રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ભારતીય શેરબજાર માટે કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની શુભ શરૂઆત જોવા મળી હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે લડવા વેક્સિનના ડેવલપમેન્ટમાં એક તરફ સફળતા મળી રહી છે ત્યારે બીજી તરફ કોરોના વાઈરસે નવું સ્વરૂપ ધારણ કરતાં યુ.કે.સહિતના દેશોમાં ચિંતાનજક પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કેસો વધી રહ્યાની ચિંતા છે છતાં ફોરેન ફંડોએ ભારતમાં આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષાએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને ગત સપ્તાહે ભારતીય શેરબજારનો બીએસઇ સેન્સેકસે ૪૮૦૦૦ પોઈન્ટની સપાટી ઉપર કુદવીને ૪૮૬૧૬ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
સ્થાનિક શેરબજારમાં વર્ષ ૨૦૨૧ના કેન્દ્રીય બજેટ પૂર્વે સાવચેતી સાથે બે તરફી ચાલ જોવા મળી રહી છે, કારણ કે કોરોનાના આ સમયમાં બજેટ આશા પ્રમાણે રહેશે કે નહીં..? ઉપરાંત, વૈશ્વિક સ્તર પર યુરોપમાં કોરોનાના કેસ વધતા અને બ્રિટને નવા સ્ટ્રેઈનને પગલે વધુ એક લોકડાઉન જાહેર કરતા, સ્થાનિક સ્તરે સર્વિસીઝ પીએમઆઈ નવેમ્બર માસમાં ૫૩.૭ રહ્યો હતો, તે ડિસેમ્બર માસમાં ઘટીને ૫૨.૩ રહ્યા સાથે વર્લ્ડ બેન્ક દ્વારા ભારતનો ચાલુ નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ -૯.૬% રહેવાના અંદાજે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જો કે સપ્તાહના અંતે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થતાં ફંડો દ્વારા ફરી ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં તેજી તરફી આગેકૂચ જાળવી રાખી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભારતીય અર્થતંત્ર હવે કોરોનાના કમ્મરતોડ ફટકામાંથી બેઠું થયું હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા મહિને ગુડ્ઝ એન્ડ સર્વિસ કલેક્શન એક લાખ કરોડને પાર ગયું છે. ગત સપ્તાહના અંતે નાણાં મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં જીએસટી કલેક્શન રૂ.૧,૧૫,૧૭૪ કરોડ રહ્યું છે. ફેબ્રુઆરી બાદ સૌપ્રથમ વખતે જીએસટી કલેક્શન ઓક્ટોબર માસમાં એક લાખ કરોડને પાર ગયું હતું. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઈ હોવાથી અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાનું જણાય છે. જો કે ચાલું નાણાકિય વર્ષમાં કોરોના વાયરસ રોગચાળાનાં કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી GST કલેક્સન પર અસર થઇ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ કોવિડ-૧૯ રસીના વહેલા આગમને પ્રવૃત્તિઓ સામાન્ય થવી અને વૃદ્ધિમાં પુનઃસુધારાની અપેક્ષાઓ તરીકે જોવાઇ રહ્યું છે.
મારા મત મૂજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક અને આવકો એમ બંન્ને મોરચે મજબૂત સુધારો આવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારમાં કેટલીક રસીઓના આગમન સાથે સુધારાની સંભાવનાઓ વધુ છે. ઉપરાંત આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષા તથા નવા વર્ષમાં ફેડ તરફથી પણ રાહતોની સંભાવનાને જોતાં કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનાઓમાં FPIનો પ્રવાહ મજબૂત રહી શકે છે.
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય સર્વાધિક રોકાણ…
ભારતીય શેરબજારમાં ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ અંદાજીત રૂ.૧.૬ લાખ કરોડનું રોકાણ કર્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર યથાવત રાખવાની નીતિ તેમજ સ્ટીમ્યુલ્સ પેકેજ, અમેરિકામાં પ્રમુખની ચૂંટણી અને કોવિડ-૧૯ને કારણે એફપીઆઇ દ્વારા કરવામાં આવેલું સૌથી વધુ રોકાણ ભારતમાં થયું છે. ભારતીય શેરબજારમાં રોકાણ આકર્ષવા પાછળનું કારણ કોવિડ-૧૯ પછી આર્થિક ઝડપી રિકવરી, કંપનીઓની કામગીરીમાં થયેલો સુધારો, સરકાર દ્વારા પ્રવાહિતા વધારવા માટે લેવામાં આવેલા પગલાં અને કોવિડ-૧૯માં સરકારની અસરકારક ભૂમિકા જેવા કારણો મુખ્યત્વે રહ્યા હતા. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ નબળો થતાં ભારતીય કરન્સીમાં સુધારો થવાનું કારણ પણ મહત્ત્વનું પૂરવાર થયું હતું. એફપીઆઇએ સતત બીજા વર્ષે ભારતીય શેરબજારમાં ઊંચુ રોકાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૯માં ૧૪.૨ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.
કોવિડ-૧૯ને પગલે વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેન્કો દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં તેની સરખામણીએ ભારતની સ્થિતિ વધુ ઝડપથી સુધરતા અનલોક બાદ એફપીઆઇનો વલણ બદલાયું હતું અને વર્ષ ૨૦૨૦ના છેલ્લા બે મહિના દરમિયાન ભારતીય શેરબજારમાં મોટી ખરીદી કરી હતી. સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું હતું. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે લગભગ ૧૦ ટ્રીલિયન ડોલરના પેકેજની જાહેરાત થઈ હતી.
બજારની ભાવી દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની અવિરત લેવાલી દ્વારા દરેક સેક્ટરમાં તેજીનો માહોલ અકબંધ રીતે જળવાઇ રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી ટ્રેડરોએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા નફો બુક કરતાં જોવા મળે છે. ભારતીય શેરબજારમાં એક તરફી તેજીના મહોલે રોકાણકારો તેમજ ટ્રેડરોમાં ઉત્સાહ સાથે સાવચેતીનું વલણ પણ જોવાઈ રહ્યું છે. દરેક ઉછાળેથી ઇન્ટ્રાડે એકાદ નાનું કરેક્શન નોંધાવી નિફ્ટી અને સેન્સેકસ પ્રત્યાઘાતી ઘટાડેથી ફરી તેજીનો માહોલ જાળવી રાખવામાં સફળ થયા છે.
કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વના મોટા દેશોમાં વધારા સાથે ભારતમાં પણ કોરોનાની ચિંતા યથાવત રહી હોવા છતાં કોરોના વેક્સિન ડેવલપમેન્ટને પોઝિટીવ અહેવાલો અને હવે પરિસ્થિતિ ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં ઝડપી સ્થિર થવાના આશાવાદે આર્થિક ગતિવિધિ વધવાના અંદાજોએ ફોરેન ફંડો ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો જોઈ રહ્યા હોઈ ભારતીય શેરબજારમાં અવિરત મોટાપાયે ખરીદદાર રહ્યા છે, પરંતુ ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે.
કોરોના મહામારીમાંથી મુક્ત થવા મથતાં વિશ્વને કોરોનાના નવા સ્વરૂપે ચિંતા વધારી છે તો ફરી ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વની આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણના પરિણામે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો-પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. જેમાં હવે આગામી દિવસોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર ભારતીય શેરબજારની નજર રહેશે. ઉપરાંત આગામી દિવસોમાં વેક્સિન ડેવલપમેન્ટ અને કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામોની શરૂ થનારી સીઝન પર નજર રહેશે. કોરોના મહામારી સાથે હવે ડિસેમ્બરના અંતના પરિણામો કેવા નીવડશે, એના પર ચાલુ નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.