(જી.એન.એસ), તા.૭
ગુરુવારે અમેરિકા દ્વારા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાની રશિયાના રાષ્ટ્રપિ બ્લાદિમિર પુતિને ટીકા કરી છે. પુતિને ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આવા હુમલાને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે અમેરિકાએ આ પગલું ઉઠાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. પુતિને એમ પણ કહ્યું કે આ ઘટનાના કારણે અમેરિકા અને રશિયાના આપસી સંબંધોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. અત્રે જણાવવાનું કે રશિયા સીરિયામાં અસદ સરકારને સૈન્ય મદદ આપી રહ્યું છે. આ હુમલા બાદથી જ દુનિયાની નજર રશિયા પર હતી. રશિયા અને ટ્રમ્પ વચ્ચે કથિત નીકટતાને ધ્યાનમાં રાખીને અમેરિકી કાર્યવાહી બાદ પુતિનની પ્રતિક્રિયા શું હશે તે ચર્ચા હતી.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અમેરિકી મિસાઈલ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પુતિન સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના પાક્કા સહયોગી છે. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીરિયન સેનાના ઠેકાણા પર કરવામાં આવેલા હવાઈ હુમલાથી રશિયા ખુબ નારાજ છે. દિમિત્રીના જણાવ્યાં મુજબ પુતિન આ ઘટનાક્રમને સીરિયાની સંપ્રભુતા વિરુદ્ધ અમેરિકી આક્રમકતા તરીકે જોઈ રહ્યાં છે. પુતિન તરફથી કહેવાયું છે કે અમેરિકા ઈરાકમાં થઈ રહેલા નિર્દોષ લોકોનો મોત તરફથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માંગે છે અને એટલે જ તેમણે અસદ પર ખોટા આરોપ લગાવીને હુમલો કર્યો છે.
દિમિત્રીએ કહ્યું કે પુતિનનું માનવું છે કે સીરિયા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલો હુમલો એક સંપ્રભુ દેશ વિરુદ્ધ કરવામાં આવેલી તેમની આક્રમકતા છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ છે અને અસદ પર લગાવેલા આરોપ પણ ખોટા અને પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો અસદ સરકાર પર રાસાયણિક હથિયારના ઉપયોગનો આરોપ લગાવી રહ્યાં છે પરંતુ તે સાચુ નથી. રશિયા નથી માનતું કે સીરિયા પાસે રાસાયણિક હથિયાર છે.
રશિયાએ એમ પણ કહ્યું કે અમેરિકાની તાજી કાર્યવાહીના કારણે આતંકવાદ સામે લડવામાં આતંરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની કોશિશોને પણ ઝટકો લાગ્યો છે. અત્રે જણાવવાનું કે મંગળવારે સીરિયાના ઈદલિબ પ્રાંતમાં એક રાસાયણિક હુમલો થયો હતો. જેમાં 100 જેટલા લોકો માર્યા ગયાં. અમેરિકા અને તુર્કીએ આરોપ લગાવ્યો છે કે અસદ સરકારે પોતાના જ લોકોને નિશાન બનાવીને તેમના વિરુદ્ધ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો. ટ્રમ્પે આ હુમલાની નિંદા કરી હતી. જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ સીરિયન સરકારના કેટલાક સૈનિક ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો. બ્રિટિશ સરકારે અમેરિકાની આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.