Home મધ્ય ગુજરાત અમદાવાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા-  આજે ૨૯મી ઓગસ્ટે ૧૭ વર્ષ પૂર્ણ

૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા-  આજે ૨૯મી ઓગસ્ટે ૧૭ વર્ષ પૂર્ણ

20
0

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ૨૦૦૭માં શરૂ થયેલી ૧૦૮ ઇમરજન્સી સેવાને આગામી ૨૯મી ઓગસ્ટે ૧૭ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ  શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી ૧૭ વર્ષમાં અંદાજે ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૧.૪૩ લાખ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે.

ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ ઓગસ્ટનો એ ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો. આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન  બની ગઈ છે.

રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અદ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની શરૂઆત ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ કરવામાં આવી હતી. આ ૧૦૮ યોજનાનું લોકાર્પણ આપણા હાલના વડાપ્રધાન તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

 વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪*૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. રાજ્યકક્ષાના અદ્યતન ટેક્નોલૉજીસભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી છે.

૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી ૧.૬૩ કરોડ કરતા વધારે લોકોને કટોકટી (મેડિકલ)ના સમયમાં સેવા, ૨.૩૧ લાખથી વધુ પોલીસ અને ૬ હજારથી વધુ ફાયર આમ, કુલ ૧.૬૬ કરોડથી વધુ કોલ એટેન્ડ કરીને સેવા આપવામાં આવી છે. એટલું જ નહીં, ૧૫.૫૨ લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે ૫૫.૨૫ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૪૩,૪૩૨થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવી છે. ૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસૂતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકાંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

આ ઉપરાંત રોડ અકસ્માત સંબંધિત ૨૦ લાખ ૨૮ હજારથી વધુ ઈમર્જન્સી તેમજ ૧૬ લાખ ૩૮ હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. આ સિવાય ૧૭ લાખ ૨૨ હજારથી વધુ કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના,  ૭ લાખ ૮૪ હજારથી વધુ કોલ્સ હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, ૯ લાખ ૮ હજારથી વધુ કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ તેમજ ૭ લાખ ૧૪ હજારથી વધુ કોલ્સ ભારે તાવની ફરિયાદને લઇને મળ્યા છે. અત્યાર સુધીમાં ૫૧.૩૫ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. 

આ તકે લોકોને એક અપીલ કરવાનું મન થાય કે જ્યારે પણ 108 એમ્બ્યુલન્સ વાનની સાયરન વાગે ત્યારે ત્વરિત તેને રસ્તો આપી દેવી જોઈએ, કારણ 108ની સાયરન એ માત્ર સાયરન જ નહિ પણ કોઈના દિલની ધડકન હોય છે.

બોક્સ મેટર ૧ – ૩૦ હજારથી વધુ કોલ ૧૦૮ સિટીઝન મોબાઇલ એપ્લિકેશન થકી થયા

૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી ‘૧૦૮ સિટીઝન મોબાઇલ એપ્લીકેશન’ શરૂ કરવામાં આવી છે, જેને સાડા ત્રણ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. એટલું જનહીં ૩૦ હજારથી વધુ કોલ આ એપ્લિકેશન મારફતે રિસીવ કરવામાં આવ્યા છે. 

બોક્સ મેટર ૨ – રાજ્યભરમાં કુલ ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત

૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૦થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બીમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ અને ૧૦૮ એર એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરી છે. અત્યાર સુધીમાં એર એમ્બ્યુલન્સ થકી ૫૦થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે બોટ એમ્બ્યુલન્સ થકી ૭૪૨ લોકોના જીવ બચ્યા છે.

બોક્સ મેટર ૩ – ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતો વખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. હાલમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ ૧૦૮માં સેવામાં આપી રહ્યા છે.

બોક્સ મેટર ૪ – ૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ મળી જાય છે

૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા જેટલા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. ૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે, જયારે શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજનું રાશિફળ (29/08/2024)
Next article૨૯ ઓગસ્ટ- નેશનલ સ્પોર્ટસ ડે; ગીર સોમનાથનું સરખડી ગામ ‘વોલીબોલ વીલેજ’