(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
રાજ્યમાં હાલ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને અન્ય વ્યક્તિ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વેપારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાના માતા પિતાની બીમારીના ઈલાજ માટે વ્યાજખોરના ચક્રવ્યુમાં ફસાયેલા વેપારીએ આપઘાત કર્યો છે. વેપારીએ બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા ઓઢવ પોલીસે કોંગ્રેસના વિરાટનગર વોર્ડના કોંગ્રેસના પ્રમુખ સહિત 2 વ્યાજખોરની ધરપકડ કરી છે.
કોરોનાકાળ બાદ રાજ્યમાં સતત વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા વ્યાજે રૂપિયા લઇ ઊંચું વ્યાજની ચુકવણી કર્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવાના કિસ્સાઓ અમદાવાદ શહેરથી પણ સામે આવ્યા છે તો અમુક કિસ્સાઓમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કરી લેતા હોવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા વ્યાજખોરોનો ત્રાસ અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એક તરફ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે, તો બીજી તરફ ટૂંક જ સમયમાં ત્રણથી ચાર કિસ્સા સામે આવ્યા કે જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અજુગતું પગલું ભરતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોયડરીનો વેપાર કરતા ડેનિસ પરમાર નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ત્રાસ હોવાનું લખાણ લખવામાં આવ્યું હતું જેના આધારે મૃતક વેપારીની પત્ની દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુસાઈડ નોટમાં દેવું વધી ગયું હોવાનો તેમજ જે વ્યક્તિ પાસેથી ઉછીના પૈસા લીધા હતા, તે વ્યક્તિ પઠાણી ઉઘરાણી કરતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જે વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા તેનું નામ યોગેશ જૈન છે. આ વ્યક્તિ વિરાટનગરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છે. વધુમાં સુસાઈડ નોટમાં લખ્યું છે, કે શરૂઆતમાં હું રેગ્યુલર હપ્તા ભરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી હપ્તા ભરી શકતો ના હોવાથી આ વ્યક્તિ મને ગાળો આપી ધમકી આપતો હતો.
માતા પિતાની બીમારીના ઈલાજ માટે વ્યાજખોરના ચુગલમાં ફસાયેલા વેપારીએ જીવ ખોવો પડ્યો છે. આ વ્યાજખોરના ત્રાસનો અસહ્ય ત્રાસ સહન નહિ થતા ડેનિમ પરમાર નામના વેપારીએ આપઘાત કર્યો હતો. આરોપીએ કોરા ચેક અને લખાણમાં સહીઓ કરાવીને ધમકી પણ આપતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓમાં યોગેશ જૈન કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ છે, તેણે જ વેપારી પાસે પૈસાની સામે ચેક લીધા હતા અને પ્રોમિસરી નોટ પર પણ સહી કરાવી લીધી હતી. જોકે સમગ્ર મામલે હવે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વેપારી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે કે કેમ અથવા તો વ્યાજખોરો દ્વારા રૂપિયાના બદલામાં વેપારી પાસેથી અન્ય કોઈ માલ-મિલકત કે વસ્તુ લખાવી લીધી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.