Home રમત-ગમત Sports કોહલીની ગેરહાજરીમાં સિરીઝ જીતવા ઇંગ્લેન્ડને ઘણો લાભ મળી શકે : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ...

કોહલીની ગેરહાજરીમાં સિરીઝ જીતવા ઇંગ્લેન્ડને ઘણો લાભ મળી શકે : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ

36
0

(જી.એન.એસ),તા.૧૩

નવીદિલ્હી,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે જેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ ગુરુવારથી રાજકોટ ખાતે રમાનારી છે. હાલમાં બંને ટીમ એક એક મેચ જીતી ચૂકી છે અને સિરીઝનો સ્કોર 1-1થી સરભર છે ત્યારે બાકી રહેલી ટેસ્ટ રોમાંચક બની રહે તેવી અપેક્ષા રખાઈ રહી છે. આ સંજોગોમાં ભારતને તેના પ્રમુખ બેટ્સમેન વિરાટ કોહલીની ખોટ પડવાની છે કેમ કે કોહલી અંગત કારણોસર આ સિરીઝની બાકીની ટેસ્ટમાં રમવાનો નથી. કોહલીની ગેરહાજરીના સંદર્ભમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડનું માનવું છે કે કોહલી વિનાની ભારતીય ટીમ સામે આ સિરીઝ જીતવાની ઇંગ્લેન્ડને સોનેરી તક રહેશે કેમ કે કોહલી જેવી આક્રમકતા, જુસ્સો અને સ્પર્ધાત્મકતાની રોહિત શર્માની ટીમને ખોટ પડનારી છે. સાઉથ આફ્રિકા ટી20માં કોમેન્ટેટર તરીકે ફરજ બજાવનારા સ્ટુઅર્ટ બ્રોડે જણાવ્યું હતું કે અંગત કારણોસર કોહલી રમી રહ્યો નથી તે મોટું નુકસાન છે. માત્ર ભારતીય ટીમને જ નહીં પરંતુ ક્રિકેટને પણ તેનાથી નુકસાન છે પરંતુ તેની ગેરહાજરીનો ઇંગ્લેન્ડને ઘણો લાભ મળી શકે તેમ છે. અત્યાર સુધીની બે ટેસ્ટ રસપ્રદ બની રહી હતી. તેણે ઉમેર્યું હતું કે પ્રથમ બે ટેસ્ટ અત્યંત સ્પર્ધાત્મક રહી હતી. મેં નિહાળેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની વિવિધ સિરીઝમાં આ સિરીઝ સૌથી રોમાંચક રહી છે. કદાચ આ સિરીઝમાં બંને ટીમ તમામ પ્રકારે સંતુલિત છે. ભારતે પણ ટેસ્ટ જીતી છે પરંતુ ઇંગ્લેન્ડની રમવાની સ્ટાઇલ (બેઝબોલ સ્ટાઇલ) ભારતીય પિચો પર અસરકારક રહી છે. હવે જ્યારે કોહલી ટીમમાં નથી ત્યારે ઇંગ્લેન્ડે તેનો લાભ ઉઠાવીને સિરીઝ જીતવી જોઇએ.

સ્ટુઅર્ટ બ્રોડનું માનવું છે કે માત્ર ઇંગ્લેન્ડને જ નહીં પરંતુ ભારતના કેટલાક યુવાન ખેલાડીઓને પણ કોહલીની ગેરહાજરીથી લાભ થઈ શકે તેમ છે કેમ કે તેઓ આ સંજોગોમાં સારું પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે તેમ છે. ભૂતકાળમાં વિરાટ કોહલી અને અંગ્રેજ બોલર વચ્ચેની હરિફાઈ તીવ્ર રહી છે. ખાસ કરીને જેમ્સ એન્ડરસન અને કોહલી વચ્ચેનો મુકાબલો હંમેશાં રસપ્રદ રહ્યો છે. હવે કોહલી રમી રહ્યો નથી તે બાબત આ સિરીઝ અને ક્રિકેટની રમત માટે શરમજનક છે તેમ બ્રોડે ઉમેર્યું હતું. કોહલી દરેક મેચને એક નવી ઉંચાઈ પ્રદાન કરતો આવ્યો છે કેમ કે તે શાનદાર ખેલાડી છે. તે રમતમાં આક્રમકતા, સ્પર્ધાત્મકતા અને રોમાંચ લાવી શકે છે. જોકે તે અંગત કારણોસર રમી રહ્યો નથી અને દરેક વ્યક્તિની અંગત બાબતોનો આદર કરવો જોઇએ. વર્તમાન ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે શાનદાર બેવડી સદી ફટકારી હતી તે પ્રશંસનીય બાબત હતી તેમ કહીને 167 ટેસ્ટમાં 604 વિકેટ ખેરવનારા ઝડપી બોલરે ઉમેર્યું હતું કે જેમ્સ એન્ડરસને પણ ભારતની નિષ્પ્રાણ પિચો ઉપર પ્રભાવશાળી બોલિંગ કરી હતી. વિશાખાપટનમ ટેસ્ટમાં માર્ક વૂડને સ્થાને ટીમમાં સમાવાયેલા જેમ્સ એન્ડરસને બંને દાવમાં મળીને પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટુઅર્ટ બ્રોડે જણાવ્યું હતું કે બીજી ટેસ્ટમાં એક તરફ જસપ્રિત બુમરાહે અસામાન્ય બોલિંગ કરીને ટીમને સફળતા અપાવી હતી તો જીમી એન્ડરસને પણ પ્રભાવ દાખવ્યો હતો. બધાને એવી અપેક્ષા હતી કે પિચ ટર્ન લેશે પરંતુ બુમરાહ અને એન્ડરસને શાનદાર બોલિંગ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રાહુલ અનફિટ જાહેર થયો
Next articleનિફ્ટી ફયુચર ૨૧૮૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!