Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના રાયગઢમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ખાનગી બસ, 12 મુસાફરોના મોત...

મહારાષ્ટ્રના રાયગઢમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ખાનગી બસ, 12 મુસાફરોના મોત અને 25થી વધુ મુસાફરો ઘાયલ થયા

59
0

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર ખોપોલી વિસ્તારમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 12 મુસાફરોના મોત થયા હતા જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ ઘાયલોને બસમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ સ્થાનિક લોકો પણ પોલીસને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.

રાયગઢ જિલ્લાના એસપી સોમનાથ ઘારગેએ જણાવ્યું કે બસમાં 40 થી 45 મુસાફરો હતા જેમાંથી 12 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠનના લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ પૂણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. પુણેથી પરત ફરતી વખતે તેમની બસને અકસ્માત નડ્યો હતો. એસપી સોમનાથ ઘારગેના જણાવ્યા અનુસાર બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. બસના અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે કે અન્ય કોઇ કારણથી થયો છે. આ અંગે પોલીસ તપાસ કરશે.

એસપીએ જણાવ્યું કે ઘાયલોને બચાવીને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જેમની હાલત ગંભીર છે તેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જ્યારે બસ ખીણમાં પડી ત્યારે જોરદાર ધડાકો સંભળાયો હતો. અવાજ સાંભળીને એવું લાગી રહ્યું હતું કે કોઈ ગંભીર અકસ્માત થયો છે. ઘટનાસ્થળે પહોંચીને જોયું તો બસ દેખાતી ન હતી કારણ કે તે 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે પણ નીચે ઉતરીને જોયા બાદ ખબર પડી કે મુસાફરો સહિત બસ ખીણમાં ખાબકી છે. બસમાંથી લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતા.

Previous articleદિલ્હીના બિંદાપુરમાં ભાજપ નેતાની બે અજાણ્યા બદમાશોએ નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી
Next articleજાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાનું ભાષણ શરૂ કરતા પહેલા જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ