જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ગાંધીનગરના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૧૬ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ
(જી.એન.એસ) તા. 29
ગાંધીનગર,
નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. જે અન્વયે ગાંધીનગરનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા રજૂ થતી સમસ્યાને ગંભીરતાથી લઈને તેના યોગ્ય ઉકેલ માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્રમાં સંવેદનશીલતા હોવી જોઈએ. સ્વાગત કાર્યક્રમ સુધી અરજદાર પહોંચે શા માટે એવો પ્રશ્ન ઉઠાવી તેમણે પ્રત્યેક અધિકારીને અરજદારની સમસ્યાને ગંભીરતાથી લઈ ફરજનિષ્ઠ બનવા તાકીદ કરી હતી. કલેકટરશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, અરજદારને વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે, તેમને સંતોષ થવો જ જોઈએ. અરજદારને સાંભળો, તેમની સમસ્યા સમજો અને ઉકેલ લાવવાના સંનિષ્ઠ પ્રયાસ કરો તેમ ભારપૂર્વક જણાવી કલેક્ટરશ્રી ઉમેર્યું હતું કે વહીવટી તંત્રમાં ફરજ બજાવતા પ્રત્યેક કર્મયોગી માટે અરજદાર ભગવાન સમાન હોવા જોઈએ અને તેમની સમસ્યાનું નિવારણ એ ઈશ્વરીય કાર્ય છે.
આ સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.જેમાં રસ્તા, પીવાના પાણી, દબાણ, જમીન આકારણી, પ્લોટ ફાળવણી અને રખડતા ઢોરની સમસ્યા જેવા પ્રશ્નો રજૂ થયા હતા. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જીજ્ઞાસા વેગડા, પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.