(જી.એન.એસ) તા. 2
ગાંધીનગર,
મહાકુંભ જતાં ગુજરાતીઓને સરકારની વધુ એક મોટી ભેટ
ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫થી નવીન ૦૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ – મધ્ય પ્રદેશ બોર્ડર ખાતે કરવામાં આવશે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી ખાતે કરવામાં આવશે. રાજ્યના શ્રદ્ધાળુઓનો પ્રયાગરાજ મહાકુંભ માટેનો પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવ્યું છે. જ્યારે પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવે છે કે, આ નવીન સેવાઓનો લાભ લેવા શ્રદ્ધાળુઓ તા. ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એસ.ટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી સાંજે ૦૫ વાગ્યા પછી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, તા.૨૭મી જાન્યુઆરીથી ગુજરાત એસ.ટી નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૩ રાત્રિ – ૪ દિવસનું પેકેજ બનાવી અમદાવાદથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ સેવાને શરૂ થયાને ખુબ જ સારો પ્રતિસાદ મળતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.