાતમા પાટોત્સવ પ્રસંગે આજે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ બહુમાન કરાયું હતું જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સમાજરત્ન એવોર્ડથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જળસંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સર્વે સાંસદશ્રીઓ શ્રી રમેશભાઈ ધડુક અને શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો સર્વશ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી બિપિનભાઇ ગોતા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, પૂર્વમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી જસુમતિબેન કોરાટ, અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી ડી.કે. સખિયા, શ્રી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઈ મોલિયા, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ કમિશનરશ્રી પાર્થરાજસિંહ ગોહિલ, રાજકીય આગેવાનશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રી, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી, સંબધિત વિભાગના અધિકારીઓ બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
Next articleગાંધીનગરમાં સ્વ. શેઠ શ્રી જીવણભાઈ માધાભાઈ ચૌધરીની ૨૪મી પુણ્યતિથિએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન-અભિવાદન કરાયું