(જીએનએસ. વિશેષ અહેવાલ)
ન્યુ દિલ્હી-ગાંધીનગર, તા.16
દેશમાં ફેલાયેલી મહામારી કોરોના વાઇરસને ડામવા સરકારની સાથે ભારતના મિડિયા હાઉસ અને નાના મોટા મળીને સૌ અખબારો ખભે ખભા મિલાવીને એક યોધ્ધાની જેમ કામ કરી રહ્યાં છે. લોકડાઉનને કારણે અખબારોની આવક પર અસર પડી છે. ખાનગી જાહેરાતો સાવ ઓછી થઇ ગઇ છે યા તો બંધ થઇ ગઇ છે. પરિણામે અખબારોની નાણાંકિય હાલત સાવ બગડી ગઇ હોવાથી કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ રવિ મિત્તલે તમામ મંત્રાલયોને પત્ર લખીને આ અખબારોના સરકારી જાહેરાતોના બાકી નિકળતા અંદાજે 400 કરોડનું ચૂકવણું તાત્કાલિક કરવા જણાવ્યું છે.નોંધનીય છે કે અખબારોની આ હાલત અંગે સૌ પ્રથમ જીએનએસ ન્યૂઝ એજન્સીએ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ અખબારોના સંગઠન આઇએનએસ દ્વારા સરકારને આવેદનપત્ર અપાયો હતો. જેના આધારે સચિવે કેન્દ્રના તમામ મંત્રાલયોને આ પત્ર લખ્યો છે.
સૂત્રોએ કહ્યું કે સચિવે મંત્રાલયોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોરોના સામેની લડાઇમાં મિડિયા હાઉસ કે અખબારો પણ સરકારના પ્રયાસોને જનજન સુધી પહોંચાડીને જનહિતમાં કામ કરી રહ્યાં છે. લોકડાઉનને કારણે અખબારોની ખાનગી જાહેરખબરોની આવક પર ગંભીર અસરો પડી છે. પરિણામે કેટલાક અખબારોએ તેમના પાના ઘટાડી નાંખ્યા છે તો કેટલાક અખબારોએ કોસ્ટ કટીંગ અપનાવીને તેમના સ્ટાફ પર કાપ મૂક્યો છે. જે એક ગંભીર સમસ્યા છે. તેથી વિવિધ મંત્રાલયોએ અખબારોને આપેલી જાહેરાતોના જે પૈસા ચૂકવવાના થાય છે તે ડીએવીપી દ્વારા સત્વરે ચૂકવાય તેવી તાકીદ કરી છે. નોંધનીય છે કે વિવિધ મંત્રાલયો ડીએવીપી દ્વારા અખબારોને કે મિડિયા હાઉસને વિજ્ઞાપનો આપે છે. અને તેનું ચૂકવણું એટલે કે પેમેન્ટ પણ ડીએવીપી દ્વારા થાય છે. તેથી સચિવે ડીએવીપીને પણ તેની જાણ કરીને અખબારોના અંદાજે 400 કરોડ કે જે બાકી નિકળે છે તે તાકીદે ચુકવી આપવા જણાવ્યું છે. જેથી તેમાંથી અખબારો પોતાના સ્ટાફનું વેતન ચૂકવી શકે અથવા અન્ય નાણાંકિય જરૂરીયાતો પૂર્ણ કરી શકે.
સૂત્રો એ કહ્યું કે સચિવના પત્ર બાદ વિવિધ મંત્રાલયો તાકીદે ડીએવીપીને બાકી બિલોના નાણાં મોકલી આપે અને ડીએવીપી પણ જેમ બને તેમ વહેલી તકે જે તે નાના મોટા અખબારોના બાકી પેમેન્ટ તાત્કાલિક ચૂકવીને અખબારોને સંકટની આ ઘડીમાંથી ઉગારી લેવામા મદદરૂપ નિવડે.આમ એક રીતે જોઇએ તો જીએનએસ ન્યૂઝ એજન્સી અને આઇએનએસના સંયુક્ત પ્રયાસોએ રંગ લાવ્યો છે. અને સરકાર સુધી અખબારોની વેદનાને પહોંચાડવામાં સફળતા મેળવી છે. 400 કરોડમાંથી 224 કરોડની રકમ તો માત્ર 12 મંત્રાલયો પાસેથી નિકળે છે. તે તમામ મંત્રાલયો હવે તેનું ચૂકવણું કરે તે અખબારોને બચાવવામાં ઉપયોગી નિવડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.