Home ગુજરાત ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ...

ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા

23
0

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડનું આયોજન
રાજ્યની ટુરીઝમ અને સિનેમેટિક કોમ્યુનીટીને નવું બળ આપશે: મુખ્યમંત્રી
ટુરીઝમ પ્રમોશન-ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ-ટ્રાન્‍સપોર્ટ જેવા સેક્ટરોમાં રોજગાર સર્જન થશે
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની “એક ભારત-શ્રેષ્ઠ ભારત” સંકલ્પના ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી સુપેરે ચરિતાર્થ કરે છે
ગુજરાત રાજ્ય ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે
ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા ૬૯મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે.
આ ૬૯મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૨૨માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-૨૦૨૪ નુ આયોજન વધુ એક સિમાચિન્હ બનશે.

(જી.એન.એસ),તા.૧૯
ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યા છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, રાજ્ય સરકાર ના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પ્રવાસન સચિવ હારિત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર ડૉ. સૌરભ પારધિ તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વીનિત જૈન, વર્લ્ડવાઇડ મીડિયા પ્રા.લિ. ના સીઇઓ દીપક લાંબા અને લોકપ્રિય હિંદી ફિલ્મ એક્ટર ટાઇગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા.
આ એમ ઓ યુ પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમ ના એમ.ડી સૌરભ પારઘી અને વર્લ્ડ વાઈડ મીડિયા વતી સી.ઈ.ઓ દિપક લાંબા એ હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક છે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજ્યમાં થવાથી મોટી સંખ્યામાં હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો ગુજરાત આવશે. મુલાકાતીઓનો આ પ્રવાહ રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપશે, અને લોકલ ઈકોનોમી ને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્‍ટ જનરેશન પણ થઈ શકશે.

ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્‍ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં સ્પષ્ટ મત દર્શાવ્યો કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી સુપેરે ચરિતાર્થ કરે છે.
રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ્સના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરી શકાશે. તેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મી લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે.
આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને વર્લ્ડવાઈડ મીડિયા વચ્ચેની ભાગીદારીથી ફિલ્મ જગતને નવી તાકાત મળશે. ફિલ્મફેર એવોર્ડનું ગુજરાતમાં આયોજન કરવા પાછળનો હેતુ માત્ર ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો જ નહીં, પરંતુ ગુજરાતની ફિલ્મ ઇકો સિસ્ટમને પણ મજબૂત કરવાનો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ફિલ્મ એવોર્ડના આયોજનથી વિશ્વભરના પ્રોડક્શન હાઉસ ગુજરાત પ્રત્યે આકર્ષિત થશે તેમજ ગુજરાતમાં કલા, સંસ્કૃતિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે, જેથી ગુજરાતનો સર્વગ્રાહી વિકાસ થશે. એટલું જ નહિ, વર્ષ – 2024ની શરૂઆતમાં વર્લ્ડવાઈડ મીડિયા ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે તેમ ઉમેર્યું હતું.

લોકપ્રિય હિન્દી ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફે ગુજરાતમાં ફિલ્મ ફેરના આયોજન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લા મૂકેલા દ્વાર બદલ તેમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મારા દાદા ગુજરાતી હતા અને પિતાને પરિંદા ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયેલો છે એટલે જ ફિલ્મ ફેર એવોર્ડ અને ગુજરાત બંને સાથે ખૂબ જૂનો સંબંધ છે. ગુજરાતમાં ફિલ્મ ફેરના આયોજનને પરિણામે ગુજરાતના પ્રવાસન ઉપરાંત ફિલ્મ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે.
રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુકલાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ૬૯માં ફિલ્મ ફેર એવોર્ડની ગુજરાતને યજમાની મળી એ ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યુ કે, ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝના માધ્યમ થકી ગુજરાતના પ્રવાસનના વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં નવી દિશા મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પ્રવાસન ક્ષેત્રે પણ પ્રવાસન સ્થળો અને તહેવારોની ઉજવણી થકી ભારતમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરી છે. જેના પરિણામે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે પણ ગુજરાતે સીનેમેટીક પોલીસી જાહેર કરીને આ ક્ષેત્રના વિકાસ માટેના નવા દ્વાર ખોલી દીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નોકરીની અસંખ્ય તકોનું સર્જન કરે છે. ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ નુ આયોજન થતાં ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.
આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગુજરાત કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળો ધરાવે છે, અને ફિલ્મફેર એવોર્ડ્સ આ સ્થળોને હાઇલાઇટ કરશે, જે દેશ-વિદેશનાં પ્રવાસીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોસ્તાહિત કરશે.
ફિલ્મફેર એવોર્ડ્સ જેવી પ્રતિષ્ઠિત ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી સુવિધાઓનો વિકાસ કરવામાં રોકાણ કરશે.
આ વિકાસકાર્યો માત્ર એવોર્ડ સેરેમની માટે જ નહિ, પરંતુ ગુજરાતના પ્રવાસન માળખામાં વૃદ્ધિ કરવામાં પણ ફાયદાકારક બનશે અને લાંબા ગાળે ગુજરાતને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે.
ગુજરાતમાં ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો માટે રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રદર્શિત કરશે, જે ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને ફિલ્માંકન સ્થળ તરીકે પસંદ કરવા માટે પ્રોત્સાહન આપશે.
તેનાથી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ ગુજરાત પ્રત્યે આકર્ષિત થશે અને રાજ્યની ફિલ્મિંગ પ્રવૃત્તિઓને વેગ મળશે અને સિનેમેટિક ટુરિઝમમાં ફાળો આપશે.
ગુજરાત સાથે આ ફિલ્મફેર એવોર્ડનું જોડાણ સિનેમેટિક ટુરિઝમ માટે એક શક્તિશાળી પ્રમોશનલ ટુલ એટલે કે સાધન તરીકે કામ કરશે. આ એવોર્ડ સેરેમની અને તેનું મીડિયા કવરેજ ગુજરાતની ફિલ્મ-ફ્રેંડલી નીતિઓ, ફિલ્મ નિર્માતાઓ માટે પ્રોત્સાહનો અને રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવેલા અનન્ય અનુભવોને હાઇલાઇટ કરશે.
આ ફિલ્મફેર એવોર્ડ્સના માધ્યમથી ગુજરાત તેની સિનેમેટિક પ્રવાસન ક્ષમતાને અસરકારક રીતે પ્રદર્શિત કરી શકે છે, ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કરી શકે છે અને પોતાને ઇચ્છનીય ફિલ્માંકન સ્થળ તરીકે સ્થાપિત કરી શકે છે. ફિલ્મ નિર્માણ અને પ્રવાસન-સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારો રાજ્યની સિનેમેટિક ટુરિઝમ પોલિસીના સમગ્રતયા વિકાસમાં ફાળો આપશે.
આ MoU કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા મંત્રી મંડળના સભ્યશ્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર ડૉ. સૌરભ પારધી સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ વર્લ્ડવાઇડ મીડિયા પ્રા.લિ.ના સીઇઓ શ્રી દીપક લાંબા ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleલોકોને લોનના નામે છેતરતી નકલી એપ થઇ જશે બંધ, RBI આ નવો નિયમ લાવશે