Home ગુજરાત દારૂબંધીની નીતિ પર હાઇકોર્ટની ફટકાર, નીતિ સકારાત્મક નથી

દારૂબંધીની નીતિ પર હાઇકોર્ટની ફટકાર, નીતિ સકારાત્મક નથી

690
0

જી.એન.એસ, તા.૧૨ અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટનું માનવું છે કે રાજ્યમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો મળ્યાં નથી. એનું કારણ એ છે કે કાં તો નીતિ અસરકારક નથી અથવા કાયદાનો અમલ કરાવવામાં કંઈક ખોટું થયું છે.
ગુજરાત હાઈકોર્ટે આવું અનુમાન વ્યક્ત કરવા સાથે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર દમણનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો રદ કરે અને એને ગુજરાતમાં ભેળવી દે. તો જ દારૂબંધી કાયદાના અમલ અસરકારક બનશે.
ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ તાજેતરમાં આપેલા એક ચુકાદામાં એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો આવ્યા નથી. કાં તો આ નીતિ અસરકારક નથી અથવા તો કાયદાની અમલબજાવણીમાં કંઈક ખોટું થયું છે.
દમણના પરવાનાધારક દારૂના વેપારીઓએ નોંધાવેલી પીટિશન્સના સમૂહને નકારી કાઢતી વખતે કોર્ટે ઉપર મુજબ જણાવ્યું હતું. દમણના એ વેપારીઓની માગણી હતી કે ગુજરાત પોલીસે એમની સામે નોંધેલી એફઆઈઆર રદ કરવામાં આવે. ગુજરાત પોલીસે રાજ્યમાં બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેટલાક લોકોની દારૂ સાથે ધરપકડ કરી હતી અને પોલીસે કોર્ટમાં એમને સપ્લાયર્સ તરીકે ઓળખાવ્યા હતા.
ન્યાયમૂર્તિ પારડીવાલાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે હું એ હકીકતની ન્યાયિક નોંધ લઉં છું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો આવ્યા નથી. તમને દારૂ કોઈ જાહેર રસ્તા ઉપર કદાચ ભલે નહીં મળે, પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતની જુદી જુદી અદાલતોમાં એવા અનેક કેસો નોંધાયા છે, અને પેન્ડિંગ પણ છે, જેના પરથી સાબિત થાય છે કે રાજ્યમાં દારૂબંધી નીતિ અસરકારક રહી નથી અથવા તો એની અમલબજાવણીમાં કંઈક ખોટું થયું છે.
ન્યાયમૂર્તિ પારડીવાલાએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં 28 ફેબ્રુઆરી, 2017ના દિવસ સુધીમાં કુલ 3,99,221 કેસો પેન્ડિંગ હતા, એમાંના 55,645 કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવેલા છે. ગુજરાતમાં દારૂબંધી નીતિ સફળ થઈ નથી એનું કારણ એ છે કે ગુજરાતમાં એવા ઘણા એન્ટ્રી પોઈન્ટ્સ છે જે મારફત રાજ્યમાં દારૂ સહેલાઈથી લાવી શકાય છે.
દમણ એવું સ્થળ છે જ્યાં દારૂ પુષ્કળ પ્રમાણમાં અને મોટા જથ્થામાં ઉપલબ્ધ છે. ત્યાંથી દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવે છે, એવી નોંધ પણ ન્યાયમૂર્તિ પારડીવાલાએ લીધી છે.
કોર્ટે વધુમાં એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકારે દમણને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો રદ કરવો જોઈએ અને એને ગુજરાતમાં ભેળવી દેવું જોઈએ જેથી દારૂબંધી કાયદો ત્યાં પણ લાગુ થઈ શકે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. મોડું થઈ જાય એની પહેલાં નિર્ણય લઈ લેવો જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજયા બચ્ચન મહિલાઓની સુરક્ષા મામલે સરકાર પર સાંસદમાં આક્રમક બની
Next articleલખનઉઃ યોગીના જનતા દરબારમાં અફડાતફડી, લોકોનો અભૂતપૂર્વ ધસારો