Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર

14
0

( જી. એન. એસ.) ગાંધીનગર,તા.23

વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.

ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નુકશાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકશાનીમાં ચોક્કસપણે રાહત મળશે.

અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેતપુરમાં  નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતાં જેલ ભેગો કરાયો
Next articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીનું પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોથી સ્વાગત કર્યું