(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામમાં પસંદ થયેલા 18 જેટલા આશાસ્પદ અને ઉત્સાહી સીએમ ફેલો યુવાઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, તેમણે તેમના અભ્યાસ દરમ્યાન મેળવેલા જ્ઞાન કૌશલ્યનો ઉપયોગ સામાજિક જીવન અને સામાન્ય માનવીના કલ્યાણ માટે કરવાની એક ઉમદા તક તેમને મળી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ તક તમને તો લાભદાયી થશે જ સાથોસાથ સરકારને ભાવિ નીતિ-ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરંપરાથી સામાન્ય માનવી, ગરીબ, વંચિત, સૌના કલ્યાણના લક્ષ્યનો જે શાસન-ભાવ વિકસાવ્યો છે, તેને ચરિતાર્થ કરવામાં પ્રશાસનિક વ્યવસ્થાઓમાં તેજસ્વી અને ઓજસ્વી યુવાઓના ઈનોવેટિવ્ઝ આઈડિયાઝની ઊર્જાના વિનિયોગ માટે આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિએ જાહેર કરેલો છે.
આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ માટે આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરીને એક વર્ષ માટે 18 જેટલા યુવાઓને ફેલોશીપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ થયેલા યુવાઓ સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ, અભ્યાસ, ડેટા એનાલિસિસ અને ઈનોવેશન માટે કાર્યરત થયા છે. રાજ્ય સરકારે આ પ્રોગ્રામમાં વિશ્વખ્યાત મેનેજેન્ટ સંસ્થા આઈ.આઈ.એમ.-અમદાવાદને એકેડેમિક પાર્ટનર તરીકે જોડી છે અને આઈ.આઈ.એમ. આ યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપે છે.
સીએમ ફેલોશીપના આ યુવાઓ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન મેળવવા અને મુખ્યમંત્રીશ્રી સાથે પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરવા મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને ઉપસ્થિત થયા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ વાતાવરણ છે અને તેમને ફેલોશીપ તરીકે કામ કરવામાં મોકળાશ પણ છે. યોજનાઓના અમલમાં કે નવા ઈનિશિયેટિવ્ઝ લેવામાં ફંડિંગ એ કોઈ સમસ્યા નથી, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તમે શ્રેષ્ઠ વિચારો-સૂઝાવો લઈને આવો ,સરકાર તેના પર યોગ્ય વિચારાધીન રહેશે. આવા નવા વિચારો સરવાળે તો રાજ્યના કરોડો નાગરિકોના ભલા માટે લાભદાયી જ બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ યુવા ફેલો સાથે દર ત્રણ મહિને એક સમીક્ષા બેઠક યોજાય અને તેમને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તથા તેમના સૂઝાવો પણ સરકારને મળતા રહે તેવું સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢીયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ સર્વેશ્રી, પંકજ જોશી અને મનોજકુમાર દાસે, આ યુવાઓને પોતપોતાના સંબંધિત વિભાગોમાં હાલ કામ કરવાની જે અનુકૂળતા છે, તે વિશે અને તેમને જો કોઈ સમસ્યા હોય તો તે જણાવવા વિશે ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે આ સીએમ ફેલોશીપની વિસ્તૃત માહિતી અને ફેલોશીપ યુવાઓનો પરિચય મુખ્યમંત્રીશ્રી સમક્ષ આપીને સંચાલન કર્યું હતું. આ બેઠકમાં જી.એ.ડી..એ.આર.ટી.ડી.ના અગ્ર સચિવશ્રી એમ .શાહિદ, સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર-જનરલશ્રી વિજય ખરાડી, તેમ જ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.