Home ગુજરાત ગુજરાતની અસ્મિતા અને દેશની લોકશાહી બચાવવા મીડિયા માટે મુક્ત વાતાવરણ સર્જો

ગુજરાતની અસ્મિતા અને દેશની લોકશાહી બચાવવા મીડિયા માટે મુક્ત વાતાવરણ સર્જો

1602
0

આજના સત્તાધીશો નસીબદાર છો કે, અમારા પત્રકારોમાં આટલી ગંભીર બાબતે પણ કોઈ એકતા નથી.

પ્રિય વિજયભાઈ,
આમ તો તમારામાં આગળ ‘પરમ આદરણીય’ અને પાછળ ‘પ્રેરક ઉપસ્થિતિ’ એવું બધુ લખવાનો ચાલ છે, પણ તમે મને હંમેશા અમારી પાડોશમાં રહેતા ઉદયભાઇ જેવા જ સરળ લાગો છો એટલે પ્રિય કહેવાની હિમ્મત કરુ છુ તથા તમને અને અમને બંનેને સ્પર્શતો મીડિયાને લાગતો એક મુદ્દો તમારા ધ્યાને લાવું છુ.
તારીખ નવમી સપ્ટેમ્બરે હાર્દિક પટેલ હોસ્પિટલમાથી રજા લઈ તેના ગ્રીનવુડ રીસોર્ટના ઉપવાસ સ્થળે પાછો આવ્યો, ત્યારે તેનું કવરેજ કરતાં પ્રિન્ટ, ટીવી અને ડિજીટલના પત્રકારો – કેમેરામેન – ફોટોગ્રાફરો સાથે તમારી પોલીસના મોટા નાના અધિકારીઓ – કોન્સ્ટેબલોએ બળજબરીભર્યો દુર્વ્યવહાર કર્યો. કેમેરા ખૂંચવાયા, ગળા – ફેંટ પકડી ધક્કા મુક્કી અને ઘર્ષણ થયું.એમાં એક ચેનલના કેમેરામેનને હોસ્પિટલ ભેગો પણ કરવો પડ્યો. બીજા વધારે મજબૂત હશે તે હોસ્પિટલ ભેગા કરવા જેવા ના થયા. પણ અમે બધા ત્યાં હતા તે અને ન હતા તે પણ ફીજીકલ અને ઈમોશનલી હર્ટ થયા છીએ.
આ કઈ પહેલી વારનું પણ નથી. તાજેતરની વાત કરીએ, તો હાર્દિક મુદ્દે જ પત્રકારોને જબરજસ્તી સ્વર્ણિમ સંકુલમાં જતાં અટકાવાયા. એની પહેલા છારા નગરમાં અડધી રાતે પોલીસ કારવાઈ કવર કરી રહેલા ફોટોગ્રાફરનો પોલીસે કેમેરા તોડી નાખ્યો અને હાથ ભાંગ્યો. આટલું ઓછું હોય એમ તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો.
એમ તો મારો હાથ પણ ભાંગ્યો હતો, તમારી પોલીસે 2002માં ગાંધી આશ્રમમાં. જો જૂની વાત યાદ કરીએ તો. અત્યારના ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ એ વખતે જાતે મારી આડા ઊભા રહી, પોલીસીયા કહેરથી મારો જાન બચાવ્યો. એ વખતે શિવાનંદ વચ્ચે ના પડ્યા હોત, તો આજે આ પત્ર લખવા જીવતો હોત કે કેમ એ મોટો સવાલ છે. જો કે, નોંધપાત્ર વાત એ પણ છે, કે પોલીસ હુમલાનો એ બનાવ, જીએમડીસીવાળા બનાવ અને ગ્રીનવૂડ રીસોર્ટવાળો બનાવ ત્રણે પ્રસંગે શિવાનંદ ઝા અલગ ભૂમિકામાં ચિત્રમાં હતા.
જવા દો જૂની વાત, અત્યારની વાત કરીએ, તો સૌથી પહેલી વાત તો એ, કે અમારે હાર્દિક સાથે કોઈ લેવા દેવા નથી. તમારે પોલિટિકલી હોય, એટલી પણ નહીં. અમે તો નરેંદ્ર મોદીના ઉપવાસ હોય, હાર્દિક પટેલના કે ન કરે નારાયણ તમારા ઉપવાસ હોય, ફરજના ભાગ રૂપે જ નિષ્કામ ભાવે કવર કરતાં હોઈએ છીએ. ત્યારે, અમારી ફરજ આડે ઉતરતા પોલીસવાળાઓ ઉપર ઉદાહરણીય શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ.
જો કે, એક વાતે તમે અને બીજા સત્તાધીશો એ વાતે નસીબદાર છો કે, અમારા પત્રકારોમાં આટલી ગંભીર બાબતે પણ કોઈ એકતા નથી. એક ગ્રૂપ તો 24 કલાક પછી પણ હજી વિચાર કરે છે, કે આપણાથી સરકારનો વિરોધ કરાય કે નહીં? બીજું ગ્રૂપ, વિરોધ કરવાની રીતોમાં વહેચાયેલું છે. આ વાત તમારાથી અજાણીયે નથી. એક ગ્રૂપ તમારી પાસે પ્રેસ ક્લબ માટે જમીન માંગવા આવે – જે ગુજરાત સિવાય ભારતના નાના મોટા બધા જ રાજ્યોમાં છે – ત્યારે બીજું ગ્રૂપ તાત્કાલિક તમારી પાસે પહોચ્યું જ હોય, આ લોકોને ભૂલે ચૂકે ય કાઇ ન અપાય.
જવા દો આ બધી વાતો, અમારા માટે નહીં, તમારા માટે નહીં, ગુજરાતની અસ્મિતા માટે અને દેશની લોકશાહી માટે મીડિયા મુક્તપણે કામ કરી શકે એવું વાતાવરણ સર્જો. તમને આટલું કહેવાનું મન એટલા માટે થાય છે, કે તમે તમારા પૂર્વસૂરિઓ જેવી અને જેટલી એરોગન્સ હજી કેળવી નથી શક્યા.
આપનો અને એટલો જ સાડા છ કરોડ ગુજરાતીઓનો પત્રકાર,
ધીમંત પુરોહિત.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશભરમાં જનઆક્રોશ છતાં 90 રૂપિયે પહોંચ્યું પેટ્રોલ, દોઢ મહિનામાં રૂ.5.30નો વધારો…..!!!
Next articleમુસ્લિમો મારવામાં બન્ને પક્ષોની સર્વસંમત્તી, ભાજપ ધોળે દહાડે તો કોંગ્રેસ રાતના અંધારામાં મારે….