(જી.એન.એસ),તા.08
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં, ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આજે મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીશ્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું શાસ્ત્રોકત વિધિથી પૂજન કર્યું હતું. એ પછી તેમણે પશુ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીશ્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો અંગે માહિતગાર કર્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના સહિત પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૩૭.૯૧ લાખનાં ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવે છે. આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી. જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.