(જી.એન.એસ) તા.૧૮
ગાંધીનગર,
કેટેગરી-૧: ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે કેટેગરી-૨: ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે જમીન ફાળવાશે કેટેગરી-૩: ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવાશે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરીને, GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે અને GIDC દ્વારા આ જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે છે. હાલની પદ્ધતિ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા સરકારી જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી થયેલા ભાવે પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણા કિસ્સામાં જમીનના દર હયાત દર કરતા વધુ થતા હોવાનું ધ્યાને આવ્યું હતું.આવી તમામ સમસ્યાઓના નિકાલ માટે ગુજરાત સરકારે જમીન ફાળવવાની આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ ૩ કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે. જે મુજબ કેટેગરી-૧માં સમાવિષ્ટ ૧૧૯ તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે. આ ઉપરાંત કેટેગરી-૨માં સમાવિષ્ટ ૭૬ તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૨૫ ટકા દરે, જ્યારે કેટેગરી-૩માં સમાવિષ્ટ ૫૬ તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના ૧૫૦ ટકા દરે જમીન ફાળવવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે ઔદ્યોગિક વસાહત માટે સરકારી પડતર જમીન ફાળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે તેમજ તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે. ખાસ કરીને MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને પણ આ નિર્ણયથી વધુ સુગમતા થશે. ઉદ્યોગકારોની રોકાણ કરવા માટેની કેટલીક દુવિધાઓ અને અનિશ્ચિતાઓ પણ દૂર થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.