Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરને હવે સુરક્ષાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારની સલામતિ એજન્સી દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં...

ગાંધીનગરને હવે સુરક્ષાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારની સલામતિ એજન્સી દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવશે

18
0

કોઇપણ ઘટનાને પહોંચી વળવા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

રાજ્યનું પાટનગર ગાંધીનગરને હવે સુરક્ષાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારની સલામતિ એજન્સી દ્વારા સંવેદનશીલ જાહેર કરવામાં આવનાર છે. કેન્દ્રિય સુરક્ષા એજન્સી રેપીડ એક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા હાથ ધરવામાં આવેલી સમીક્ષા દરમિયાન ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી મુખ્યમંત્રી, મંત્રીઓના નિવાસસ્થાન, સતત ચાલતા આંદોલન- ધરણા અને કેન્દ્રિય ગૃહમંત્રીના મત વિસ્તાર સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવ્યા છે. આ તમામ પરિબળોના આધારે ગાંધીનગરને સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવશે સાથે ભવિષ્યમાં કોઇપણ ઘટના કે અનિચ્છનિય સંજોગો ઉભા થાય તેની સામે ત્વરિત કાર્યવાહીના એક્શન પ્લાન પણ તૈયાર રાખવામાં આવશે. સોમવારે આરપીએફની ટીમ દ્વારા શહેરના સેક્ટર 21 પોલીસ મથક વિસ્તાર, ઇન્ફોસિટી પોલીસ વિસ્તાર સહિતના વિસ્તારમાં માર્ચપાસ્ટ યોજવામાં આવી હતી. આરપીએફના અધિકારી રવિકુમાર વર્માની સાથે સેક્ટર- 21 પોલીસ મથકના પીએસઆઇ એન.પી.મારૂ, અતુલભાઇ સહિતના અધિકારી અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આરપીએફની ટીમ પાંચ દિવસ સુધી ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં રહીને સ્થળ અને સ્થિતિની વિસ્તૃત જાણકારી મેળવશે. ગાંધીનગર ઉપરાંત ગુજરાતમાં સુરત, નવસારી, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, જામનગર સહિત અનેક જિલ્લા સંવેદનશીલમાં આવી ગયા છે. ગાંધીનગર શહેરની ભૌગોલિક સ્થિતિ, અહીંની કુલ વસતી, ભૂતકાળમાં બનેલા સાંપ્રદાયિક બનાવો, સામાજિક – સંસ્થાકીય આંદોલન, સ્થાનિક પોલીસની સ્ટ્રેન્થ, સ્થાનિક તંત્ર- ફાયર સુવિધા સહિતની બાબતોની જાણકારી આરપીએફની ટીમ દ્વારા મેળવવામાં આવી રહી છે. સમગ્ર ગાંધીનગરના પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવે છે. જેના આધારે રીપોર્ટ તૈયાર કરીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેર રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ શાંત શહેર ગણાય છે અને નાના મોટા ગુનાઓને બાદ કરતા ગંભીર ગુનાઓનો ક્રાઇમ રેટ નીચો છે.આરપીએફની ટીમ દ્વારા ગાંધીનગરના ખુણે ખુણાની માહિતી મેળવવામાં આવી રહી છે. તમામ ભૌગોલિક સ્થિત, સામાજિક સ્થિતિ, ગુનાખોરીનું પ્રમાણ, અહીં થતા આંદોલન અને ભૂતકાળના બનાવોની રજેરજની વિગતો એકત્ર કરાઇ રહી છે. જેના આધારે અહીં ભવિષ્યમાં કોઇપણ ઘટના બને ત્યારે તેને પહોંચી વળવાનો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે. હાલ જે ટીમ અહીં સમીક્ષા માટે આવી છે તે તમામ સ્થિતિથી વાકેફ બનશે અને ભવિષ્યમાં જ્યારે પણ કોઇ જરૂરિયાત ઉભી થાય ત્યારે તે જ ટીમને ગાંધીનગર મોકલવાની પ્રાયોરિટી અપાશે જેથી તેઓ આ સ્થળોથી પરિચિત હોવાથી તાત્કાલિક મોરચો સંભાળી શકે. રાજ્યનું પાટનગર હોવાથી અહીંની સ્થિતિ અન્ય શહેરો કરતા અલગ છે. અહીં આંદોલનનું પ્રમાણ વધારે છે. અવારનવાર ધરણાં યોજાય છે. તે ઉપરાંત મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીયકક્ષાના સ્થળો હોવાથી વીવીઆઇપી અને આંતરરાષ્ટ્રિય મહાનુભાવોની અવરજવર વધારે પ્રમાણમાં રહે છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઇને ગાંધીનગરને સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleSuzlon Energy ને બ્રોકરેજ ટાર્ગેટ પ્રાઇસ તોડ્યા
Next articleIPO પહેલા OLA મુશ્કેલીમાં મુકાયું, CE ઇન્ફો સિસ્ટમ્સે નોટીસ મોકલી