Home ગુજરાત કોરોના દર્દીઓના ડેટાનો વેપાર..!?, આરોગ્ય સચિવ-કમિશ્નર વચ્ચેનો વિવાદ વકર્યો

કોરોના દર્દીઓના ડેટાનો વેપાર..!?, આરોગ્ય સચિવ-કમિશ્નર વચ્ચેનો વિવાદ વકર્યો

1272
0

એક તરફ કોરોનામાં દર્દીઓ મરી રહ્યાં છે તો બીજી તરફ દર્દીઓના ડેટાનો ખતરનાક ખેલ શરૂ થયો છે…
શું જયંતિ રવિ પોતાના પતિની માલિકીની એજન્સીને દર્દીઓનો સંવેદનશીલ ડેટા આપવા મૌખિક સુચનાઓ આપી રહી છે… ?
આરોગ્ય કમિશ્નરના પત્રમાં ઉલ્લેખ-જો જો ધ્યાન રાખજો, કોરોનાના દર્દીઓની માહિતી દર્દીની સંમતિ વગર ના અપાય…!
ટેકો સોફટવેર નામની એજન્સી સચિવ જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની છે…!
સચિવને પોતાના પતિની એજન્સીને સંવેદનશીલ માહિતી કોરોનાના હજારો પેશન્ટની મળે તે પાછળનું કારણ શું હોઇ શકે..?
શું કોરોનાના દર્દીની તમામ માહિતી તેની સંમતિ વગર તેના પ્રાઇવસીનો ભંગ કરીને આ એજન્સીને ઠરાવ વગર આપવામાં આવી રહી છે…?
ટેકોસોફ્ટવેરમાં આઇડીએસપી અને કોવિડ-19 નવા મોડ્યુલ તૈયાર કરવા આરોગ્ય કમિશ્નરનું સૂચન

(જીએનએસ. વિશેષ અહેવાલ) ગાંધીનગર
સમગ્ર ગુજરાત છેલ્લાં એક મહિનાથી કોરોના વાઇરસની આપત્તિમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોના પોઝીટીવ કેસો 3 હજારને પાર થઇ ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી રોજે રોજ 200 કરતાં વધુ કેસો બહૈર આવી રહ્યાં છે.સરકાર અને કોરોના વોરિયર એવા તબીબો-નર્સો-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસ, મિડિયા કર્મી પોતાના યથાયોગ્ય ફરજ બજાવી રહ્યાં છે. એવા સમયે કે જ્યારે કોરોનાને કારણ કરૂણાનું વાતાવરણ સર્જાયેલું છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિના કથિત અનિયમિતતા કે સત્તાનો દુરૂપયોગની ચર્ચા થઇ રહી છે. જેમાં તેમણે પોતાના પતિ રવિ ગોપાલનની માલિકીની કંપની આર્ગ્યુસોફ્ટ ઇન્ડિયા લી. પાસેથી ખરીદેલા ટેકો સોફ્ટવેર(techo software) દ્વારા કોરોનામાં કમાણી થાય એવી મૌખિક સુચના સાથે આ જ કંપનીને કોરોના દર્દીની તમામ વિગતો-ડેટા, નિદાન-સારવાર વગેરે.નું કામ આપી રહ્યાં હોવાનો દાવો કરાયો છે. જો કે તેમના તાબા હેઠળના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ 16-4-2020ના એક પત્ર દ્વારા જયંતિ રવિનું ધ્યાન દોર્યું છે કે આ કંપનીએ પોતાના સોફ્ટવેરમાં કોવિડ-19ની માહિતી માટે મોડ્યુલ બનાવવુ પડે અને તેમાં જે તે દર્દીની વિગતોની પ્રાયવસી અને સંમતિ જરૂરી છે, એમ કહીને આ એજન્સી સાથે એમઓયુ કરીને જ કામ આપી શકાય એવું સૂચન કર્યું છે.. જો કે જયંતિ રવિ અધિકારીઓને લેખિતને બદલે મૌખિક સુચનાઓ આપીને તેમના પતિની કંપનીને જ ડેટા એકત્રિકરણનું કામ આપવા દબાણ કરી રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આરોગ્ય વિભાગમાં હાલમાં ચર્ચાનો વિષય બનેલા આ મામલાની વિગત જોઇએ તો શિવહરે દ્વારા 14 એપ્રિલના રોજ જયંતિ રવિને સત્તાવાર પત્ર લખીને તેમનું ધ્યાન દોરવામાં આવ્યું કે, ટેકો સોફ્ટવેર થકી આરસીએચના વિવિધ કાર્યક્રમોનું મોનિટરિંગ અને અમલીકરણ રાજ્યમાં કરવામાં આવે છે. હાલ રાજ્યમાં કોરોના એપીડેમિકની પરિસ્થિતિમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ માટે મેડિકલ સંક્રમણ નિદાન, લેબોરેટરી, તપાસ, સારવાર,દૈનિક ધોરણે મોનિટરીંગ વગેરે. હેતુસર જો ટેકોસોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી દ્વારા મોનિટરીંગ કરવાનું થાય તો કેટલીક બાબતો ધ્યાને લેવી જરૂરી છે. જેમ કે આ નવા મોડ્યુલમાં દર્દીઓને તબીબી વિગતો, નિદાન, લેબોરેટરીની વિગતો, દર્દીની રોજિંદી વાઇટલ્સ, દવાઓની વિગતો, સારવારની વિગતો વગેરે. સમાવિષ્ટ થાય છે. જેથી સદરહુ બાબતે કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિ કે દર્દીના ડેટા પ્રાયવસી, દર્દીની સંમતિ જરૂરી છે. તેમ જ આ અંગે ડેટાની માલિકી, ડેટા સ્ટોરેજ અને વપરાશતથા અન્ય કાયદાકિય બાબતો વગેરે. ધ્યાને લેવાની થાય છે. આ બાબતોને ધ્યાને લઇ ટેકોસોફ્ટવેરમાં આઇડીએસપી અને કોવિડ-19 નવા મોડ્યુલ તૈયાર કરવા હેતુ વિભાગ કક્ષાએથી જરૂરી ઠરાવ થયા પછી જ અમલીકરણ થાય તે જરૂરી છે. આથી આ અંગે સરકારશ્રી કક્ષાએથી ઠરાવ થઇને આવવા વિનંતી છે.
આઇએએસ શિવહરેએ પત્રના નકલ રવાનામાં અધિક નિયામક કચેરીને નોંધમાં લખ્યું છે કે ઉપરોક્ત બાબત ધ્યાને લઇ કોઇ કાયદાકિય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે રીતે તકેદારી રાખવા નોંધ લેવી અને સરકારશ્રીની લેખિત સુચનાઓ સિવાય દર્દીની પ્રાઇવસી કે ડેટા કલેક્શન-ઉપયોગ અંગે વખતોવખતની સુચનાઓનો ભંગ ન થાય તે જોવુ અને આ બાબતે કોઇ કાયદાકિય પ્રશ્નો ઉપસ્થિત થશે તો સંબંધિત અધિકારીની અંગત જવાબદારી રહેશે તે બાબત તમામના ધ્યાને લાવવી.
સૂત્રોએ આ પત્ર અંગે કહ્યું કે જયંતિ રવિના હાથ નીચે કામ કરનાર અધિકારીએ પત્ર લખીને, જો આ અંગે કોઇ મૌખિક સુચનાઓ અપાતી હશે કે અપાશે તો તે માટે જે તે અધિકારી કાયદેસર રીતે જવાબદાર રહેશે એમ કહીને મૌખિક સુચનાઓ નહીં પણ લેખિતમાં સુચના મળે તો જ તેના અમલ માટે તાકીદ કરી હોવાનું મનાઇ રહ્યું છે. કેમ કે ચર્ચા એવી છે કે શું જયંતિ રવિ ઠરાવ કર્યા વગર જ “ટેકો સોફ્ટવેર”ને કોરોનાના હજારો દર્દીઓના ડેટા એન્ટ્રીનું કામ પોતાના પતિની એજન્સીને આપવા માંગે છે…? આરોગ્ય કમિશ્નરને પત્રમાં એવુ લખવાની કેમ ફરજ પડી કે, “સરકારશ્રીની લેખિત સુચનાઓ સિવાય દર્દીની પ્રાઇવસી કે ડેટા કલેક્શન-ઉપયોગ અંગે વખતોવખતની સુચનાઓનો ભંગ ન થાય તે જોવુ અને આ બાબતે કોઇ કાયદાકિય પ્રશ્નો ઉપસ્થિત થશે તો સંબંધિત અધિકારીની અંગત જવાબદારી રહેશે તે બાબત તમામના ધ્યાને લાવવી.” શું કોરોનાના દર્દીની નિદાન-સારવાર સહિતની તમામ માહિતી તેની સંમતિ વગર તેના પ્રાઇવસીનો ભંગ કરીને આ એજન્સીને ઠરાવ વગર આપવામાં આવી રહી છે…? આવી ડેટા એન્ટી માટે એજન્સીને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે અથવા શું દર નક્કી કરવામાં આવ્યો છે…?
આરોગ્ય કમિશ્નરને, આ બાબતે કોઇ કાયદાકિય પ્રશ્નો ઉપસ્થિત થશે તો સંબંધિત અધિકારીની અંગત જવાબદારી રહેશે…એમ કહેવાની કેમ ફરજ પડી છે…? શું તેમની વાતને ધ્યાને નહીં લઇને એજન્સીને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે કોરોના દર્દીની તમામ જાણકારીની…? શું કમિશ્નરને એવી કોઇ ફરિયાદ મળી કે આ એજન્સીને સત્તાની વગનો ઉપયોગ કે દુરૂપયોગ કરીને મૌખિક સુચનાથી ડેટા એન્ટ્રીનું કામ આપવામાં આવ્યું છે…?
હાલમાં કોરોનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કેટલીક દવાની કંપનીઓ, સંશોધન કરનારી ખાનગી કંપનીઓ વગેરે.માટે કોરોના પેશન્ટની ઝીણામાં ઝીણી માહિતી મહત્વની છે ત્યારે ગુજરાતના હજારો દર્દીઓનો ડેટા મેળવવા તેઓ પ્રયાસ કરી શકે. તેથી જો આ એજન્સી સાથે એમઓયુ ન થાય તો એજન્સી પોતાની જવાબદારીમાંથી છટકી જઇ શકે છે. અને તેથી જ કદાજ શિવહરેએ સચિવના પતિની કંપનીને કામ આપતા પહેલા તેના સોફ્ટવેરમાં મોડ્યુલ તૈયાર કરવા અને દર્દીની સંમતિ અને ઠરાવનો આગ્રહ રાખ્યો હશે. આવા ભયાનક રોગચાળાના ભોગ બનેલાની વિગતો અને કઇ દવાથી દર્દી સાજો થયો તેના પર કેટલીક દવાની કંપનીઓ કે અન્ય એજન્સીઓની નજર રહેતી હોય છે. જો યોગ્ય ઠરાવ કર્યા વગર જ આ એજન્સીને કામ અપાયું હોય તો ગુજરાતના હજારો કોરોના પેશન્ટનો ડેટા જોખમમાં આવી શકે તેમ છે.
સૂત્રોએ કહ્યું કે આરોગ્યમંત્રી નીતિન પટેલ અને સીએમ વિજય રૂપાણીએ આ સમગ્ર બાબતની તપાસ કરાવવી જોઇએ. અને આરોગ્ય કમિશ્નરને પોતના ઉપરી અધિકારી સચિવને આ પ્રમાણેનો પત્ર કેમ લખવાની ફરજ પડી તેની પણ તપાસ જરૂરી છે. એક તરફ ગુજરાતમાં લોકો કોરોનાથી ત્રાહિમામ છે ત્યારે સચિવને પોતાના પતિની એજન્સીને સંવેદનશીલ માહિતી કોરોનાના હજારો પેશન્ટની મળે તે પાછળનું કારણ શું હોઇ શકે..? ટેકો સોફ્ટવેર નામની એજન્સી શા માટે કોવિડ-19નું મોડ્યુલ તૈયાર કરવાનો ઇન્કાર કરે છે…અને કેટલા વર્ષથી સરકાર માટે કામ કરે છે…. આ તમામ વિગતો તપાસ માંગે છે. જો સૂત્રોના આરોપમાં-આક્ષેપમાં સહેજ પણ તથ્ય હશે તો તેનો અર્થ એ થશે કે ગુજરાતમાં એક તરફ કોરોનાથી હજારો મરી રહ્યાં છે ત્યારે જયંતિ રવિને દર્દીઓના ડેટામાં કેમ રસ જાગ્યો છે….અને શા માટે આરોગ્ય સચિવને આ પત્ર લખવાની ફરજ પડી છે…? સવાલ અનેક જવાબ આરોગ્ય વિભાગ અને સરકાર પાસે હશે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોના વોરિયર પત્રકારને પોઝીટવ આવતાં ભાજપ-સરકાર અને મેયર ઓફિસમાં હડકંપ…!
Next articleતમામ ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલમાં ફેરવાશે. 150 હોસ્પિટલોની સ્વૈચ્છિક સંમતિ…!