રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ અને વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ ખેતીવાડી વીજ વપરાશ નોંધાયો
(જી.એન.એસ) તા. 21
ગાંધીનગર,
વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યનાં કુલ ૩૩ જિલ્લાના ૧૮,૨૨૫ પૈકી ૧૭,૨૨૭ ગામોમાં ખેતીવાડી વીજજોડાણ અપાયેલાં છે. જેમાંથી ૧૬,૭૧૭ એટલે કે આશરે ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.
વધુમાં, આ માટે રાજ્યની વીજ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની પેઢીને પ્રદૂષણમુક્ત વાતાવરણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોલસો,લિગ્નાઇટ જેવા પરંપરાગત ઊર્જા સ્રોતોના સ્થાને સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતોના ઉપયોગ પર ભાર આપવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-૨૦૨૫માં મહત્તમ વીજમાગ ૧૦,૧૦૭ મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં, મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે.
આ પ્રકારે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે કુલ રૂ. ૮૮૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તે પ્રમાણે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૩૮૫૯ કરોડના ખર્ચે ૩૬૪૯ સર્કિટ કિ.મી. વીજરેષાઓ તથા ૩૩ નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જે અંતર્ગત પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કુલ રૂ. ૧૩.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ કેવીની ૨૬.૧૫ સર્કિટ કિ.મી. નવીન વીજલાઇનની કામગીરી કરવામાં આવી છે તેમજ જિલ્લાના ૨૪,૩૮૪ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.