Home મધ્ય ગુજરાત અમદાવાદ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં ‘ભગવાન મહાવીર દર્શનથી...

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવનું આયોજન

16
0

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, અમદાવાદમાં આયોજિત ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં રાજ્યપાલ શ્રી આચાર્યવ્રતજીએ કહ્યું કે, મહાવીર સ્વામીજીએ આત્માની ઉન્નતિ માટે આપેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; આ પાંચ સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. એટલું જ નહીં, દરેક દેશમાં, દરેક પરિસ્થિતિમાં અને દરેક સમયે સમાનરૂપે અપનાવી શકાય એ પ્રકારે આ સિદ્ધાંતો સાર્વભૌમિક છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં ભગવાન મહાવીર સ્વામીજીના પાંચ સિદ્ધાંતોના પાલનની અનિવાર્યતા સમજાવતાં કહ્યું હતું કે, સમાજમાં જે ગુણ હંમેશા માટે ટકી શકે અને સૌને સ્વીકાર્ય હોય એ ધર્મ છે, બાકી અધર્મ છે. અહિંસાનું આચરણ ધર્મ છે જ્યારે હિંસા અધર્મ છે. એ પ્રકારે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ધર્મ છે. તેનાથી વિપરીત અસત્ય, સ્તેય અને પરિગ્રહ અધર્મ છે.

જે વ્યક્તિના વિચારો મહાન છે, જેને પોતાની ઇન્દ્રિયો, વાણી અને વર્તન પર સંયમ છે, જે હંમેશાં અનુશાસનપૂર્વક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એવી વ્યક્તિઓ સમાજની સાચી પૂજી છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કઠોર તપશ્ચર્યા કરીને ભગવાન મહાવીર સ્વામીજીએ મનુષ્ય જીવનના કલ્યાણ માટે જે પાંચ સિદ્ધાંતો આપ્યા છે તે માનવતા, કરુણા, દયા અને પ્રેમ સ્વરૂપે જૈન મુનિઓ અને વિવિધ ધર્મ-સંપ્રદાયોના સંતોના માધ્યમથી સમાજ સુધી પહોંચી રહ્યા છે. આ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે.

અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક પૂજ્ય આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ માટે વિશ્વવ્યાપી જન આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય આચાર્ય લોકેશજીનું ચિંતન અને વિચારો હંમેશાં વ્યાપક અને ઉદાર રહ્યા છે. આખા વિશ્વને પોતાનો પરિવાર માનતા આવા સંત-મુનિ સાચા અર્થમાં સમસ્ત સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે.

જૈન આચાર્ય શ્રી લોકેશજીએ સ્વામિનારાયણ ગુરુકુળ-એસજીવીપી, છારોડીના પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, દિગંબર જૈન પરંપરાના મંત્ર ચિકિત્સક પૂજ્ય યોગભૂષણજી મહારાજ અને શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરાના યોગ મનીષી પૂજ્ય વિવેક મુનિજી મહારાજના સાનિધ્યમાં અભિનવ જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાર્થી શ્રી ચેતનજીને દીક્ષા આપીને તેમને મુની અનંતકુમાર જી એવું નામ આપ્યું હતું. આચાર્ય લોકેશજી દ્વારા અપાયેલી આ પહેલી દીક્ષા છે. રાજ્યપાલશ્રીએ દીક્ષા પ્રાપ્ત કરનાર મુની અનંતકુમાર અને આચાર્ય લોકોશજીને શુભકામનાઓ પાઠવીને કહ્યું કે, મુની અનંતકુમારે આ માર્ગ પસંદ કરીને યુવા પેઢીને પ્રેરણા આપી છે.

આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણે કદાચ બે રાષ્ટ્રો વચ્ચેના યુદ્ધ ન અટકાવી શકીએ, પરંતુ આપણા વૃદ્ધ મા-બાપને પ્રેમ અને સન્માનપૂર્વક આપણી સાથે રાખી તો શકીએ જ. વૃદ્ધાશ્રમોની વધી રહેલી સંખ્યા પ્રત્યે પારાવાર પીડા અને વેદના વ્યક્ત કરતાં શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સમાજના સારા કાર્યોમાં એવી જ વ્યક્તિ કે પરિવારનું દાન સ્વીકારવું જોઈએ કે જે પોતાના માતા-પિતાને પોતાની સાથે પ્રેમપૂર્વક સાચવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત પોલીસ વૃદ્ધાશ્રમોમાં રહેતા મા-બાપના સંતાનોને સમજાવીને પરિવારોમાં મેળાપ થાય તેવા પ્રયત્નો પણ કરી રહી છે.

આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવી તેમણે કહ્યું હતું કે, ધર્મરક્ષકની સાથે શાસનરક્ષકની ઉપસ્થિતિ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની કાર્યશૈલી યુવાઓને પ્રેરિત કરનારી છે. ખેડૂતોનું જીવન બદલી લોકોના સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય રાજ્યપાલશ્રી કરી રહ્યા છે.

શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, જૈન આચાર્ય શ્રી લોકેશજીએ સમાજના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કર્યું છે. જીવદયા અને વિવિધ દુષણો દૂર કરવા આચાર્યશ્રીએ અનેક કાર્યો કર્યા. અહિંસા વિશ્વ ભારતી કેન્દ્ર આવનારા દિવસોમાં સમાજ માટે એક મોડેલ સેન્ટર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ કહ્યું હતું કે, જૈન સમાજ અહિંસક અને શાંતિપ્રિય છે. લોકકલ્યાણના કામોમાં જૈન સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. લોકેશજીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા તેના મહત્વ વિશે સમજાવ્યું હતું. જૈન ધર્મ અને તેના મહિમા વિશે પણ તેમણે વિશેષ સમજણ આપી હતી.

આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વિવેક મુની મહારાજ, પૂજ્ય યોગભૂષણ મહારાજ તથા દિક્ષાર્થી ચેતનજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે જૈન ધર્મના વિવિધ જૈનાચાર્યશ્રીઓ, ધારાસભ્ય શ્રી કૌશિક જૈન, ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા તથા મોટી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field