Home ગુજરાત ગાંધીનગર અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો...

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

18
0

ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પૂરતું પ્રાધાન્ય અપાયું: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. GYANના સર્વાંગી ઉત્કર્ષ દ્વારા અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું સુશાસન દ્વારા અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું, એ જ અમારું મૂળ લક્ષ્ય છે.

મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અર્થવ્યવસ્થા છેલ્લા બે દાયકાથી પૂરવેગે વિકસી રહી છે. છેલ્લા એક દાયકામાં જ સરેરાશ ૮.૨ ટકા જેટલા ઉંચા વિકાસ દર સાથે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. મજબૂત નાણાકીય વ્યવસ્થાપનના આધારે ઉચ્ચ વિકાસ દર જાળવી રાખી ગુજરાત વડાપ્રધાનશ્રીની “વિકસિત ભારત”ની સંકલ્પનાને ખરા અર્થમાં સાર્થક કરશે.

ગુજરાતની આર્થિક સિદ્ધિઓ વર્ણવતા નાણા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાતને સુશાસન સૂચકાંકમાં દેશભરમાં “પ્રથમ ક્રમ” મળ્યો છે. નીતિ આયોગે વર્ષ-૨૦૨૫માં જાહેર કરેલા રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં પણ ગુજરાત રાજ્યને “Achievers”નો દરજ્જો મળ્યો છે. દેવાના વ્યવસ્થાપનમાં પણ ગુજરાતે સંયમ રાખી અસરકારક અને કાર્યક્ષમ કામગીરી કરી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.

વર્ષ ૨૦૧૨-૧૩ થી વર્ષ ૨૦૨૨-૨૩ના દાયકામાં ગુજરાતના કુલ GSDP સામે દેવામાં ૪.૫ ટકાનો ઘટાડો થયો છે. જે ભારતના મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો છે. આ ઘટાડો રાજ્યના સક્ષમ નેતૃત્વનું દૂરંદેશી અને વ્યુહાત્મક આર્થિક આયોજન સૂચવે છે. આ ઉપરાંત ગુજરાતનો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો ગુણોત્તર ૨.૯ છે, જે ભારતના તમામ મોટા રાજ્યોમાં સૌથી ઓછો છે. ભારતના અન્ય રાજ્યોમાં આ ગુણોત્તર સરેરાશ ૫.૧ જેટલો ઊંચો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 મંત્રીશ્રીએ સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ૧૩માં નાણાપંચની ભલામણ મુજબ વ્યાજનો ખર્ચ મહેસૂલી આવકના પ્રમાણમાં ૨૦ ટકાથી અંદર રહેવો જોઇએ. જે અન્વયે વર્ષ ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજ પ્રમાણે ગુજરાતની મહેસૂલી આવકના પ્રમાણમાં વ્યાજનો ખર્ચ કુશળ નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે ઘટીને માત્ર ૧૧.૨૧ ટકા જ થયો છે. વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં આ વ્યાજ ખર્ચને ઘટાડીને ૧૦.૯૮ ટકા સુધી સીમીત રાખવાનો અંદાજ છે.

વેરા રાહતો અંગે વાત કરતા નાણા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર પ્રવર્તમાન ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે ફક્ત રૂ. ૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટીની જ ભરપાઇ કરવાની રહેશે. તેવી જ રીતે, અત્યારે એક કરોડ રૂપિયા સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર લગભગ ૦.૨૫ ટકા લેખે મહત્તમ રૂ. ૨૫,૦૦૦ની સ્ટેમ્પ ડ્યુટીને બદલે હવે મહત્તમ રૂ.૫,૦૦૦ની સ્ટેમ્પ ડ્યુટી જ ભરપાઇ કરવાની રહેશે.

હાલ એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર ૧ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઇ છે. જેના સ્થાને હવેથી રહેણાંક માટે રૂ. ૫૦૦ તથા વાણિજ્ય માટે રૂ.૧૦૦૦ની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. આ ઉપરાંત નાગરિકોને હવે ગીરોખત, ગીરોમુક્તિ લેખ અને ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે, ઘરે બેઠા ઇ-રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવા માટે સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર ૧ વર્ષ માટે ૫ ટકા સુધીની રીબેટ આપીને માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય આ અંદાજપત્રમાં કરાયો છે. આ ઉપરાંત મેક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના ૮ ટકા તથા ૧૨ ટકાને બદલે એક જ દર એટલે કે, ૬ ટકા દર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અર્થે વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ માટે રાજ્ય સરકારે પૂરતા નાણાની ફાળવણી કરી છે. સાથે જ, સામાજિક સુરક્ષા સહિત તમામ ક્ષેત્રે ખર્ચમાં વધારો કરી રાજ્યના વિકાસ દરને સતત વધારવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field