Home રમત-ગમત Sports WTC ફાઇનલ અગાઉ ભારતીય બોલર્સે આકરી મહેનત શરૂ કરી દીધી

WTC ફાઇનલ અગાઉ ભારતીય બોલર્સે આકરી મહેનત શરૂ કરી દીધી

48
0

(GNS),01

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવા અહીં આવેલી ભારતીય ક્રિકેટ ટીમે આકરી મહેનત શરૂ કરી દીધી છે. ખાસ કરીને રોહિત શર્માની ટીમ તેના બોલર્સના વર્કલોડ મેનેજમેન્ટ તરફ ધ્યાન આપી રહી છે. ભારતીય બોલર્સ છેલ્લા કેટલાક સમયથી આઇપીએલમાં સતત રમી રહ્યા છે અને હવે તેઓ સાતમી જૂનથી ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટની ફાઇનલ રમવાના છે જે અત્યંત મહત્વની મેચ છે. બોલિંગમાં મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ અને ઉમેશ યાદવ ભારતથી ઇંગ્લેન્ડ આવનારી પ્રથમ બેચના બોલર છે. જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લો આવશે કેમ કે તે આઇપીએલની ફાઇનલમાં રમ્યો હતો અને અમદાવાદમાં વરસાદને કારણે ફાઇનલ મેચ એક દિવસ પાછી ઠેલાઈ હતી. પ્રથમ બેચમાં ઇંગ્લેન્ડ આવેલા ખેલાડીઓમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થતો હતો. કોચ રાહુલ દ્રવિડ અને તેમનો સહયોગી સ્ટાફ પણ આવી પહોંચ્યો છે. કોહલી સોમવારથી ટીમ સાથે જોડાયો હતો. આવી જ રીતે ચેતેશ્વર પૂજારા હવે ટીમની સાથે જોડાઈ ગયો છે. તે આ સિઝનમાં સસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે.

ફાઇનલ અગાઉ ભારતીય ટીમ પ્રેક્ટિસ મેચ રમે તેવા પ્રયાસો થયા હતા. ટીમ હવે સસેક્સમાં અરૂન્દેલ ક્રિકેટ ક્લબ ખાતે કેટલાક પ્રેક્ટિસ સેશન હાથ ધરશે. ભારતીય ટીમ હાલમાં તો બોલિંગ પર વધારે ફોકસ કરી રહી છે અને અત્યાર સુધી બોલર્સે મહેનત કરી છે. ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ આ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તૈયારી સારી રીતે ચાલી રહી છે. પ્રેક્ટિસમાં શરૂઆતમાં હળવાશથી કામ થયું હતું પરંતુ છેલ્લા બે સેશન ખૂબ સારા રહ્યા છે. હું માનું છું કે અમે તેમાં થોડી તીવ્રતા લાવ્યા છીએ. ટેસ્ટ મેચમાં તેમને તૈયાર કરવા માટે તેમના વર્કલોડને વધારવામાં આવ્યો છે. પરંતુ બોલર્સ આકરી મહેનત કરી રહ્યા છે. તેણે ઉમેર્યું હતું કે અમે અહીંની પરિસ્થિતિથી ખુશ છીએ. મને લાગે છે કે તમે જેવી અપેક્ષા રાખો તેવું જ આ મેદાન અમને મળ્યું છે. હવામાન આમ તો ઝળહળતું છે પરંતુ સાથે સાથે પવન પણ છે અને ભારે ઠંડી છે. પરંતુ તમે ઇંગ્લેન્ડમાં આવો ત્યારે આ પ્રકારના હવામાનની તૈયારી રાખવી પડે અને અમે તેનાથી ટેવાયેલા છીએ.

ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે જણાવ્યું હતું કે હાલમાં અમે ક્લોઝ-ઇન ફિલ્ડિંગ અને કેચિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ કેમ કે લગભગ દરેક ખેલાડીએ આઇપીએલ દરમિયાન ફિટનેસ ડ્રીલ કવર કરી લીધી છે. ખેલાડીઓ આઇપીએલમાંથી સીધા જ આવી રહ્યા છે એટલે અમારે વર્કલોડની પણ તકેદારી રાખવી પડશે. તેઓ કેટલું દોડી શકશે કે કેટલી તકેદારી રાખી શકશે તે મહત્વની બાબત છે. ટીમના બેટિંગ કોચ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિક્રમ રાઠોડે બેટિંગ અંગે તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે ટી20 ફોર્મેટમાંથી અમે હવે ટેસ્ટ તરફ આવી રહ્યા છીએ ત્યારે આ બે અલગ અલગ પ્રકારમાંથી પાંચ દિવસીય ક્રિકેટ તરફ ફોકસ કરવું મહત્વનું બની રહેશે. તમામ ખેલાડી ઘણું ક્રિકેટ રમી ચૂક્યા છે એટલે હવે ફોર્મેટ બદલાવાથી જે ફરક પડતો હોય તે તરફ વધારે તકેદારી લેવાની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઇસીસીના ચેરમેન અને સીઇઓએ લાહોરની મુલાકાત દરમિયાન પાક. બોર્ડ પાસે ખાતરી માગી
Next articleCSK કપ્તાન મહેન્દ્રસિંહ ધોની બોડી ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલની લઇ શકે મુલાકાત