Home Uncategorized પ્રાકૃતિક ખેતીના કારણે ખેતરોમાં વર્ષોથી સારો પાક થવા સાથે ક્યારેય કોઈ પણ...

પ્રાકૃતિક ખેતીના કારણે ખેતરોમાં વર્ષોથી સારો પાક થવા સાથે ક્યારેય કોઈ પણ પાક નિષ્ફળ નથી થયો

2
0

જમીન ભલે મુઠ્ઠીભર જ ,છે પણ અન્યથી મુઠ્ઠી ઉંચેરા આદર્શનો માનવી, એટલે ગોલથરાંના ખેડૂત અમાજી બબાજી ઠાકોર

 (જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

‘જય જવાન’ સાથે ‘જય કિસાન’નો નારો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ નારાની સાર્થકતા સાથે, જુના ફિલ્મી ગીતમાં ગવાયું છે તેમ, “મેરે દેશ કી ધરતી, સોના ઉગલે – ઉગલે હીરે મોતી” માફક જમીનમાંથી સોનાથી વધુ કીંમતી એવા સ્વાસ્થ્યવર્ધક પાકને પરસેવો સિંચી, જગતના તાત કહેવતને સાર્થક કરતા ગોલથરાના ખેડૂત અમાજી બાબાજી ઠાકોર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામના રહેવાસી, અને 65 થી 70 વર્ષની ઉંમરના અમાજી ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે પ્રાકૃતિક ખેતી કરો છો? કે રાસાયણિક દવાઓ વાપરો છો? આ પ્રશ્નના જવાબમાં અમાજીને મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે સ્થાપિત કરતા તેમના આદર્શ સાંભળવા મળ્યા. તેમણે જણાવ્યું કે, “દવા તો અમે ઢોરોનો ચારાનું વાવેતર કરીએ તેમાંય નથી નાંખતા, તો પછી આ ધાન માણસને ખાવાનું છે, એમાં વળી દવા નાંખવાની હોય!” સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેઓ ચાર ચોપડી ભણેલા છે. તેમના વખતમાં તેમને સરકારી નોકરી માટે પણ બોલાવવામાં આવેલા પણ તેમનું મન ખેતીમાં એટલે તેમણે ના પાડી દીધી. આજે પણ તેમનો આખો પરિવાર ખેતી કામોમાં જોડાયેલો છે. આપણને નવાઈ લાગે પણ અમાજી પાસે આમ તો ઘણી જમીન છે, પણ તેઓ પોતે એકલા જે એકાદ વિઘામાં વાવણી કરે છે, ત્યાં આજે પણ રાસાયણિક દવા તો શું ટ્રેક્ટર જેવું આધુનિક સાધન પણ નથી વાપરતા, માત્ર અને માત્ર ત્રિકમ કોદાળી અને હળ વાપરે છે, ચાસ પાડવા!

તેમના જે ખેતરની મુલાકાત કરવામાં આવી ત્યાં તેમણે ગાજરની ખેતી કરી હતી. આ વિશે તેઓ જણાવે છે કે, ગાજરને આમ પણ કોઈ ખાતરની જરૂર હોતી નથી. આજે તેમના ગાજર માણસા બજારમાં સૌથી વધુ ભાવે વેચાય છે, તેનો સંપૂર્ણ શ્રેય તેઓ આ રાસાયણિક મુક્ત જમીને આપે છે. સાથે જ જમીન બતાવતા તેઓ એમ પણ ઉમેરી છે કે, આ જમીન વર્ષોથી માત્ર છાણીયું ખાતરથી સિંચેલી છે એટલે આટલી પોચી અને ફળદ્રુપ છે. આ વખતે તેમણે ગાજરમાં જરા પણ ખાતર નથી નાખ્યું છતાં જમીનમાં ભરપૂર પોષક તત્વો હોવાથી ગાજર મોટા લાલ અને મીઠા પાકે છે. તેમણે દૂરના ખેતરમાં ઈશારો કરતા એમ પણ જણાવ્યું કે, ત્યાં તેમના દીકરાએ ઘઉં કર્યા છે. તે પણ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા જ ખેતી કરે છે. ફર્ક એટલો છે કે, ત્યાં જમીન વધુ હોવાથી ચાસ પાડવા ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. પ્રાકૃતિક ખેતીના કારણે તેમના ખેતરોમાં વર્ષોથી સારો પાક થવા સાથે ક્યારેય કોઈ પાક નિષ્ફળ નહીં થયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ સાથે જ અમાજી  બાજુની બે ક્યારીઓમાં રોપેલા લીલા ઘાસચારાને બતાવતા જણાવે છે કે, ‘આ લીલો ઘાસચારો મારી ગાયો માટે છે. ગાયો અમારા ઘરની સદસ્ય છે, અને અમારા માટે મા સમાન છે. માટે તેના ચારામાં પણ વધુ દૂધ મેળવવાની લાલશાથી કોઈ દવા છંટકાવ થતી નથી. “હું એ માણસ છું તો માણસ માટે થોડું કંઈ ખોટું કરું! ગાય માતા અને ધરતી માતા ને આપણા પૂર્વજો વર્ષોથી પૂજનીય ગણતા આવ્યા છે, તમે એમને જેટલું પ્રેમથી સાચવશો તેટલું જ પ્રેમથી તે તમને સાચવે છે.”આવા વિચારોના કારણે જ કદાચ અમાજીની આ નીતિ અને ગાય તથા ધરતી માતા પ્રત્યેની લાગણી થકી તેઓ આજે સારો પાક મેળવી આર્થિક રીતે સધ્ધર થયા છે,

અમાજી ઠાકોરના ખેતરની મુલાકાત દરમિયાન ૧૨ થી ૧૫ વર્ષના કલ્પેશ સેંધાજી ઠાકોર નામનો છોકરો ગાય અને વાછરડાને ચારો નાખતો હતો. અનાયાસે તેને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે પ્રાકૃતિક કૃષિ વિશે જાણે છે? ત્યારે એણે જે જવાબ આપ્યો તે ખરેખર અદભુત હતો કે, “સારું ખવડાવી શકે તે જ ખેડૂત કહેવાય, એવું મારા બાપા કહે છે, હું દસમા ધોરણમાં ભણું છું અને ભણીને એક સારો ખેડૂત જ બનીશ!”ત્યારે તેને એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, ભણીને ડોક્ટર, એન્જિનિયર બનવાનું કેમ નથી વિચારતો… ત્યારે કલ્પેશે જણાવ્યું કે, જો બધા જ ડોક્ટર એન્જિનિયર બનશે તો ખેતી કોણ કરશે? સાથે તેણે એમ પણ ઉમેર્યું કે હું રાજ્યપાલ સાહેબના વક્તવ્ય ફોનમાં સાંભળું છું. એટલે મને પ્રાકૃતિક વિશે ખબર છે”

આપણો દેશ વર્ષોથી ખેતીપ્રધાન દેશ કહેવાય છે,અને એટલે જ આવા કલ્પેશ જેવા યુવાનો ભવિષ્યમાં પણ આ બિરુદને જાળવી રાખશે એવો વિશ્વાસ જાગ્યો છે. સાથે જ આ મુલાકાત દ્વારા ખરેખર એવું લાગી રહ્યું છે કે,પ્રાકૃતિક ખેતી તરફ દેશને પાછો વાળવાના સરકારના પ્રયત્નો સફળતા તરફ આગે કુચ કરી રહ્યા છે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field