રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૦.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૨૩.૫૦ સામે ૬૧૦૪૪.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૫૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૮.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૮૨૧.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૦૨.૯૦ સામે ૧૮૨૪૭.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૫૧.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૩૮.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબતીએ થઈ પણ સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ કરેકશનનો દોર આગળ વધાર્યો હતો. ભારતીય શેરબજારમાં ઐતિહાસિક અવિરત તોફાની તેજીનો લાંબો દોર જોવાયા બાદ સપ્તાહના અંતે ફંડો, મહારથીઓએ શેરોમાં ઓલ રાઉન્ડ પ્રોફિટ બુકિંગ સાથે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખતાં આજે સેન્સેક્સે ૬૧૦૦૦ની સપાટી અને નિફટીએ ૧૮૨૦૦ની સપાટી ગુમાવી હતી. દેશમાં મોંઘવારી અસહ્ય બની રહી હોવા સાથે લાંબા સમયથી ભારતીય શેરબજારોમાં શેરોમાં સતત તેજીનું તોફાન મચાવનારા ફંડો, મહારથીઓએ અંતે ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ કરતાં સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
દેશમાં ચોમાસાની સારી પ્રગતિ બાદ હવે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થવા સાથે વિશ્વમાં આ વખતે આર્થિક કટોકટીના બદલે સર્જાવા લાગેલી એનર્જી કટોકટીના ભરડાંમાં વિશ્વના અનેક દેશો આવી જતાં ઘણાં ભાગોમાં ફેકટરીઓ બંધ કરવાનો વખત આવતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૮૦ ડોલરની સપાટી પાર કરી જતાં વૈશ્વિક સપ્લાય પર મોટી અસર થવાના અંદાજોએ સાવચેતીમાં ફંડોએ શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૩ અને વધનારની સંખ્યા ૧૩૧૫ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભૂતકાળમાં ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ તેજીમાં મહદઅંશે એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારોનો હિસ્સો ઊંચો રહેતો જોવા મળ્યો છે. પરંતુ, મહામારી બાદ શેરબજારમાં ઉદ્ભવેલ ઐતિહાસિક તેજીમાં વિદશી રોકાણકારોની તુલનાએ સ્થાનિક રીટેલ રોકાણકારોનું રોકાણ ઊચું રહ્યું છે. મહામારી અગાઉના સમયમાં બજાર તેજીની ચાલના મુખ્ય ચાલક બળ તરીકે વિદેશી રોકાણકારો અગ્રસ્થાને રહેતા હતા. ત્યારબાદ સ્થાનિક નાણાં સંસ્થાઓ, મ્યુ. ફંડો અને તે પછી રોકાણકારોનો નંબર આવતો હતો. પરંતુ, મહામારી બાદ આ આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. મહામારીના કારણે ધંધા – રોજગાર બંધ થઇ જતા દેશના નાના-મોટા શહેરોમાંથી સંખ્યાબંધ લોકો શેરબજાર તરફ વળ્યા હતા. જેના કારણે ડીમેટ એકાઉન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉપલબ્ધ ડેટા મુજબ ગત ૧ એપ્રિલ, ૨૦૨૧થી અત્યાર સુધીમાં સ્થાનિક રોકાણકારોની સંખ્યામાં ૧.૫૨ કરોડનો ઉમેરો થયો છે, એટલે કે આટલા નવા રોકાણકારો શેરબજારમાં આવ્યા છે. તાજેતરના દિવસોમાં વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણમાં ઘટાડાથી સ્પષ્ટ થાય છે કે, રિટેલ રોકાણકારો માર્કેટની તેજીને આગળ ધપાવી રહ્યા છે. એનએસડીએલ અને સીડીએસએલના આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધીને સાત કરોડે પહોંચી ગઇ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૫૮ લાખથી વધારે નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યા છે જે દર્શાવે છે કે રોકાણકારો બચતના પરંપરાગત સ્ત્રોતમાંથી હવે શેરબજાર તરફ વળી રહ્યા છે. આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, સ્થાનિક ફંડો અને રીટેલ ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.