Home ગુજરાત ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ

ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ

13
0
  • સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા
  • સ્ટાર્ટઅપ-ડે ૧૬ જાન્યુઆરીએ જાહેર થયેલા નેશનલ રેન્કિંગમાં ગુજરાતની ગૌરવ સિદ્ધિનું સન્માન
  • કેન્દ્રીય ઉદ્યોગ-વાણિજ્ય મંત્રીશ્રીના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ એનાયત

(જી.એન.એસ),તા.૧૬

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ૧૬ જાન્યુઆરી ૨૦૧૬ના શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. નેશનલ સ્ટાર્ટઅપ-ડે ના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ-૨૦૨૨ના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલ શરૂ કરાવેલી છે. આના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્વમાં ૧ લાખ ૧૭ હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને ૧૧૧ યુનિકોર્ન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. દેશના રાજ્યોમાં પણ ઇનોવેશન્સ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રેરિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા વર્ષ ૨૦૧૮થી રાજ્યો માટે સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે.

આ ફ્રેમવર્ક અન્વયે તાજેતરમાં ૨૦૨૨ના વર્ષના રેન્કિંગ માટે DPIIT અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ૩૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું ૨૫ એક્શન પોઇન્‍ટ્સ આધારીત ૭ નિર્ણાયક સુધારાઓના ક્ષેત્રોમાં મૂલ્યાંકન-એસેસમેન્ટ કર્યું હતું.

આ મૂલ્યાંકનના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતે સતત ચોથી વાર બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો એવોર્ડ મેળવ્યો છે. નવી દિલ્હીમાં આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરીષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા ગુજરાતે પહેલરૂપ એવી સ્ટાર્ટઅપ પોલિસી ૨૦૧૫ લોન્ચ કરેલી છે.

રાજ્યમાં ૯૨૦૦ થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂ. ૧ હજાર કરોડના ભંડોળ સાથે ‘ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોર્સ વેન્ચર ફંડ’ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત સસ્ટેઇનન્‍સ એલાઉન્‍સ, ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર આસિસ્ટન્‍સ, મોનિટરીંગ આસિસ્ટન્‍સ અને માર્કેટીંગ એલાઉન્‍સ જેવી સુવિધા સહાય પણ આપવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપને વધુ વ્યાપક અને વેગવાન બનાવવા રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024ની પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટરૂપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ તથા વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેમિનારનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં શાળાકીય શિક્ષણ સ્તરેથી જ વિદ્યાર્થી યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા ક્ષમતા વિકસાવવા શિક્ષણ વિભાગે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0’ લોન્ચ કરેલી છે. તેનાથી પણ સ્ટાર્ટઅપ માટે નવું વાતાવરણ ઊભું થયું છે. આ ઉપરાંત સાયન્સ એન્ડ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જેવા વિભાગો દ્વારા પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના સફળતાપૂર્વકના અમલીકરણ માટે ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ એનાયત થયેલો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘આઇ ક્રિએટ’ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને ઇન્કયુબેશન સપોર્ટ આપીને પણ રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા પ્રતિબદ્ધ છે. આ બધાની ફલશ્રુતિએ ગુજરાત સ્ટાર્ટઅપ રેન્‍કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઇ
Next articleકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિષય નિષ્ણાંતની ૪ જગ્યા માટે કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરાશે