(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગનું નિર્મુલન કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુસર તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે “100 days Intensified campaign on TB Elimination”નો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ઓડિટોરિયમ હોલ, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ ૩૪૭ જિલ્લાઓ પૈકી રાજયના કુલ ૧૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ દરમિયાન સમાજમાં રહેલા ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે. આ સઘન ઝુંબેશમાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ મેળવવામાં આવશે. જેમાં જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઉપરાંત, જિલ્લાના અન્ય વિભાગો, જાહેર ક્ષેત્રના સાહસો, નાગરિક સમાજ સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી અને અન્ય સમુદાયના સંગઠનો કે ફેડરેશનોની સક્રિય સહયોગપૂર્ણ ભાગીદારી જરૂરી છે. આ ઝુંબેશની સફળતા માટે ધારાસભ્યશ્રીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યશ્રીઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓના સભ્યોનો સંપર્ક કરી, તેઓને કાર્યક્રમમાં સાંકળી, તેઓના મતવિસ્તારમાં નિ:ક્ષય વાહન (MMU)ને ફ્લેગ ઓફ અપાવી, નિ:ક્ષય શિબિરોમાં સહયોગ લેવામાં આવશે. વધુમાં સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જરૂરી આયોજન કરી તથા અન્ય વિભાગો સાથે સંકલન કરી રિસોર્સ મોબીલાઇઝેશનની કામગીરી કરવામાં આવશે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.