Home દેશ - NATIONAL મનગમતો ચુકાદો મેળવી લેવો અને પછી કહેવું….ભૂલચૂક લેવીદેવી…..!

મનગમતો ચુકાદો મેળવી લેવો અને પછી કહેવું….ભૂલચૂક લેવીદેવી…..!

600
0

નોંધઃ મિતરોં… આ બધુ વ્યાકરણના વર્તમાનકાળ-ઇઝ-માં લખાયેલું સમજવું. ભૂતકાળ-હેઝ બીન-માં નહીં..ભવિષ્યકાળ-વીલ-માં માનવું હોય તો આપકી મરજી….!!

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.17
કેટલું મસ્ત ચાલે છે નહીં આપણાં દેશમાં…?સીબીઆઇના બે મોટેરાઓ બિલાડીની જેમ લડતા હતા. આ મોટેરાઓ માટે બિલાડી શબ્દનો પ્રયોગ ખુદ સરકારે જ સુપ્રિમ કોર્ટમાં કર્યો છે. લખનારની કોઇ ભૂલ નથી. તેમને બાઝતા રોકવા બન્નેને રજા પર ઉતારી દેવાયા., એમ મોદી સરકારે સુપ્રિમ કોર્ટને જાણ કરી હતી. પણ હમણાં હમણાં જે જાણ કરી છે ને એ તો મહાન જાદુગર કે.લાલને પણ ટપી જાય તેમ છે. સુપ્રિમને આપેલા સીલબંધ કવરમાં લખાયેલી વિગતોમાં મિસ્ટેકમાં ભૂલ હતી…! વર્તમાન કાળનું ભૂતકાળમાં લખાઇ ગયું હતું. અંગ્રેજીમાં ઇઝ અને હેઝ બીન…. અને એવી બધી ભૂલ હતી કે મોદી સરકારે પોતાની ઝોળીમાં મનગમતો ચુકાદો ઝીલી લીધા પછી સુપ્રિમને જાણે સાવ સામાન્ય અને ભોળા ભાવે જાણે કે આ તો રૂટીન બાબત છે એમ કહ્યું કે મી લોર્ડ, આપના અમારા માટેના અતિ મહત્વના ચુકાદામાં પેરેગ્રાફ 25માં કેગ અને પીએસી અંગે તમે જે ભૂતકાળમાં લખ્યું છે તે હજુ વર્તમાન કાળમાં છે. એટલે તેમાં જરાક સુધારો કરશોજી. ભૂલચૂક લેવીદેવી…..! કેગ દ્વારા હજુ પીએસીને રિપોર્ટ દર્શાવાયો નથી અને પીએસીએ હજુ કેગનો રિપોર્ટ જોયો નથી અને તે સાર્વજનિક-પબ્લિક ડોમેઇનમાં પણ નથી. મી. લોર્ડ જરા વ્યાકરણની ભૂલ હતી. તમે સમજવામાં ક્યાંક ગોથુ ખાઇ ગયા. એટલે આપના ચુકાદામાં જરીક આટલો સુધારો કરો ને..!
કોર્ટ સજા આપ્યા બાદ આરોપી એમ કહે કે ના.. ના.. સાહેબ, મેં જે કહ્યું હતું તેમાં તમારે આવું સમજવાનું હતું… તમે વ્યાકરણમાં ખોટુ અર્થઘટન કર્યું અને મને ફાંસીની સજા ફટકારી એ ખોટી છે, મેં વ્યાકરણના વર્તમાનકાળમાં કહ્યું અને તમે તેને ભૂતકાળમાં એટલે કે એ ક્રિયા બની ગઇ એમ સમજીને સજા આપી એ યોગ્ય નથી. અને હવે આપ આપના ચુકાદામાં સુધારો કરો…! આવી દલીલો હવે કોર્ટમાં થાય તો નવાઇ ન પામતા. કેમ કે મોદી સરકારે નવી પરંપરા, નવો ચિલો પાડ્યો છે કે આપણી તરફેણમાં ચુકાદો જાહેર થઇ જાય અને સામાવાળાને મંત્રીઓ જોખી જોખીને ભાંડે અને લોકોના ગળે એમ ઉતરે કે ના હોં સરકાર સાચી છે, સુપ્રિમ કોર્ટે લાલ રંગનો સિક્કો માર્યો છે, તે પછીના 24 કલાકમાં કોર્ટમાં જવું અને એફિડેવિટ રજૂ કરીને કહેવું કે કેગ અને પીએસી અંગે કોર્ટના ચુકાદામાં વ્યાકરણની એરર છે..! 70 પત્રકાર પરિષદમાં તો એ જ કહેવાશે કે અમને તો ક્લિનચીટ મળી છે. સામાવાળા ખોટા છે…!
મનગમતો ચુકાદો મળ્યા બાદ પોતાની નહીં પણ સુપ્રિમ કોર્ટ બરાબર સમજી શકી નથી અને કોર્ટની ભૂલ છે એવું તો આ દેશમાં પહેલીવાર બની રહ્યું છે. અને હાં આ દેશમાં ઘણુ બધુ 26 મે 2014થી શરૂ થયું છે. આરબીઆઇના ગવર્નર રાજન દેશદ્રોહી છે, આરબીઆઇની માહિતી વિદેશ મોકલે છે એવા આરોપો ઇરાદાપૂર્વક રાજન સામે મૂકાયા બાદ જાહેરમાં ઠાવકાઇથી કહેવું રાજન ઇચ્છે તો અમે તો તેમને ફરી ચાલુ રાખવા માંગીએ છીએ…એવું પહેલી વાર બન્યું. રાજનની જગ્યાએ આવ્યાં તેઓ અમારૂ માનતા નથી, નહીં ચાલે…ભાઇ ઉર્જીત પટેલે રાજીનામું આપ્યું. તેમને મનાવવાના કોઇ પ્રયાસ ના થયા. એવું પહેલી વાર બન્યું. ઉ.પ.ની જગ્યાએ જે આવ્યાં શ.દા. એમની લાયકાતને લઇને એમના જ પક્ષમાં હોબાળો મચ્યો. રાજનને વગોવનારાએ જ શ.દા.ને ભ્રષ્ટાચારી ગણાવ્યાં. છતાં શ.દા. ગવર્નરપદે ચાલું. એવું પહેલીવાર બન્યું. સીબીઆઇમાં બે મોટેરા 3 કરોડની લાંચ માટે બિલાડીની જેમ બાઝ્યા..એક કહે તેં લીધા તો બીજો કહે કે તેં લીધા… પણ બેમાંથી કોઇ માઇનો લાલ(એમાં એક તો મોદીનો લાલ છે..) એમ ના બોલ્યા કે ના..ના.. મેં કોઇ 3 કરોડની લાંચ-વાંચ લીધી નથી…આ બધુ ખોટુ છે. …એવું કોઇ બોલ્યા નથી. આ જગજહેર છે અને તેમાં વ્યાકરણની કોઇ ભૂલ નથી. ભૂતકાળ નહીં વર્તમાન કાળ નહીં માત્રને માત્ર લાંચકાળ…! આવું પહેલી વાર બન્યું.
સીબીઆઇના કામચલાઉ વડાને કાર્યભાર સોંપવા અડધી રાત્રે સીબીઆઇ મથકને પોલીસનો ઘેરો ઘાલીને તેમને તાબડતોડ હાજર કરાયા અને રાતોરાત હસ્તાક્ષર કરાવીને લાંચકાળીયાઓને ફરજીયાત રજા પર ઉતાર્યા. એ પણ પહેલીવાર બન્યું. રામ મંદિર કેસમાં મુદત પડી તો કોર્ટ હિન્દુ વિરોધી છે, રામ વિરોધી છે, અમે તેમને માનતા નથી એવા સરસ મજાના નિવેદનો વ્યાકરણના વર્તમાનકાળમાં જ થયા અને ભવિષ્યકાળમાં કોર્ટને ઇશારો કર્યો કે જો અમારી તરફેણમાં ચુકાદો ના આવ્યો તો…..આવું પહેલીવાર બન્યું. નિરવ,મેહુલ અને માલ્યા એ બધાનું પણ પહેલી વાર થયું.. આવું તો ઘણુ બધુ બન્યું પહેલીવાર. પણ કેગ અને પીએસીને લઇને જે સરકારે સુધારો કોર્ટ ને મોકલ્યો એ તો ખરેખર અદભૂત-અજોડ-બેજોડ અને ક્યારેય ન બન્યું હોય તેવું બનેલું જોઇને જો કોઇ એમ કહે કે એરરમાં અરરર.. ન્યાયની દેવીને પણ છેતરી ગયા, એને તો આંખે પાટા છે. પણ સરકારને તો દેખાતું હતું કે નહીં..? ન્યાયની દેવીએ તો તમે જે કાગળિયા રજૂ કર્યા એના પર બાઇબલ-ગીતા અને કૂરાન જેટલો ભરોસો રાખીને ચુકાદો આપ્યો કે રાફેલમાં કાંઇ ખોટુ થયું નથી અને ચુકાદો હાથમાં આવ્યાં બાદ તેને હાથમાં લઇને હવામાં લહેરાવતાં લહેરાવતાં કહેવું કે મિતરોં….જોઇ લો. અમે સાચા છીએ. સામાવાળા સાવ જુઠા છે. માફી માંગે. અને 24 કલાક પછી ન્યાયની દેવી સામે મોઢુ વકાસીને બે હાથ જોડીને આજીજી..કરવી કે મી. લોર્ડ તમારા સમજવામાં કાંઇક ભૂલ થઇ છે…! આમ નહી પણ આમ હતું….કેટલો મસ્ત સીન છે નહીં..! જાણે કોઇ ફિલ્મનું દ્રશ્ય ના હોય.!
વાંક સરકારનો. કાગળિયા સરકારના. વકીલ સરકારનો. પણ વાંક કોનો કાઢ્યો- મી. લોર્ડ આપની કાંઇક ગેરસમજ થતી લાગે છે…! આ સરકારને મન સુપ્રિમ તો જાણે ઠીક સમજ્યા… કહીશું એટલે માની જશે….એવી કોઇ સમજણ છે. અતિ મહત્વના કેસમાં જો સુપ્રિમ કોર્ટ સાથે આવું થાય તો આ સરકાર ખોટી છે, જુમલેબાજ છે એમ જો વિરોધપક્ષ કહે તો લોકો વિચારશે કે વિરોક્ષપક્ષની વાતમાં કંઇક તો દમ છે. પણ આ બધુ સત્તા માટે છે. સરકારને ક્લિનચીટ મેળવવાની પ્રક્રિયાનો એક ભાગ છે.ફરી સત્તા મેળવવા માટે રણનીતિ ઘડનારાઓ તો એમ જ માનતા હશે કે સુપ્રિમ કોર્ટને જે સમજવું હોય તો ભલે સમજે અમે તો આ દેશના કરોડો-કરોડો ભલાભોળા લોકોને (કે જેમને હજુ ખબર નથી અને ખબર પડવા દેશે પણ નહીં તેમને ) એમ જ કહીશું કે- દેખો, સનમાનીય સુપ્રિમ કોર્ટને બોલ દિયા હૈ રાફેલ સોદેમેં કોઇ ગરબડ નહીં. યે દેખીયેં જજમેન્ટ કી કાપી…! પત્રિકામાં છપાયેલ જજમેન્ટની વિગતો કેસ નંબર-તારીખ સાથે થમાવી દેવાશે- બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હશે-રાહુલ જુઠો કા બડા સરતાજ નિકલા….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્લિનચીટ મિસફાયર…!, ટેલિગ્રાફ નવ પ્રશ્નાર્થ મુકી અખબારી તોપનો ગોળો છોડ્યો
Next articleજસદણમાં “બાવળીયા”ને બચાવવા રૂપાણીએ વીજ ચોરોના 650 કરોડ માફ કર્યા..!?