સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
(જી.એન.એસ) તા. 9
ગાંધીનગર/સુરત,
સ્વર્ણિમ સંકુલ – ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સરકારી વિજ્ઞાન કોલેજ વાલક પાટિયા પાસે કાયમી નવા ભવનના બાંધકામ અને પ્લાનિંગ અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે, આ કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સૌ અધિકારીઓએ કામગીરી કરવી જરૂરી છે.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વર્ષ-૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. વર્ષ -૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી સીમાડા સ્થિત મનપાની નગર પ્રાથમિક શાળામાં કાર્યરત છે, ત્યારે સરકારી વિજ્ઞાન કોલેજના કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને વાલક પાટિયા પાસે ૧૭,૩૮૩ ચો.મી. જમીન સુપ્રત કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂ.૫૨ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સુરતના વાલક ખાતે ૧૭,૩૮૩ ચો.મી. જગ્યા પર સાકાર થનાર અત્યાધુનિક સરકારી વિજ્ઞાન કોલેજ-વરાછા નજરાણા સમાન શિક્ષણધામ બનશે તેમ મંત્રી શ્રીએ આશા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ વરાછામાં કોલેજના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું કે, ઝડપભેર ટેન્ડરીંગ સહિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવું ભવન સાકાર થાય એ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.. આપણા સૌ અધિકારીઓની જવાબદારી છે કે ગુજરાતના વિધાર્થીઓના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપના રહે તે દિશામાં કામગીરી કરવા તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન મંત્રી શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.