Home ગુજરાત ગાંધીનગર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને ‘ભારતનું મિશન’ બનાવી દીધું છે :...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને ‘ભારતનું મિશન’ બનાવી દીધું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

17
0

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હવે પ્રાકૃતિક ખેતીને ‘ભારતનું મિશન’ બનાવી દીધું છે, ત્યારે આપણે સૌએ આ પવિત્ર મિશનને આગળ વધારવાનું છે.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરવા પ્રતિમાસ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે રાજભવનમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રાકૃતિક કૃષિ સંયોજકો અને આગેવાન ખેડૂતોની સમીક્ષા બેઠક યોજાય છે. આજે આ બેઠકને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી હવે સફળ કૃષિ પદ્ધતિ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ -ICAR ના કૃષિ વૈજ્ઞાનિકોએ પણ પ્રાકૃતિક ખેતી પરના અભ્યાસોના તારણોને સ્વીકાર્યા છે ત્યારે ખેડૂતો કોઈ દ્વિધા રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે. પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અનિવાર્ય છે. રાજ્ય સરકારના નિષ્ણાતો ખેડૂતોને વિનામૂલ્યે – ઘર આંગણે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે. ખેડૂતો પ્રોત્સાહક યોજનાઓનો લાભ લે અને પ્રાકૃતિક ખેતી અપનાવે એ વર્તમાન સમયની માંગ છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગના આત્મા – એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ વર્ષે 29 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ગામોને પાંચ-પાંચ ગામના ક્લસ્ટર્સમાં વિભાજિત કરીને પાંચ ગામ દીઠ એક કૃષિ વિભાગના કર્મચારી અને એક પ્રાકૃતિક ખેતી નિષ્ણાત ખેડૂત ; એમ બે વ્યક્તિઓને તાલીમની જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને તેમને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ બનાવી તેમના જ ગામમાં અન્ય ખેડૂતોને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

ગુજરાતમાં અત્યારે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, આ તમામ ખેડૂતો ઓછામાં ઓછા બે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરે એવું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક કૃષિના ઘનિષ્ઠ તાલીમ કેન્દ્રો બનશે. તમામ કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતીનું મોડલ ફાર્મ તૈયાર કરશે અને ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, નાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વરદાન છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો અને વપરાશકારો વચ્ચે માર્કેટિંગનો સેતુ વધુ સુદ્રઢ બને એ માટે નક્કર કાર્યયોજના તૈયાર કરવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. દર રવિવાર અને ગુરૂવારે જિલ્લા-તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની હાટ-બજાર ભરાય તે સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ. શાહ, સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, આત્માના નિયામક શ્રી સંકેત જોશી, બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ રબારી, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, ગુજરાત રાજ્ય કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, આણંદ, જુનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, પ્રાકૃતિક ખેતીના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલિયા, જિલ્લા સંયોજક શ્રી દીક્ષિત પટેલ અને આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારએ જાહેરાત કરી
Next articleનિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!