(જી.એન.એસ) તા.22
ગાંધીનગર,
વર્ષ ૨૦૨૪-૨૫માં ઓનલાઈન અને અન્ય માધ્યમો દ્વારા અંદાજે ૦૧ કરોડથી વધુ અરજીઓ અંદાજે ૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧,૮૦૦ કરોડની શિષ્યવૃત્તિની DBT દ્વારા ચૂકવાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી, સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર ‘ડિજિટલ ગુજરાત’ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજ્યમાં નવી ટેક્નોલોજી સાથે જનહિતલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા ડિજિટલ ગુજરાત પ્રોજેક્ટ મહત્વનું પગલું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને ૮૦૦થી વધુ સરકારી સેવાઓ-યોજનાઓ વિવિધ પ્લેટફોર્મ્સ જેવા કે ઓનલાઇન, જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો, સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે તેમજ આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ડિજિટલ ગુજરાત અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ઓનલાઈન અને અન્ય માધ્યમો દ્વારા અંદાજે ૦૧ કરોડથી વધુ અરજીઓ મળી છે. સ્કોલરશિપ કાર્યક્રમ હેઠળ, ૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧,૮૦૦ કરોડની માતબર રકમની શિષ્યવૃત્તિ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર-DBT દ્વારા સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.આ ઉપરાંત ‘સેવા સેતુ’ કાર્યક્રમ થકી ગુજરાત સરકારે નાગરિકોના ઘર આંગણે જઈ ૧૦ તબક્કામાં કુલ ૩.૦૭ કરોડથી વધુ અરજીઓનો હકારાત્મક ઉકેલ કરી વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.’ડિજિટલ ગુજરાત’ પ્રોજેક્ટ સાથે વધુમાં વધુ નાગરિકો જોડાય તેવા ઉમદા હેતુથી સતત નવા-નવા સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમાં નાગરિકોને વ્હોટ્સએપ પર સીધી સરકારી સેવાઓની માહિતી મેળવવા માટે વ્હોટ્સએપ ચેટબોટ પણ બનાવવામાં આવ્યું છે તેવી જ રીતે ડિજિટલ ગુજરાત ચેટબોટ નાગરિકોના પ્રશ્નોના જવાબ આપી તેમને માર્ગદર્શિત કરશે. દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયાને દૂર કરીને સમય બચતની સાથે પારદર્શી રીતે પ્રમાણપત્રો સરળતાથી મેળવવાં માટે ઈ-સાઈન અને ઈ-સીલની સુવિધા પણ આપવામાં આવી રહી છે. વધુમાં આગામી સમયમાં ‘ડિજિટલ ગુજરાત ૨.૦’ હેઠળ અદ્યતન ટેક્નોલોજી અને આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ- AIનો ઉપયોગ કરી સરકારની સેવાઓ વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે તેનાં લાભાર્થી સુઘી પહોચાડવામાં આવશે તેમ, સાયન્સ અને પ્રૌદ્યોગિક વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.