(જી.એન.એસ) તા. ૨૮
ભારતીય પેરા-એથ્લેટ અને એશિયન પેરા ગેમ્સમાં ત્રણ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ યાદવનું તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા છે. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું, જ્યારે તેમના મૃત્યુના સંજોગો હજુ અસ્પષ્ટ છે.
ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આ સમાચારની પુષ્ટિ કરી અને ખેલાડીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેમને આ ઘટના વિશે જાણ થઈ છે, પરંતુ યાદવનો મૃતદેહ હજુ હોસ્પિટલમાં જ છે.
સાથેજ સત્યનારાયણે કહ્યું, “નીરજે આત્મહત્યા કરી છે. આવી ઘટના બની તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”
ડોપિંગના કારણે સસ્પેન્શન મળતા હતા માનસિક તણાવમાં
૪૨ વર્ષીય આ એથ્લેટ, જેઓ F55 કેટેગરીમાં સ્પર્ધા કરતા હતા, તેઓ ડોપિંગના કારણે સસ્પેન્ડ થવાને લીધે આ મહિનાની શરૂઆતમાં આઈચી-નાગોયા (જાપાન) ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા. આ ઘટના બાદ તેઓ માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે. જોકે, તેમના મૃત્યુના ચોક્કસ સંજોગો અને કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.
સત્યનારાયણે કહ્યું હતું કે, તેઓ આ દુર્ઘટનાના ચોક્કસ કારણો વિશે કોઈ અનુમાન લગાવી શકતા નથી. તેમણે ઉમેર્યું કે ખેલાડીઓએ સફળતા અને નિષ્ફળતા બંનેનો સામનો કરતા શીખવું જોઈએ. તેમણે યાદવના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.
ડોપિંગ વિવાદ
ઓક્ટોબર ૨૦૨૩માં, હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ માટે રવાના થવાના છ દિવસ પહેલા, નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) એ બેંગલુરુમાં નીરજ યાદવનો ‘આઉટ-ઓફ-કોમ્પિટિશન’ (સ્પર્ધા બહારનો) ટેસ્ટ કર્યો હતો. તેમના નમૂનામાં ‘સ્ટેનોઝોલોલ’ નામનું પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોઇડ મળી આવ્યું હોવાનું કહેવાય છે.
નીરજ યાદવે એન્ટી-ડોપિંગ કાર્યવાહી દરમિયાન આ પરિણામોને સખત રીતે પડકાર્યા હતા અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે નમૂનાના DNA પરીક્ષણની માંગ કરી હતી. ત્યારબાદ તેમને કામચલાઉ સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા હતા, જે યથાવત રહેતા તેઓ આઈચી-નાગોયા એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા.
ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણના જણાવ્યા અનુસાર, આ ગેમ્સમાં ભાગ ન લઈ શકવાને કારણે યાદવને મોટો માનસિક અને આર્થિક ફટકો પડ્યો હતો. આના કારણે તેઓ માત્ર મેડલ જીતવાની તક જ ગુમાવી બેઠા એવું નહીં, પરંતુ તેમને મળનારા સંભવિત સરકારી રોકડ પુરસ્કારો અને રમતગમતની સિદ્ધિઓ સાથે જોડાયેલી રોજગારીની તકો પણ ગુમાવવી પડી. યાદવ ભારતના સફળ પેરા-એથ્લીટ્સમાંનો એક હતો, જેણે એશિયન પેરા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે 2018 માં જકાર્તામાં ભાલા ફેંકનો ખિતાબ જીત્યો હતો અને પછી 2023 માં હાંગઝોઉમાં યોજાયેલી રમતોમાં ભાલા ફેંક અને ડિસ્કસ બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સાત વર્ષની ઉંમરે પોસ્ટ-પોલિયો રેસિડિયલ પેરાલિસિસનું નિદાન થતાં, યાદવે શરૂઆતમાં વ્હીલચેર ટેનિસ રમ્યો હતો અને પછી પેરા-એથ્લેટિક્સ તરફ વળ્યો હતો. ત્યારબાદ તેણે સીટેડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં પોતાના પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની જાતને સ્થાપિત કરી હતી.
નીરજ યાદવે F55 વર્ગીકરણમાં ભાગ લીધો હતો, જેમાં શોટ પુટ, ડિસ્કસ અને ભાલા ફેંક જેવી સીટેડ ફેંકવાની ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.

