દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે
દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં કંપની સેક્રેટરી પણ સૌથી મોટો ફાળો આપી શકે છે
(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશના અર્થતંત્રને પાંચમા સ્થાન પરથી ત્રીજા સ્થાને લઈ જવાની દિશામાં અનેક પ્રયાસો શરૂ કરી દેવાયા છે, એમાં સૌથી વધુ ફાળો કંપની સેક્રેટરી પણ આપી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ કંપની સતત આગળ વધે અને તે નિયમિત રીતે ટેક્સ ભરે તો તેનો ફાયદો દેશને અવશ્ય મળે છે. આજે દેશના તમામ નાગરિકોને એક વાતનો ખ્યાલ આવી ગયો છે કે, દેશનું અર્થતંત્ર પાંચમા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે એટલે હવે, આ અર્થતંત્રને ત્રીજા સ્થાન ઉપર લઈ જવામાં સૌએ ફાળો આપવાનો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં જ ગુજરાતમાં દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સમાપન થયું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ગુજરાતને સૌથી મોટો ફાયદો એ થયો છે કે, આજે દેશની ૫૦૦ મોટી કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ આજે ગુજરાતમાં છે.
ગ્લોબલ કોમ્પિટિશનની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકી રહી છે. દરેક કંપનીઓએ પણ ગ્લોબલ કોમ્પિટિશન માટે શું કરી શકાય તેના પર અવશ્ય ભાર મૂકવો જોઈએ. આપણે સૌએ ‘મેક ઇન ઇન્ડિયા’ને હવે ‘મેડ ઇન ઇન્ડિયા’ બનાવવાનું છે, એવું તેમણે આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ૪૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ દેશને ફાળવ્યું છે. આ બજેટમાં દરેક સેક્ટરને અનુરૂપ આયોજનબદ્ધ રીતે બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ દેશના વિકાસમાં મજબૂત પાયો નાખનારું બજેટ સાબિત થવાનું છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
જીએસટી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં ૧.૮૮ લાખ કરોડ જીએસટી આવક થઈ છે, જે દેશના વિકાસ માટે ઉપયોગી સાબિત થવાની છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિના કારણે તમામ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે સારી રીતે આગળ વધવા માગે છે તેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ અવસરે ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી સીએસ બી.નરસિંહમા, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ધનંજય શુક્લા, અમદાવાદ ચેપ્ટરના ચેરમેન શ્રી યશ મહેતા, સેક્રેટરી જૈમિન ત્રિવેદી, પ્રોગ્રામ ડિરેક્ટર અલય વસાવડા, તેમજ કંપની સેક્રેટરીઝ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.