Home ગુજરાત ગાંધીજીની જગ્યાએ નેતાન્યાહુ….!!, નરેન્દ્રભાઈ આ બરાબર નથી

ગાંધીજીની જગ્યાએ નેતાન્યાહુ….!!, નરેન્દ્રભાઈ આ બરાબર નથી

837
0

(જી.એન.એસ., ધીમંત પુરોહિત) તા.18
યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન ઉચ્ચ શિક્ષણના ટેલીવીઝન કાર્યક્રમો માટે દેશમાં એક પ્રોજેક્ટ ચલાવે છે, એનું નામ છે, “કન્ટ્રી વાઈડ ક્લાસરુમ”. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ જ રીતે કન્ટ્રી આખાને એક ક્લાસરુમ બનાવી નાખ્યો છે. ક્લાસમાં માસ્તરનો કડપ એટલો છે, કે કોઈની ચૂં કે ચા કરવાની હિંમત નથી ચાલતી. પ્રવિણ તોગડીયાનું ઉદાહરણ તાજું જ છે. એક જમાનાનાં વાઘ જેવા તોગડીયા મોદીની પોલીસના એન્કાઉન્ટરની બીકે બોર બોર જેવડા આંસુ પાડે છે. (જો કે એમાં આપણે વચ્ચે પડવાનો કોઈ અર્થ નથી, આ એ બંનેનો ઘરનો મામલો છે.આજે આમનેસામને છે અને કાલે શંકરસિંહ વાઘેલાની જેમ સ્કાયબ્લ્યુ કલરની કોટી પહેરીને હસતે મ્હોઢે મોદી જોડે ફોટો પણ પડાવે. ત્યારે ધીમંત પુરોહિત અને પ્રશાંત દયાળ જેવા પત્રકારો એક બાજુ રહી જાય.)
બીજું ઉદાહરણ આપું. હજ સબસીડી નાબુદીનું. (મુદ્દો સાચો છે અને એને આપણું સંપૂર્ણ સમર્થન છે.) વર્ષોથી લઘુમતિનો સંવેદનશીલ મુદ્દો માની, ઉગ્ર રીએક્શનની બીકે કોઈ એને અડવાની હિંમત નહોતું કરતું. પણ જુઓ શું રિએક્શન આવ્યું? આશ્ચર્યજનક રીતે કાઈ જ નહિ. ઓવેશી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓએ કહ્યું કે,બરાબર છે, અમે તો ક્યારના આ જ કહેતાતા! બીજી આશ્ચર્યજનક ટ્વીટસ ઘણા મિયાભાઇઓએ ફોરવર્ડ કરી કે જુઓ આપણે મુસલમાનો કેટલા સારા છીએ, હજ સબસીડી બંધ થઇ ગઈ છતાં દેશમાં ક્યાયે વિરોધ પ્રદર્શન ના થયા, ના રસ્તા રોકો આંદોલન થયું, કે ના ક્યાય રેલ્વેનાં પાટા ઉખેડાયા. આપણે તો બહુ સારા! અમદાવાદમાં જમિયતે ઉલેમાએ હિંદને ઇઝરાયલનાં વડાપ્રધાનનો વિરોધ કરવો હતો એ પણ ઓફિસની અંદર,બારી બારણા બંધ કરીને કર્યો.
અરે હા આપણે આડી વાતે ચઢી ગયા, મૂળ મુદ્દો તો ઇઝરાયલનાં વડાપ્રધાનની અમદાવાદ અને એમાયે ગાંધી આશ્રમની મુલાકાતનો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના ઇઝરાયલી કાઉન્ટરપાર્ટને ગાંઘી આશ્રમ જોવા લઇ ગયા. સારું કર્યું. આમ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શોકેસીંગ માટે સિત્તેર ઉપરાંત વર્ષોથી આપણી પાસે એક માત્ર આ નામ છે – ગાંધી. ભલે પછી ગાંધી મૂલ્યોનું અનુસરણ ના કરીએ પણ જોવા બતાવવા તો જવાનું જ.
મોદીએ સીએમ હતા ત્યારે અને પીએમ બન્યા પછી પણ ગાંધીનો ખપ પડ્યે ઉપયોગ જ કર્યો છે અને એ સિવાય ગાંધીને અવગણ્યા છે. પરંતુ આ વખતે એમણે ગાંધીનું એટલું મોટું અપમાન કર્યું છે, જેની કોઈ સીમા નથી. ગાંધી આશ્રમ બતાવતા બતાવતા મોદી નેતાન્યાહુને ગાંધીના ઘર ‘હૃદયકુંજ’માં ગાંધીની કચેરીમાં લઇ ગયા અને એ જગ્યાએ નેતાન્યાહુને બેસાડ્યા જે ગાદી પર મેજની પાછળ ગાંધી પોતે બેસતા – ઓરિજનલ ગાદી અને મેજ, પ્રદર્શનનાં નકલી નહિ. અને ફોટોઓપ માટે ત્યાં બેઠા બેઠા એ મૂળ ચરખો કન્તાવ્યો, જે સો વરસ પહેલા આ જગ્યાએ બેસીને બાપુ પોતે કાંતતા. દેશ વિદેશના છાપાઓમાં આ ફોટા છપાયા છે અને કોઈને અરેરાટી સુધ્ધા નથી થઇ. કોઈ ગાંધીવાદી કે આશ્રમના વહિવટકર્તાઓએ વિરોધનું નિવેદન સુધ્ધા નથી કર્યું. ગાંધીજી એ હિંસા છોડી અહિંસક થવાનું શીખવ્યું હતું, નપુંસક થવાનું કદી નહિ. અજાણ્યાઓએ જાણ સારું જણાવી દઉં, કે ફોટોઓપ માટે આશ્રમના આંગણામાં એક ચરખો અને ગાઈડ રાખ્યા જ છે, અતિવિશિષ્ટ થી માંડીને અતિ સામાન્ય માણસોને યાદગીરી માટે ચરખો કાંતતો ફોટો પડાવવા. બાપુની મૂળ ગાદી પર બેસવાની કે બેસાડવાની ગુસ્તાખી કરાય જ કઈ રીતે? એ મુદ્દો તો પાછો અલગ જ છે, કે મોદી અને નેતાન્યાહુને બાપુની અહિંસાની ફિલોસોફી સાથે ન્હાવા નિચોવાનોય સંબંધ નથી. તોયે બાપુ તો એમને આવકારે જ. બાપુ તો ઝીણાથી માંડીને હિટલર સુધી સૌના સંપર્કમાં કોઈ જ આભડછેટ વગર રહેતા.
બીજી વાત ગાંધી આશ્રમ હજી ઘણા માટે સાધના અને પ્રેરણાનું સ્થાન છે.મોજ શોખ અને આનંદ પ્રમોદનું સ્થાન નથી જ નથી. અહી મંડપવાળાને ત્યાંથી ભાડે લાવેલા સંખેડાના હિંચકા મૂકાવી જાપાની વડાપ્રધાન સાથે ફોટા ના પડાવાય કે કાઈટ ફેસ્ટીવલના વધેલા પતંગો ના ચગાવાય. એને માટે રીવરફ્રન્ટ પર બીજી ઘણી જગ્યાઓ છે.
અને ગાંધી આશ્રમમાં મોંઘા ફૂલોનું આવું વલ્ગર સુશોભન? એક બાજુ ફૂલોના મોંઘા બુકેની આપ-લે નહિ કરવાનો ટ્વીટર પર લોકોને ઉપદેશ આપવાનો અને બીજી બાજુ, આખું વરસ ચાલે એટલા મોંઘા મોંઘા ફૂલોથી સાદગીના સંત નો આશ્રમ વિદેશી મહેમાનના સ્વાગતમાં સજાવી દેવાનો! એ પણ એ માણસનો આશ્રમ, જે સો વરસ પહેલા અહી સાબરમતીનાં પાણીથી જ ભરેલી સાબરમતી નદીમાંથી સવારે પોતાને ન્હાવા એક લોટો જ પાણી લેતો. સામે વહેતી નદી છતાયે બીજો લોટો પણ પોતાના માટે વધારાનો નાં લેવાય. ગાંધીમાંથી માત્ર આટલું શીખો તોયે બહુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતોગડીયાના આક્રામક તેવર….હિન્દુઓને મુર્ખ બનાવનારની ઉંઘ હરામ કરી નાખીશ
Next articleમોદીએ પ્રચારકોને સત્તા-સુવિધાની આદત પડી અને સંઘે પોતાની આબરુ ગુમાવી..?