Home ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં: કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે: રાજયપાલશ્રી...

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં: કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

34
0

(G.N.S) Dt. 17

ડભોઈ

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈના બાણજમાં યોજાયો ગૌ કૃષિ સંગમ

ગૌ કૃષિ સંગમ : દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રયાણ

પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલશ્રી દેવવ્રતજીનું આહ્વાન

ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી પ્રગતિશીલ ખેડૂતોને પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા આહ્વાન કર્યુ હતું.

વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે,ત્યારે તેમાંથી મુક્ત થવા ખેડૂતો પંચગવ્ય અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આયોજીત ‘ગૌ કૃષિ સંગમ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

રાસાયણિક ખેતીની વિપરીત અસરો, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગનો વિષપ્રભાવ અને તેનાથી આવનારા દુષ્પરિણામો ગણાવતા રાજ્યપાલશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો સૌથી મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો. રાસાયણિક કૃષિને પ્રકૃતિ સાથે માનવજાતિ માટે કષ્ટદાયક ગણાવી તેમણે ખેડૂતો માટે નુક્સાનકારક અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી હતી.
તેમણે ઉમેર્યું કે ખેતીમાં યુરિયા, ડી.એ.પી, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા તો ક્ષીણ થાય છે, સાથે જ સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવા અસાધ્ય રોગો ફેલાતા હોવાનું ગંભીરતાથી જણાવી આ વિષચક્રમાંથી ખેતી અને ખેડૂતોને બચાવવાનો મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમપણે કહ્યું હતું.

કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું, સહિતના અનેક પાસાઓ પર તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને ખેતી સાથે જ સમગ્ર માનવજાતિના સર્વાંગી વિકાસ અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ અને જરૂરી ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાય અને પ્રાકૃતિક કૃષિને એકબીજાના પૂરક ગણાવી તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન, સંવર્ધન થાય છે, તેમ ઉમેર્યું હતું. તેમજ સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો મળવાથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા થાય છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા ભરી રહી છે, તેમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું.

કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીએ ગૌપૂજા કરી હતી. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓ, પંચગવ્ય ઉત્પાદિત વસ્તુઓ તેમજ કૃષિ ઓજારોના વેચાણ સ્ટોલની તેમણે મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ, ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસે, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ગામના સરપંચ-ઉપસરપંચ, સ્થાનિક અગ્રણીઓ, સંતગણ, પ્રગતિશીલ ખેડૂતો, બાણજના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના બાયપાસ તરીકે ઉપયોગમાં લેવાતા પાલજ-બાસણ-શાહપૂર રોડના મજબૂતીકરણ માટે ર૪.૪૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા
Next article“ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩”