છેલ્લા બે વર્ષમાં વનીકરણ હેઠળ બોટાદ જિલ્લામાં ૪.૪૮ લાખ જ્યારે કચ્છના માંડવી તાલુકામાં ૩.૬૪ લાખ રોપાઓનું વાવેતર
(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જે હેઠળ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રેકોર્ડ બ્રેક એવા કુલ ૧૭ કરોડથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વન વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં રૂ. ૩૩૪ લાખના ખર્ચે અંદાજે ૪.૪૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં રૂ. ૧૬૭ લાખના ખર્ચે ૩.૬૪ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
વન રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ગૃહમાં કહ્યું હતું કે, ક્ષેત્રીય વનકરણમાં માંડવીમાં ૪૩૫ હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવેલા આ રોપાઓમાંથી હાલ અંદાજે ૨.૯૭ લાખ રોપા જીવંત છે. આ રોપાઓના વાવેતર થકી વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૧,૭૮૭ માનવ દિનની રોજગારી અપાઈ છે, જે પેટે રૂ. ૧.૬૬ કરોડની રકમ ચૂકવાઇ છે. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૧,૦૭૬ માનવ દિનની રોજગારી અપાઈ છે જે માટે રૂ. ૧.૩૩ કરોડની રકમ પણ ચૂકવવામાં આવી છે. આ વનમાં વિવિધ સહભાગી સંસ્થાઓ દ્વારા ગૂગળ, દેશી બાવળ, ગોરસ આંબલી, ઉમરો સહિતના રોપાઓ વાવવામાં આવ્યા છે, આ વન નિર્માણ થકી પર્યાવરણની સમતુલા જળવાઈ રહેશે.
બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર કામગીરીની વિગતો આપતાં મંત્રી શ્રી પટેલે કહ્યું હતું,
“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ૨૧ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ૬.૭૫ હેક્ટર વિસ્તારમાં ૫ સ્થળોએ વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
“એગ્રોફોરેસ્ટ્રી” યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૧૮૬ હેક્ટર વિસ્તાર અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૩૧૭ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા માલિકીની જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.
પંચરત્ન ગ્રામ વાટિકા મોડલ હેઠળ ૧૦ ગામડાઓમાં વાવેતર-
“અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર” મોડલ હેઠળ ૪ અમૃત સરોવર ફરતે વાવેતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ૭ વન કુટિરનું નિર્માણ, બોટાદ તાલુકાના તાજપર ગામે એક પંચવટી વિકાસ કેન્દ્રનું તેમજ ત્રણ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે એક પવિત્ર ઉપવનનું નિર્માણ સહિત જિલ્લામાં ૨૫ કિસાન શિબિરની સાથે જિલ્લામાં કુલ બે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જિલ્લામાં કુલ ૮૨૫ કલમી ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.