Home ગુજરાત ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટીના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

કામધેનુ યુનિવર્સિટીના ૧૧મા દીક્ષાંત સમારોહમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

43
0

વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યપાલશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૫ મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણે રહેવા માટે મકાનો બનાવીએ છીએ, કેનાલો બનાવીએ છીએ, કારખાનાઓ ઊભા કરીએ છીએ, વિશાળ હૉલ બનાવીએ છીએ, એટલે કે જીવનમાં ઉપયોગી અનેક વસ્તુઓ બનાવીએ છીએ, જેની પાછળનો મુખ્ય હેતુ સુખી રહેવાનો છે. પરંતુ આયુર્વેદ અનુસાર સુખનો આધાર ઉત્તમ સ્વાસ્થ્ય છે. આયુર્વેદમાં કહ્યું છે કે, ધર્મ, અર્થ અને કામ કરતા મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો પહેલો આધાર સ્વસ્થ શરીર છે. એટલે જ કહેવાયું છે કે, પહેલું સુખ નિરોગી કાયા. આથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં લોકોને સ્વસ્થ આહાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક (જૈવિક) ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પૂરતી જાણકારીના અભાવે લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી સમજી બેસે છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન વધતું નથી, ખર્ચ ઘટતો નથી અને મહેનત પણ ઘટતી નથી, જ્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો નહીવત ખર્ચે પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. અને ત્યારબાદ દર વર્ષે ઉત્પાદન વધે છે.

ગુરુકુળ કુરુક્ષેત્રમાં મારી પાસે 400 ગાય છે અને મારી ગાયો દિવસનું એવરેજ 26 લીટર દૂધ આપે છે. આટલું બધું દૂધ ઉત્પાદન નસલ સુધારણાને પરિણામે શક્ય બન્યું છે. જેના માટે સેક્સ સોર્ટેડ સીમનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશમાં 2200 રૂપિયામાં મળતું સીમન આપણે ત્યાં સ્વદેશી રીતે ફક્ત રૂપિયા 700 માં તૈયાર થાય છે અને રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો અને પશુપાલકોને ફક્ત રૂપિયા 50માં ઉપલબ્ધ કરાવ્યું છે. મારા ગુરુકુલ ફાર્મમાં ગયા વર્ષે 100 ગાયોને સેક્સ સોર્ટેડ સીમન આપ્યું હતું, જેમાંથી 92 વાછડીઓ જન્મી છે.

રાજ્યપાલશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી કે, આપ જે આજે ડિગ્રીઓ મેળવી છે તો તેને ફક્ત નોકરીનું સાધન ના બનાવતા, પરંતુ તમારું આ જ્ઞાન દેશને કામ આવે. પશુપાલન દ્વારા લોકોનું આરોગ્ય બચાવવું તે ખૂબ જ જવાબદારી ભર્યું કામ છે. તમે લોકો આજે ડિગ્રીઓ મેળવી છે, તો વ્યવહારિક જીવનમાં પણ તેનો ઉપયોગ થવો જોઈએ. મારી પાસે પશુપાલનની કોઈ ડિગ્રી નથી અને પશુ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો નથી, માત્ર નિરીક્ષણ કરીને મેં મારી ગાયોની જાતે જ નસલ સુધારણા કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા આહવાન કર્યું છે ત્યારે, દરેક વ્યક્તિ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે અને જે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં પૂર્ણ સમર્પણથી કામ કરી, દેશની ઉન્નતી અને ભાવિ પેઢીના નિર્માણ માટે કામ કરે તો આપણે નિશ્ચિતપણેથી સફળ થઈશું.

પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, પદવી પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી માટે આજનો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રસેવાનો નવતર પ્રારંભ છે. તમારું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે. ભારતની રૂરલ ઈકોનોમીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વધુ મજબૂત બનાવવામાં તમારા જેવા યુવા ચેન્જમેકર્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આજથી જ તમારા ભવિષ્યનો રોડમેપ “વિકસિત ભારત@૨૦૪૭” અને “સહકાર સે સમૃદ્ધિ” જેવા દ્રષ્ટિગત સંકલ્પોને સાર્થક કરતો હોવો જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્હાઈટ રિવોલ્યુશન 2.0 તેમજ બ્લુ રીવોલ્યુશન જેવા દૂરંદેશી વિઝનના પરિણામે આજે દૂધ ઉત્પાદન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ભારત વૈશ્વિક સ્તરે મોખરે પહોંચ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં વૃદ્ધિ પામી રહેલા પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસને ગતિવાન બનાવવા માટે કામધેનુ યુનિવર્સિટી હરહંમેશ તત્પર રહી છે. એટલે જ, કામધેનુ યુનિવર્સિટીએ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે વિશ્વની ૪૮ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિકસાવેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના પરિણામે નવ યુવાઓ માટે રોજગારીની અપાર તકો ઉપલબ્ધ થઇ છે. યુવાનો હવે મરીન એક્વાકલ્ચર, એન્વાયરમેન્ટલ ફિશરીઝ, પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ એડીશન અને એક્ષ્પોર્ટ ચેઈન જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગ સાહસિકતાની અપાર તકો ખુલ્લી પડી છે. દરિયા કિનારાના વિકાસને રાષ્ટ્ર વિકાસ સાથે જોડીને દરિયાઈ વિકાસને દેશના વિકાસનું મુખ્ય પરિબળ બનાવવાની દિશામાં કામ કરવા માટે મંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

શેર-એ-કશ્મીર એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટી-જમ્મુના કુલપતિ ડૉ. બી. એન. ત્રિપાઠીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવીને વેટેનરી, ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી નવી દિશા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકાના ફાળા સાથે ભારત મોખરે છે. આગામી સમયમાં મત્સ્યોદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રે પણ ભારત મોખરાનું સ્થાન હાંસલ કરે, તે દિશામાં સૌ વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના સહારે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી સહિત ઉપસ્થિત સૌએ કશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ તથા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.

દીક્ષાંત સમારોહના પ્રારંભે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે કામધેનુ યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો અને સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે, કાર્યક્રમના અંતે કામધેનુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કે. કે. હડિયાએ આભારવિધિ કરી હતી.

આ સમારોહમાં રાજ્યપાલશ્રીના હસ્તે શ્રેષ્ઠ અધ્યાપક, શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીના પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ, રાજ્યપાલશ્રીએ વિવિધ પ્રકાશનોનું વિમોચન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કુલસચિવશ્રીઓ, મહાનુભાવો, કામધેનુ યુનિવર્સિટીના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field