Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઇચ્છતા સાહસિકોનું સ્વાગત...

ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઇચ્છતા સાહસિકોનું સ્વાગત કર્યુ છે : ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

30
0

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

ગુજરાતે હંમેશા મીઠા આવકાર સાથે ઉદ્યોગો અને વેપાર કરવા ઇચ્છતા સાહસિકોનું સ્વાગત કર્યુ છે જેના પરિણામે ગુજરાત આજે દેશમાં તમામ ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. ‘‘વિશ્વામિત્રના ભારતને જેમણે વિશ્વ-મિત્ર ભારત બનાવ્યું છે’’ તેવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજયના વિકાસની ગતિને બૂલેટ ટ્રેનની ઝડપ આપી છે. ‘‘વિકસિત ગુજરાતથી, વિકસિત ભારત’’ના નિર્ધાર સાથે દોડી રહેલી વિકાસની યાત્રા રાજયના સરળ, મજબૂત, મક્કમ, અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મકકમતાથી આગળ વધી રહી છે તેમ આજે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ,ખાણ અને ખનિજ વિભાગની અંદાજપત્રિય પરની માંગણીઓની ચર્ચા દરમિયાન ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

ઉદ્યોગ,ખાણ અને ખનિજ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, વડાપ્રધાન અને વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ   એક જ મેસેજ ‘વેલકમ ટુ ગુજરાત’થી બંગાળમાં ફસાયેલા ટાટાને આવકાર આપ્યો. જેનાથી આપણા ગુજરાત માટે નવો અવસર ઉભો થયો અને સામાન્ય માણસ માટે વિશ્વની સૌથી સસ્તી બનેલી ગાડી મળી. જે વિશ્વના ઓટોમોબાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રની વિરલ ઘટના છે.

દરેક તાલુકે એક જીઆઇડીસી સ્થપાય તે માટે ગુજરાત સરકાર આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે. હાલમાં ગુજરાતમાં ૨૩૯ જીઆઇડીસીઓમાં અંદાજે ૭૫,૦૦૦ થી વધુ એકમોમાં ૨૦ લાખથી વધુ યુવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યાં છે. આ જીઆઇડીસીઓમાં ૨૫૦ ચો.મી. થી માંડીને ઉદ્યોગની જરૂરિયાત અનુસારના પ્લોટની સાથે વૈશ્વિક કક્ષાનું આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એમ.એસ.એમ.ઇ. પાર્ક, મલ્ટીલેવલ શેડ, મહિલા પાર્ક જેવા નવા આયામો વિકસાવીને ઉદ્યોગ ક્ષેત્રે હકારાત્મક પરિણામો લાવ્યાં છીએ.

આ વર્ષે એમ.એસ.એમ.ઇ. અને સ્ટાર્ટ-અપ એકમોની વિવિધ યોજનાઓ માટે બજેટમાં ૩૬૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. જેનાથી એમ.એસ.એમ.ઇ. તંત્રને વધુ મજબૂત કરી શકાશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.  

મંત્રીશ્રીએ કહ્યું હતું કે અગાઉ કોઇ ઉદ્યોગો રોકાણ માટે આવે તો તેમને જમીન, રોડ-રસ્તા, વીજળી, પાણી, લોન અને સબસિડી સહિતની સુવિધાઓ માટે ખૂબ ચીકાશ કરીને પરેશાન કરવામાં આવતા હતા અને તેમને આડકતરો સંદેશ આપવામાં આવતો કે તમને સવલત આપીએ પણ આમાં મારું શું?  જો મારું કાંઇ ન હોય તો પછી મારે શું?  એટલે કે ‘‘મારે શું અને મારું શું ?’’ એ બે વાક્યોમાં વિકાસ રૂંધાઇ જતો અને મારા પ્રતિપક્ષના મિત્રોના રાજમાં ગુજરાત અટકી ગયું હતું. ગુજરાતના શક્તિ, સામર્થ્ય અને સંસાધનોને ઓળખીને લોકકલ્યાણના કામ માટે ઉચિત દિશામાં ઉપયોગ કરવાનું સ્વપ્નું કોઇએ જોયું હોય તો તે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયું છે.

મંત્રીશ્રી રાજપૂતે ૨૦ વર્ષ અગાઉના ગુજરાતની વિકાસની એક ઝલક આપતા કહ્યું હતું કે,  ગુજરાતનું બજેટ માત્ર ૩૬ હજાર કરોડ હતું, જે આજે ૩ લાખ ૭૦ હજાર કરોડથી વધુ થયુ છે. જી.ડી.પી.માં ફાળો માત્ર ૬.૪ % હતો તે આજે ૮.૩ ટકા સુધી પંહોચી ચૂકયો છે. જી.એસ.ડી.પી. માત્ર ૧.૨૩ લાખ કરોડ હતો તે આજે રર લાખ કરોડથી પણ વધારે થઇ ચૂકયો છે. સતત ચાલતી આ વિકાસ યાત્રામાં છેલ્લા ર૦ વર્ષોના વિકાસના પરિણામે ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક જે ર૦ વર્ષ પહેલા રૂા.૧૮,૩૯ર હતી તેમાં આશરે લગભગ ૧૫ ગણો વધારો થયો છે અને આજે એ ૧૮ હજારથી વધીને રૂા.ર,૭૩,૫૫૮ સુધી પહોચી છે. 

જ્યારે ગુજરાતમાં ઉત્પાદન માત્ર ૪૪ હજાર ૮૮૬ કરોડ હતું, તેમાં આજે ખૂબ મોટો એટલે કે આશરે ૧૫ ગણો વધારો થયો છે અને તે વધીને  ૬.૭ લાખ કરોડ સુધી પંહોચી ચૂકયું છે. સર્વિસ સેક્ટરનું ઉત્પાદન માત્ર ૫૩ હજાર ૪૪૪ કરોડ હતું તે પણ આજે આશરે ૧૩ ગણુ વધીને ૬ લાખ અને ૭૦ હજાર કરોડ સુધી પંહોચ્યું છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરીંગ આઉટપુટ અંદાજે ૧.૪૮ લાખ કરોડ હતું તેમાં પણ લગભગ ૧૪ થી ૧૫ ગણો વધારો થઇને આજે ર૧.૪૮ લાખ કરોડ સુધી આપણે પહોચી ચૂકયા છીએ. જ્યારે મૂડીરોકાણ ૧.૧૧ લાખ કરોડ હતું તે પણ આજે લગભગ નવ ગણું વધીને ૯.૯૭ લાખ કરોડ થઇ ચૂકયુ છે. નાના ઉદ્યોગો ૧ લાખ ૩૮ હજાર હતા તે પણ આાજે લગભગ ૧૪ ગણા વધીને ૧૯ લાખથી વધુ થયા છે. મોટા ઉદ્યોગો ૫૨૬૪ જેટલા હતાં તે આજે વધીને લગભગ ૧૪૪૦૦  સુધી પહોંચ્યા છે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતુ. 

 તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં રહેલી ક્ષમતાઓને ઓળખી વાઇબ્રન્ટ ગુજરાત મારફતે ઉદ્યોગો અને સર્વાંગી વિકાસની એક નવી યાત્રા વર્ષ ૨૦૦૩ થી શરૂ કરી હતી. એક નાના હોલથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની સફર ૨૦૨૪ સુધી ૧૦ પડાવો પાર કરી ચુકી છે. તેના પરિણામે આજે ગુજરાતની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સંસ્થાકીય, ઔદ્યોગિક એમ તમામ પ્રકારની પરિસ્થિતિ મહત્વપૂર્ણ અને હકારાત્મક પરિવર્તનો થયાં છે. ઉદ્યોગોના વિકાસ માટે ઉપલબ્ધ લેન્ડ બેન્ક, નીતિઓનું સરળીકરણ, ર૦ થી વધુ સેકટર સ્પેસિફિક પોલિસી, સીંગલ વીન્ડો સીસ્ટમ અને ઓનલાઇન સુવિધાઓથી ગુજરાતના ઉદ્યોગોને વિકસવાની ગતિ વધુ તેજ બની છે. જેના પરિણામે ગુજરાત આજે ઉત્પાદનમાં ૧૮ ટકા, નિકાસમાં ૪૧ ટકા સાથે દેશમાં વિકાસનું રોલ મોડલ અને ઉત્પાદનનું હબ બન્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે નક્કર પગલા ભર્યા છે. એમ.એસ.એમ.ઇ.માટે ત્રણ વર્ષ સુધી અમુક મંજૂરીઓ મેળવવામાંથી મૂક્તિ,  ૧૮ વિભાગોની ર૦૦ થી વધુ અરજીઓ ઓનલાઇન અને પાંચ નવી રીજીયોનલ કાઉન્સિલ દ્વારા આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવામાં આવી છે. રાજ્યમાં ૧૯ લાખથી વધુ એમ.એસ.એમ.ઇ. ઉત્પાદન અને રોજગારી ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવે છે. તેમાં ૪૦ % એકમો ઉત્પાદનના અને ૬૦ % એકમો સર્વિસ સેક્ટર ક્ષેત્રે કામ કરી રહ્યાં છે.  રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયની વાત કરીએ તો કેપિટલ સહાય, વ્યાજ સહાય, નેટ એસ.જી.એસ.ટી. સહાય, ઇ.પી.એફ. સહાય, ઝેડ પ્રમાણપત્ર સહાય, ગુણવત્તા પ્રમાણપત્ર સહાય, નવી ટેકનોલોજી, પેટર્ન, વિજળી, પાણી કનેક્શન અને ઓડિટના ખર્ચ સુધીની સહાય પાત્રતા ધરાવતા એકમોને અપાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મોટા ઉદ્યોગોની સાથે કુટીર ઉદ્યોગ અને હાથશાળ-હસ્તકલાને વિકસાવવા માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તેમ જણાવી રાજ્યની નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ૧ર લાખથી વધુ રોજગારીનું સર્જન કરવામાં આવશે.

આ ઉપરાંત, નાના ઉદ્યોગ સાહસિકોને તાલીમ, પાંચ વર્ષમાં તબકકાવાર ૧૫૦૦ કરોડથી વધુની ચીજવસ્તુઓનું વેચાણ, જી.આઇ. ટેગ માટે વધુ ર૦ પ્રોડકટનો સમાવેશ, ઇ-કોમર્સ ઉપર ૫૦૦૦ થી વધુ કારીગરોને સામેલ કરવા, કારીગરોને ધિરાણ ૫૦,૦૦૦ સુધી વધારવા અને કારીગરો માટે તાલીમ, રોજગારી, ધિરાણ, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી અપગ્રેડ અને માર્કેટિંગ જેવી અનેક વ્યવસ્થાઓ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજયમાં સ્વ-રોજગારીની તકો વધારવા અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે નાના ઉદ્યોગ અને વ્યવસાયોને પ્રોત્સાહન મળી રહે તે માટે વાજપાઇ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ વધારીને ર૫ લાખ કરવામાં આવશે, જ્યારે સબસિડીની રકમ રૂ. ૧,રપ,૦૦૦થી વધારીને રૂ. ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે.

આ જ પ્રકારે, હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે કાર્યકારી મૂડી ધિરાણ સ્વરૂપે આપવા મહત્તમ ધિરાણ ૧ લાખથી વધારીને ૩ લાખ કરવામાં આવશે. તદુપરાંત, કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્વારા પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રોજગારીની તકો પૂરી પાડી આવનારા પાંચ વર્ષમાં ૧,ર૫,૦૦૦ થી વધુ લોકોને લાભ આપવાનો લક્ષ્યાંક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાંકળીને ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ લોકો રોજગારી મેળવે તે માટે પણ રાજ્ય સરકાર કાર્યરત્ છે. જે અંતર્ગત, વર્ષ ૨૦૨૩-૨૪માં ખાદીનું કુલ ઉત્પાદન રૂ.૨૬,૦૨૬ લાખ અને વેચાણ રૂ.૪૪,૬૦૯ લાખનું થયું છે. પ્રતિ વર્ષ ૧૮,૦૦૦થી વધુ લોકો ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવી રહ્યા છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા ચાલું નાણાકીય વર્ષમાં ૬૫ મેળાઓમાં ૬૨૦૦થી વધારે કારીગરોને પોતાના દ્વારા ઉત્પાદીત થતી ચીજવસ્તુઓના વેચાણ માટે સુવિધા કરવામાં આવી હતી.

મંત્રીશ્રી રાજપૂતે કહ્યું કે હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે કામ કરતા કારીગરોના વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ પગલાં ભર્યા છે. આ વર્ષે બજેટમાં રૂ.૮૯૦ કરોડની જોગવાઇ કુટિર અને ગ્રામોદ્યોગ માટે કરવામાં આવી છે.

રાજ્ય સરકારની આવી હકારાત્મક નીતિઓ અને કામ કરવાની પ્રણાલીને કારણે વિદેશી મૂડીરોકાણ અને રોકાણકર્તાઓનો વિશ્વાસ ગુજરાત ઉપર વધ્યો હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે વિશ્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓનાં એકમો ગુજરાતમાં કાર્યરત છે. જ્યારે વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં આવનારા સીધા વિદેશી મૂડીરોકાણમાં ૫૩૩ ટકાનો વધારો થયો છે અને ચાલું નાણાકીય વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

નીતિ આયોગના દિશાનિર્દેશ મુજબ સુરત ઇકોનોમિક રિજનની તર્જ પર અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર તથા કચ્છ માટે પણ આવા કુલ ૬ ગ્રોથ હબ રિજનલ ઈકોનોમિક પ્લાન બનાવવાનું આયોજન છે તેમજ ભવિષ્યમાં બાકીના તમામ જિલ્લાઓનો પણ સમાવેશ કરવાનું વિચારણા હેઠળ છે તેમ તેમણે જણાવ્યું હતું.

મલ્ટિનેશનલ કંપનીઓની સાથે સ્થાનિક ઉદ્યોગો પણ વિકસે તે માટે રાજ્ય સરકારે આ વર્ષે ‘વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ હેઠળ ૩ર જિલ્લામાં કાર્યક્રમ કર્યા હતા. જેમાં ૪૫,૦૦૦ કરોડથી વધારે મૂડીરોકાણ માટે ર૬૦૦થી વધારે એમ.ઓ.યુ. થયાં છે. આનાથી દોઢ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

આ વર્ષે જાહેર કરેલી ટેક્ષટાઇલ પોલિસી અંગે જણાવતાં ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું કે કેપિટલ સહાયની સાથે પી.એમ.મિત્ર પાર્કમાં સ્થપાનાર એકમોને મહત્તમ સહાય, ગ્રામ્ય કક્ષાએ મહિલા રોજગારી માટે અને સ્વ-સહાય જૂથને પ્રત્યેક મહિલા સભ્ય દીઠ ૫૦૦૦ રૂપિયા આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ યોજના હેઠળ જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી, ૧૦,૦૦૦ જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત, આગામી સમયમાં ત્રણ નવા ડીપ-સી પ્રોજેકટ, વિવિધ રો-વોટર પાઇપલાઇન પ્રોજેકટ, ધોલેરા સર ખાતેના વિવિધ આયોજનો, લોજિસ્ટિક સુવિધાઓ દ્વારા ઉદ્યોગોના વિકાસને વેગ આપવા અને તેના થકી રોજગારીમાં વૃદ્ધિ કરવા રાજ્ય સરકાર તત્પર છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઉદ્યોગમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગની સાથે સાથે ઇઝ ઓફ લિવિંગ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ ભારત વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બની છે અને સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રે અનેક યોજનાઓ દ્વારા ઐતિહાસિક પરિવર્તનો થઇ રહ્યાં છે. આ જ રીતે, ગુજરાત પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યાત્રામાં જોડાયું છે. ત્યારે આઝાદીનાં ૧૦૦ વર્ષની ઉજવણીની સાથે વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યમાં પોતાનો ફાળો નોંધાવવા ગુજરાતે પણ આગામી ૨૫ વર્ષના રોડ મેપ સાથે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા હેઠળ જાહેર હરાજીથી છેલ્લા બે વર્ષમાં મુખ્ય ખનિજના ૩૮ બ્લોકસની ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરી ૧૩ બ્લોકસની સફળતાપૂવર્ક હરાજી કરાયેલ છે. બે બ્લોકમાં ખનિજ ઉત્પાદન કામગીરી શરુ થઇ છે. લાઇમસ્ટોન ખનિજના ૧૪ બ્લોકસ સફળતાપૂર્વક હરાજી કરી ત્રણ બ્લોકમાં કરારખત થયેલ છે. જેના થકી રાજયના સીમેન્ટ ઉદ્યોગને વેગ મળશે.  હાલમાં રાજયમાં કુલ ૧૪ મોબાઇલ આઉટપોસ્ટ કાર્યરત છે. જેમાં ખનિજ પરિવહન કરતા વાહનોની ચકાસણી કરી ગેરકાયદે ખનિજ વહન કરનાર સામે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

આજે ઉદ્યોગ,ખાણ અને ખનિજ વિભાગની કુલ રૂા. ૮,૫૨૨ કરોડથી વધુની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field