સમગ્ર ગુજરાત હર ઘર તિરંગા અભિયાન ના રંગે રંગાયુ
(જી.એન.એસ) તા. 11
ગાંધીનગર,
હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આ અભિયાન દેશના તમામ નાગરિકો માટે દેશ પ્રત્યેનો અનહદ પ્રેમ બતાવવા માટેનું અભિયાન બની ગયું છે. રાજ્યમાં અનેક સ્થળે વ્યક્તિગત અને સંસ્થાઓ તેમજ સરકારનાં વિવિધ વિભાગોના સહયોગથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. ૯ ઓગસ્ટ થી સમગ્ર દેશમાં શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તા.૧૧ ઓગસ્ટના રોજ રાજ્યના વિવિધ જિલ્લામાં થયેલા કાર્યક્રમોની જાણકારી મેળવીએ તો, હર ઘર તિરંગા અભિયાનને કૃષિ સાથે સાંકળી ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે હર ઘર તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના ખેડૂત ભાઈ-બહેનો, સ્થાનિક આગેવાનોએ ભાગ લીધો હતો. યાત્રા દરમ્યાન સમગ્ર વાતાવરણ “જય જવાન – જય કિસાન” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ. ઉપરાંત કોડીનાર અને વેરાવળ મુકામે NRLM અને SHG ગૃપદ્વારા યોજાયેલા મહેંદી હરીફાઈનાં કાર્યક્રમમાં ૨૨૫ થી વધુ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જામનગરના જામજોધપુર ખાતે પણ તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેમાં રાજ્યના માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય રાજ્યકીય આગેવાનો અને જિલ્લા વહિવટી તંત્રના ઉચ્ચઅધિકારીશ્રીઓ સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો સહિત ૨૨૦૦ થી વધુ લોકો જોડાયા હતા. તો સુરત ખાતે બાલાજી ગર્લ્સ હાઇસ્કુલ, ભાગળમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ૪૧૫ જેટલા વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. જ્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ વિભાગ દ્વારા નિકાળવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. જેમાં એકલવ્ય મોડલ સ્કૂલ, ઉકાઈના વિદ્યાર્થિઓ પણ જોડાયા હતા અને બેન્ડ દ્વારા દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવી હતી. તો કચ્છ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નિકાળવામાં આવેલી તિરંગા યાત્રામાં માન. સાંસદશ્રી, વિનોદભાઈ ચાવડા તેમજ અન્ય સ્થાનિક આગેવાનો સહિત ૩૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા. ત્રીવેણી મેદાન, દાહોદ ખાતે શિક્ષણ અને પંચાયત વિભાગ દ્વારા બાળકોને તિરંગા અંગેની જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના ૫૦ થી વધુ વિદ્યાર્થિઓ, આચાર્યશ્રી, શિક્ષકો અને તજજ્ઞશ્રી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૨૬૮ જેટલા વિવિધ ગામોમાં ખેડૂત, વેપારી, મજૂર વર્ગ તેમજ સ્થાનિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જિલ્લામાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉપરાંત વિવિધ જાહેર સ્થળ પર સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ અભિયાનની યાદગીરી સમાન પોતાની અને સમુહમાં મિત્રો અને પરિચિતો સાથે સેલ્ફી ક્લીક કરવામાં આવી હતી. પાટણ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેમાં ચાણસ્મા, સિધ્ધપુર તેમજ શંખેશ્વર અને પાટણની સ્થાનિક શાળાના વિદ્યાર્થિઓ, આચાર્ય તથા શિક્ષકો જોડાયા હતા. ઉપરાંત આજ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગીત સંગીત અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. નર્મદા જિલ્લામાં પણ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા રેલી નિકાળવામાં આવી હતી. જ્યારે ગરુડેશ્વરના કુંભીયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓ દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી હતી જે ગામમાં ફરી હતી. અમરેલી જિલ્લામાં ચલાલા નગરપાલિકા દ્વારા તમામ શાળાઓ માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્થાનિક ધારાસભ્ય, અન્ય રાજકીય આગેવાનો વિદ્યાર્થિઓ, શિક્ષકો તેમજ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને આમ નાગરિકો જોડાયા હતા. જ્યારે છોટાઉદેપુર ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આમ જનતાને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે-સાથે એસ.ટી. નિગમ દ્વ્રારા પણ બસ સ્ટેન્ડ ખાતે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
વલસાડના કલ્યાણભાગ, અને વાપી, ગુંજન ખાતે પોલીસના જવાનો દ્વારા દેશ ભક્તિના ગીતો પર આધારિત ધૂન રજૂ કરવામાં આવી હતી જેમાં ૩૫૦ થી પણ વધુ જવાનો જોડાયા હતા.જ્યારે ભાવનગરના નાવગામ અને દુદાધાર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં સ્થાનિક આગેવાન અને ગામ લોકો માટી સંખ્યામાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામના રસ્તા, શાળા તેમજ અન્ય સરકારી માકાનોના પ્રાંગણમાં રહેલી ગંદકી દુર કરવામાં આવી હતી જ્યારે ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને “તિરંગા યાત્રા” યોજાઈ હતી.હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રા, સરકારી માધ્યમિક શાળાથી સુબીરના બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગાનાં ધ્વજ સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી.
ભરૂચ ખાતે પણ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલી ભરૂચના સ્થાનિક માર્ગો પર ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાંધીનગર ખાતે પણ માહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી બહેનો દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત એસ.ટી.નિગમ દ્વારા તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.
આમ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી કામગીરી હાથ ધરી નાગરિકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારસુધી ૧૬,૪૭,૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.