આ વર્ષે વરસાદની સીઝનમાં સ્ટ્રોબેરીના 25 હજાર છોડ વાવ્યા, પ્રાકૃતિક ખેતી કરીને આદિવાસી યુવાન આત્મનિર્ભર બન્યો
ડાંગના યુવાને શાકભાજીનું વાવેતર કર્યું, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર
(જી.એન.એસ) તા. 4
ડાંગ,
‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અંતર્ગત રાજ્યના વનવાસી પ્રદેશ ડાંગને, વર્ષ 2021માં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે અને આ વર્ષે કેન્દ્રીય બજેટમાં પણ સમગ્ર દેશમાં 1 કરોડ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આવરી લેવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસોથી, આજે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ડાંગને પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કર્યા બાદ અહીં ખેતી સાથે સંકળાયેલા આદિજાતિ યુવાનોના જીવનમાં નોંધપાત્ર પરિણામ જોવા મળ્યું છે. આહવા તાલુકાના ગલકુંડ ગામે રહેતા રાજુભાઇ સાહરેની સાફલ્યગાથા પ્રાકૃતિક ખેતીની સફળતાને દર્શાવે છે.
2 હેક્ટર વિસ્તારમાં ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી, 2023માં નફો ₹ 3 લાખ પાર
40 વર્ષીય રાજુભાઈ બુધાભાઈ સાહરેએ બાગાયતી વિભાગ દ્વારા તાલીમ મેળવીને વૈજ્ઞાનિક અભિગમ સાથે બાગાયતી ખેતી શરૂ કરી હતી. તેમણે વર્ષ 2021માં 2 હેક્ટર વિસ્તારમાં કારેલા વાવીને ₹ 55 હજારની આવક મેળવી હતી, જેમાં તેમને ₹ 40 હજારનો નફો થયો હતો. પ્રાકૃતિક ખેતીમાં સારી ઉપજ મળવાથી તેમણે વિવિધ પાકો લેવાનું શરૂ કર્યું અને વર્ષ 2023-24માં તેમણે મલ્ચીંગ અને ટપક સિંચાઈ પદ્ધતિથી મરચાં, કારેલા, ટમેટા અને બ્રોકલીનું વાવેતર કરીને ₹ 4 લાખ 40 હજારની આવક મેળવી હતી. ત્રણ વર્ષની અંદર જ તેમની આવકમાં 700 ટકાનો વધારો જોવા મળ્યો છે.
“હું નવા પ્રયોગો કરું છું, આ વર્ષે 25 હજાર સ્ટ્રોબેરી વાવી”
તેમના પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીના અનુભવો જણાવતા રાજુભાઈ કહે છે, “આ પદ્ધતિથી ઉપજ સારી મળી રહી છે. અમે સિઝન પ્રમાણે કારેલા, ટામેટા, ફણસી, ડાંગર વગેરે પાક વાવીએ છીએ. બ્રોકલી ડાંગના લોકો વચ્ચે બહુ પ્રચલિત નથી પણ મેં તેનો પ્રયોગ કર્યો હતો. ગયા વર્ષે મેં સ્ટ્રોબેરીના સાત હજાર છોડ વાવ્યા હતા અને મને તેમાં સો ટકા નફો મળ્યો હતો. આ વર્ષે સ્ટ્રોબેરીના 25 હજાર છોડ વાવ્યા છે. ”
“સરકાર અમને સબસિડી આપે છે”
રાજુભાઈએ જણાવ્યું કે તેમના પરિવારમાં કુલ ચાર ભાઈ છે જેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજુભાઈને બે મોટી દીકરીઓ અને એક દીકરો છે જેઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર તરફથી મળતી સહાય અંગે તેમણે કહ્યું, “અમને બાગાયતી વિભાગ તરફથી સબસિડી મળે છે. અમને અધિકારીઓ તરફથી જરૂરી તાલીમ અને સહાય બન્ને મળે છે. ” બાગાયતી વિભાગ દ્વારા કાચા મંડપ, બિયારણ, પ્લાસ્ટિક આવરણ, પેકિંગના મટેરિયલ્સ અને આંબા કલમ માટે સહાય આપવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ₹ 1603 લાખની સહાય
રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે તાલીમ અને સહાયની જોગવાઇ કરી છે. વ્યાપક સ્તરે રાજ્યમાં ખેડૂતો વચ્ચે પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વર્ષ 2021થી 2023-24 દરમિયાન ત્રણ વર્ષમાં, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ₹ 1603 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.