(જી.એન.એસ) તા. 20
અમદાવાદ,
‘દસ મિનિટ, દેશ માટે’ના સૂત્ર સાથે બસ સ્ટેશન તથા બસોમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
વિવિધ બસોમાં મુસાફરી કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું અનોખું આયોજન
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક જાહેર સ્થળો તથા આઇકોનિક સ્થળો પર પણ ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરના BRTS, AMTS તથા GSRTC સંચાલિત વિવિધ બસો અને બસ સ્ટેન્ડ ખાતે ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પ્રથમ વખતના યુવા મતદારો વિવિધ બસોમાં બેસી શહેરના અનેક વિસ્તારોમાં મુસાફરી કરી હતી તે દરમિયાન નાગરિકો સાથે મતદાન કરવા મુદ્દે સંવાદ સાધ્યો હતો. યુવાનોએ મતદાન પર્વના મહત્વ વિશે લોકોને સમજ આપી હતી. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી. વધુમાં મતદાનની પ્રક્રિયા જેવી બાબતો વિશે પણ માહિતી આપી હતી.
યુવાનોએ ‘મતદાન જાગૃતિ’ ના વિવિધ બેનરો અને પોસ્ટર્સ લઈ બસોમાં મુસાફરી કરી હતી. આ ઉપરાંત યુવાનો દ્વારા AMTS, BRTS તથા GSRTC ના બસ સ્ટેન્ડ ખાતે પણ ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરાયો હતો.
યુવાનો દ્વારા બસોમાં ‘દસ મિનિટ, દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ ના નાદ સાથે મુસાફરી કરતા સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. મુસાફરોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહતમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.