Home ગુજરાત અધિકારીઓના નામે રૂપાણી સામે હવે મનસુખ વસાવાએ તલવાર ખેંચી….!!

અધિકારીઓના નામે રૂપાણી સામે હવે મનસુખ વસાવાએ તલવાર ખેંચી….!!

351
0

– ગુજરાતમાં ભાજપ અને અધિકારીઓ સામ-સામે….?
– રૂપાણીના હાલત “નબળી ગાયને બગઇઓ ઝાઝી” જેવી થઇ ગઇ….?
– નિતિન પટેલને પર-પ્રપાંતિય અધિકારીઓ ગમતા નથી અને હવે સાંસદ વસાવાએ પણ કહ્યું- અધિકારી રાજ ચાલે છે…!
– ધારાસભ્ય કેતને કહ્યું હતું કે- અધિકારીઓ ગાંઠતા નથી, મધુએ કહ્યું કે અધિકારીને જાહેરમાં લાફા મારીશ..!
– આરોપો કરીને અધિકારીઓનું મોરલ તોડી નાંખવાનું ભાજપના આગેવાનોની સાજિશ તો નથી ને…?
(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે),તા.૨૮
ગુજરાતમાં ભાજપનું રાજ છે કે પછી….? આ સવાલ અન્ય કોઇ નહીં પરંતુ ભાજપ પક્ષના જ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. આ અગાઉ ભાજપના જ બે ધારાસભ્યો અધિકારીઓની વિરૂધ્ધ બોલી ચૂક્યા છે અને તેમાં એક મધુ શ્રીવાસ્તવે તો અધિકારીને જાહેરમાં લાફા મારવાની પ્રતિજ્ઞા મૂછે વળ દઇને કરી છે. નાયબ સીએમને પરપ્રાંતના ઉચ્ચ અધિકારીઓના નામની તક્તી ગમતી નથી. કેટલાક ધારાસભ્યોને અધિકારીઓ ગમતા નથી તો હવે એક સાંસદને પણ ગુજરાતમાં પોતાના પક્ષ ભાજપની નહીં પણ અધિકારીઓની સરકાર અને અધિકારીઓનું રાજ ચાલતું હોવાનું લાગી રહ્યું છે. તે જોતાં ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં સતત 13 વર્ષ અધિકારીઓને કાબુમાં રાખીને શાસન કરનાર તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામને બટ્ટો લગાવ્યો હોવાની છાપ ઉપસી રહી છે. અને નબળી ગાયને બગઇઓ ઝાઝીની કહેવત રૂપાણી સરકારને ભાજપના જ પરિબળો લાગૂ પાડી રહ્યાં છે.
ગુજરાતમાં 7 ઓક્ટોબર, 2001થી 22 મે 2014 સુધી મોદીએ પક્ષમાં અને સરકારમાં સૌને શિસ્તમાં રાખીને રાજ કર્યું હતું. પરંતુ તેમના ગયા પછી અને હાલના સીએમના શાસનમાં ભાજપના જ ધારાસભ્યોમાં અધિકારીઓ પ્રત્યોનની નારાજગી બહાર આવી રહી છે. હાલમાં જ વડોદરાના સાવલીની ધારાસભ્ય કેતન ઇનામદારે તેની શરૂઆત કરી હોય તેમ મારા મતવિસ્તારના કામો અધિકારીઓ કરતાં નથી એમ કહીને રાજીનામાનો મસ્ત ડ્રામા ભજવ્યો હતો. તેમને માંડ સમજાવ્યાં ત્યાં વડોદરામાંથી વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવે ફરીથી માથ ઉંચક્યું અને તેમના કામની ફાઇલ પર નેગેટીવ નોંધ લખનાર મહેસુલ વિભાગના અધિકારીને જાહેરમાં લાફા ન મારૂ તો મારૂ નામ મધુ શ્રીવાસ્તવ નહીં એવી પ્રતિજ્ઞા મિડિયા સમક્ષ જાહેરમાં પોતાની પાતળી મૂછોને વળ દઇને કરી હતી. ભાજપ નેતાગીરીએ તેમને ઠપકાર્યા અને હવે ભરૂચના આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવાએ તલવાર ખેંચીને અધિકારીઓને જ નિશાન બનાવ્યાં છે….!
ભાજપના ભરૂચના સિનિયર સાંસદ વસાવાએ કેતન અને મધુના આરોપોને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. તેમણે જાહેરમાં કહ્યું કે અમારા ભાજપના ધારાસભ્યોએ અધિકારીઓ કામ કરતાં નથી અને અધિકારીઓનું જ રાજ ચાલે છે એમ જે કહ્યું છે તે તદ્દન સાચુ છે…! ભાજપની સરકાર છતાં અધિકારીઓ અમારૂ કહ્યું માનતા નથી અને ભાજપના રાજ છે કે અધિકારીઓનું રાજ છે એ જ સમજાતું નથી એમ પણ તેમણે હૈયાવરાળ કાઢતા કહ્યું છે.
મધુ શ્રીવાસ્તવે ગેરશિસ્તનની તલવાર ખેંચી તે પછી પૂર્વ મંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ ભાવનગરના કોઇ કંસારા પ્રોજેક્ટના મામલે અધિકારીઓને આડે હાથે લઇને પોતાની ભડાસ કાઢી લીધી. તે અગાઉ નાયબ સીએમ અને પાટીદાર નેતા નીતિન પટેલે તો ખુલ્લેઆમ પરપ્રાંતના સનદી અધિકારીઓ અને આઇપીએસનો ઉલ્લેખ કરીને એમ કહ્યું કે સચિવાલયમાં બિનગુજરાતી આઇએએસ અને આઇપીએસના નામોની તક્તીઓ જોઉ છું તો દુખ થાય છે…! શું ગુજરાતમાં આવા ઉચ્ચ સ્થાને બેસવાની લાયકાત કે ક્ષમતા નથી….? એવો સવાલ પણ તેમણે કરીને પર પ્રાંતના અધિકારીઓ પ્રત્યેના નારાજગી બહાર દર્શાવી હતી. અલ્પેશ ઠાકોર નામના ધારાસભ્ય કોંગ્રેસમાં હત અને પર પ્રાંતિઓ પ્રત્યે આંદોલન ચલાવ્યું ત્યારે ભાજપ અને ખાસ કરીને નીતિન પટેલે તેમને વખોડી કાઢ્યા હતા. ત્યારબાદ રાજકીય લાભ માટે ઠાકોર રૂડા રૂપાણા લાગ્યા અને પરપ્રાંતિયો અંગેની ટીકા માફ થઇ ગઇ હતી.
રાજકીય સૂત્રો એવું તારણ કાઢી રહ્યાં છે કે ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓની સામે સત્તપક્ષ ભાજપમાં એક ધરી આકાર લઇ રહી છે. અને જાણે અજાણેનાયબ સીએમ પણ તેમાં ભળી ગયા છે. કેતન ઇનામદાર-મધુ શ્રીવાસ્તવ, મહેન્દ્ર ત્રિવેદી અને હવે વસાવા એ બધાની એક ફરિયાદ છે કે ભાજપ રાજમાં અધિકારીઓ કોઇનું સાંભળતા નથી અને પોતાની મનમાની કરે છે….! ગુજરાત સરકારનું નેતૃત્વ સીએમ તરીકે રૂપાણીના હાથમાં છે છતાં તેઓ પાતાના ધારાસભ્યો અને સાંસદને નિયંત્રણમાં લેવામાં કે વિશ્વાસમાં રાખવામાં નિષ્ફળ ગયા છે. નબળી ગાયને બગઇઓ ઝાઝી..એ કહેવત અનુસાર રૂપાણી નબળા છે એટલે ધારાસભ્યો અને સાંસદ તેમને પડકારી રહ્યાં છે કે તેમનું નાક દબાવીને પોતાનું ધાર્યું કામ કરાવી રહ્યાં છે…?
ગુજરાતમાં મોદીએ 13 વર્ષ શાસન કર્યું પરંતુ કોઇએ અધિકારીઓની સામે બળાપો કાઢવાની કે અધિકારીઓને જાહેરમાં લાફા મારવાની ધમકીઓ આપી નહોતી. તેમના ગયા પછી ભાજપ સરકાર જાણે રણીધોણી વગરની બની ગઇ હોય તેમ સૌ મનમાની કરી રહ્યાં હોવાની છાપ ઉપસી રહી છે. અને ભાજપ અને અધિકારીઓ સામસામે આવી જાય અને તંત્રમાં સ્થિલતા આવી જાય એવું કોઇ ઇચ્છી રહ્યું તો નથી ને…. કે પછી મોદી ગયા બાજ જેટલા સીએમ તરીકે આવ્યાં તેઓ નબળા સાબિત થઇ રહ્યાં છે….?
સૂત્રો કહે છે કે સરકાર અને તંત્ર અધિકારીઓથી જ ચાલે છે. જન્મનો દાખલો અધિકારી જ આપે છે. અધિકારીઓ વગર કોઇ સરકાર કામ કરી શકે નહીં. આ સાવ સાદી વહીવટીય બાબત નાયબ સીએમ પટેલ કે સાંસદ વસાવા ન સમજે એવું તો બને જ નહીં. તેથી સૂત્રોને એમ લાગી રહ્યું છે કે નબળા સીએમનું નાક દબાવીને જેટલા કામો કરાવવા હોય તેટલા કરાવી લેવા માટે ભાજપમાં એક પછી એક આગેવાનો રહી રહીને માથું ઉંચકી રહ્યાં છે….!
હવે ભાજપમાં કયા ધારાસભ્ય કે સાંસદ અધિકારીઓની સામે બળાપો કાઢે છે તેના પર સ્વર્ણિમ સંકૂલ-1ની નજર છે….!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભરૂચના આંગણે આવતીકાલે રૂડો અવસરઃ 24 અગ્રણીઓનું “ભરૂચ રત્ન”થી સન્માન કરાશે
Next articleહોલીવુડ અભિનેત્રી મેરી લૂઇસની હાજરીમાં ભરુચના ગૌરવવંતા “ભરુચ રત્નો”નું થયું વિશેષ સન્માન