Home દેશ - NATIONAL બેન્ક ફ્રોડ : મોદી સરકારને બચાવવા ભાજપના મંત્રીઓના હવાતિયા….!?

બેન્ક ફ્રોડ : મોદી સરકારને બચાવવા ભાજપના મંત્રીઓના હવાતિયા….!?

801
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.17

પંજાબ નેશનલ બેન્કને 11 હજાર કરોડના ખાડામાં ઉતારનાર જ્વેલર ડિઝાઈનર નિરવ મોદીને પકડવા માટે ભારત સરકારની તમામ એજન્સીઓ સક્રિય બની છે ત્યારે આ કૌભાંડ અમારા કાર્યકાળમાં નહીં પરંતુ તમામા કાર્યકાળમાં થયું છે એ બાબતને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ અને એક પછી એક પૂરાવા પ્રજા સમક્ષ મીડિયા મારફતે રજૂ કરવામાં આવી રહ્યાં છે. એક તરફ કેન્દ્રના મંત્રી પ્રકાશ જાવડેકરે એમ કહ્યું કે નિરવ મોદીકાંડ એ બેન્ક ફ્રોડ છે કોઈ સરકારી કૌભાંડ નથી. જ્યારે એ જ સરકારના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન એમ કહે છે કે પીએનબીકાંડ યુપીએ શાસનમાં થયું હતું અને તે કોંગ્રેસનું પાપ છે. આમ એક જ મુદ્દા પર એક જ સરકારના બે જવાબદાર મંત્રીઓના અલગ અલગ નિવેદનોથી એનડીએ સરકારની બેવડી નીતિ અથવા બે મોઢાની વાત બહાર આવી રહી હોવાનું દિલ્હીના રાજકારણમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

પંજાબ નેશનલ બેન્કમાંથી લેટર ઓફ અન્ડરટેકિંગનો દુરઉપયોગ કરીને નિરવ મોદી અને ગીતાંજલિના પ્રમોટર અને નિરવના મામા મેહુલ ચોક્સીએ 11 હજાર કરોડ ઓળવી લઇને વિદેશ ભાગી ગયા છે. નિરવ અને મેહુલ બન્ને વિદેશમાં સુરક્ષિત લહેર કરતાં હશે પરંતુ ભારતમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને બન્ને પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરે છે.

કોંગ્રેસે દાવોસ ગ્રુપ ફોટો જાહેર કરીને નિરવ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હતા તે કહીને મોદી શાસનમાં આ કૌભાંડ થયું હોવાનો દાવો કરે છે. કોંગ્રેસના આ આક્ષેપથી ડઘાઈને પ્રથમ દિવસે કાયદામંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા. બીજા દિવસે એચઆરડીમંત્રી પ્રકાશ જાવડેકર એક નવી થીયરી સાથે મીડિયાને ભારપૂર્વક એ વાત ગળે ઉતારતા હતા કે નિરવ મોદી કાંડ માત્ર ને માત્ર એક બેન્ક સાથેની ઠગાઈ એટલે કે બેન્ક ફ્રોડ છે તેને સરકારી ફ્રોડ કે સરકારી કૌભાંડ કહી શકાય નહી. સરકારી કૌભાંડ કોને કહેવાય તેના દાખલા પણ તેમણે આપતા કહ્યું કે યુપીએ સરકારમાં કોલસાકાંડ, ટુજીકાંડ વગેરે થયા એને સરકારી કૌભાંડ કહેવાય. કોલસાકાંડમાં તો વડાપ્રધાન મનમોહનસિંઘના હસ્તાક્ષર પણ છે. એક તરફ તેઓ આ દલીલ કરી રહ્યાં છે તો બીજી તરફ તેમના જ સાથી મંત્રી નિર્મલા સીતારામને શિલોંગમાં જ્યારે પત્રકારો દ્વારા પીએનબી કાંડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે એમ કહ્યું કે એ તો કોંગ્રેસ સરકારનું પાપ છે અને કોંગ્રેસ સરકારમાં તેને લોન મળી હતી. સાચુ શું છે..? આ પ્રકારે બેવડી નીતિ કે બેવડી વાતો એક જ મુદ્દે કઈ રીતે ચાલી શકે એમ પણ રાજકીય સૂત્રો કહી રહ્યાં છે.

દિલ્હીના રાજકારણમાં ખાસ કરીને જાવડેકરની દલીલ અને તર્કનાં પગલે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે જો નિરવ મોદી કાંડ માત્રને માત્ર બેન્ક ફ્રોન્ડ હોઈ શકે તો તેમાં યુપીએ સરકાર કઈ રીતે જવાબદાર બની શકે? કેમ કે નિર્મલા સીતારામને તેને કોંગ્રેસ સરકારનું પાપ ગણાવ્યું છે. એક રીતે જોતા પ્રકાશ જાવડેકર પોતાની દલીલમાં પોતે જ ભેરવાઈ ગયા હોય તેમ રાજકીય સૂત્રોને લાગી રહ્યું છે. કેમ કે તેમનું કહેવું કે આ કોઈ સરકારી કૌભાંડ નથી એનો મતલબ કે તેઓ યુપીએ સરકારને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ક્લિનચીટ આપતા હોય તેમ પણ જણાઈ રહ્યું છે.

બે મંત્રીઓ દ્વારા અલગ અલગ વાત કરવી તે અંગે સૂત્રોનું એમ પણ માનવું છે કે નિરવ મોદીકાંડથી મીડિયા સમક્ષ પ્રજાને મોદી સરકારની તેમાં કોઈ સંડોવણી નથી અને યુપીએ સરકારનું જ આ કૌભાંડ છે એમ પુરવાર કરવામાં ભાજપની રણનીતિ ઉણી ઉતરી હોય એમ પણ ચર્ચાઈ રહ્યું છે. બે મંત્રીઓની અલગ અલગ વાતથી તેમની બેવડી નીતિ અને સરકારમાં સંકલનનો અભાવ પણ ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અલ્હાબાદ બેન્કના તાત્કાલિન ડિરેક્ટર દિનેશ દૂબેએ નિરવ મોદીકાંડમાં ઝંપલાવીને એમ જ દિવસમાં મોટાભાગની ટીવી ચેનલોમાં ફરી વળીને યુપીએ સરકાર દ્વારા આ કૌભાંડ રચાયું હોવાનો દાવો કરીને મોદી સરકારને બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે. જોકે એક ટીવી ચેનલમાં તેમણે એવો પણ દાવો કર્યો કે યુપીએથી શરૂ થયેલું આ કૌભાંડ એનડીએના શાસનમાં આગળ વધ્યું અને ફૂલ્યું ફાલ્યું છે તેથી મોદી સરકાર પણ જવાબદાર કહી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસ સંભાળતા જસ્ટીસ લોયાનું નિધન હાર્ટએટેકના કારણે નથી થયું?
Next articleસીબીઆઈએ ભાંડો ફોડ્યો, મોદી સરકારમાં જ થયું છે બેન્ક કૌભાંડ…!!