(જી.એન.એસ) તા. 13
ગાંધીનગર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.